રિલાયન્સ વર્ષની ટોચે, સેન્સેક્સ સળંગ સાત દિવસ વધ્યો

0
512
Advertisement

રિલાયન્સની આગેવાની હેઠળ સેન્સેક્સમાં સતત સાતમાં દિવસે તેજી આગળ વધી હતી. એક તરફ રિલાયન્સ વર્ષની નવી ઊંચાઇએ પહોંચ્યો હતો તો બીજી તરફ સેન્સેક્સ-નિફ્ટી પણ છ મહિનાની ઊંચાઇએ બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં સાપ્તાહિક તેજી વચ્ચે આંકમાં 1,688 પોઇન્ટની રેલી જોવા મળી છે. ડોલર સામે રૂપિયો નરમ રહેવા છતાં અને ક્રૂડના ભાવ 68 ડોલરને પાર થઇને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચવાના અહેવાલ છતાં સ્થાનિક શેરબજારે આ કારણોને ડિસ્કાઉન્ટ કર્યું હતું. વૈશ્વિક સ્તરે મિશ્ર ટ્રેન્ડ હતો અને અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠખ મળી રહી હોવાથી તેની પર નજર હતી. બીજી તરફ બ્રેક્ઝિટનો ઇસ્યૂ ડહોળાઈ રહ્યો હોવા પાછળ યુરોપના શેરબજાર અથડાઈ ગયા હતા. પાઉન્ડમાં ઘટાડો અટક્યો હતો તો ડોલર ઇન્ડેક્સમાં સાધારણ નરમાઈ જોવાઈ હતી. આર્થિક ગ્રોથ ઘટવાની આગાહી છતાં સ્થાનિકમાં માથે રજા આવતી હોવાથી વેચાણો કપાતા પાછલા સત્રમાં સુધારો જોવાયો હતો.

સેન્સેક્સ 320 પોઇન્ટની વધઘટમાં રહીને છેલ્લે 268.40 પોઇન્ટ વધીને 38,365.47ની સપાટીએ બંધ રહ્યો હતો. 7 સપ્ટેમ્બર 2018 પછીની સૌથી ઊંચી સપાટીએ આંક બંધ હતો. નિફ્ટી પણ ઇન્ટ્રા ડેમાં 11,543.85ની છ મહિનાની નવી ટોચેથી પાછી ફરીને 70.20 પોઇન્ટ વધીને 11,532.40ના સ્તરે બંધ હતી. નિફ્ટી પણ છ મહિના પછી પ્રથમવાર 11,500ની સપાટી કુદાવવામાં સફળ રહી હતી. એંજલ બ્રોકિંગના ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ સેન્હા શાહનું કહેવું હતું કે, દિવસ દરમિયાન નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં નવાી લોંગ પોઝિશન બની હોવાનું જોવાયું હતું. નિફ્ટી 11,500ની ઊપર નીકળતા શોર્ટ પોઝિશન કવર થઈ હતી તો 11,600માં કોલ રાઇટિંગ જોવાયું હતું જે સૂચવે છે કે તેઓએ પોઝિશન સુલટાવી હતી. કોલ ઓપ્શનમાં 11,800માં નવી પોઝિશન ઊભી થઈ હતી જે સૂચવે છે કે નિફ્ટી નવી ઊંચાઈ તરફ આગળ વધવા મક્કમ છે. નિફ્ટી ઓલટાઇમ ઊંચાઇથી માત્ર 228 પોઇન્ટ અને સેન્સેક્સ 626 પોઇન્ટ દૂર રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે હજી પણ 11,500ના કોલમાં અને 11,000ના પુટમાં સૌથી મોટી ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે. સારો રિસ્ક રિવોર્ડ રેશિયો હાંસલ કરવા માટે આગામી દિવસોમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો હિતવાહ રહેશે.

વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેતો મળતા હતા. આને કારણે એશિયન શેરબજારમાં સ્થિરતાથી પ્રોફિટ બુકિંગનો માહોલ હતો તો યુરોપના બજાર સુધારા સાથે ખુલ્યા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર અંગે કેવા સંકેતો આપવામાં આવે છે તેની પર નજર હતી તો બ્રેક્ઝિટનો ઇસ્યૂ ગરમાયો હોવાથી તેમાં નવા કેવા વળાંક આવે છે તેની અસર યુરોપના શેરબજાર પર થવાની ગણતરી રહી હતી. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચેના ટેક સંધી હવે આખરી તબક્કામાં રહેતા તેની પણ સીધી અસર રહેવાની સંભાવના જોવાતી હતી. ભારતીય શેરબજારમાં તેજીના વાતાવરણમાં મિડ કેપ આંક 79 અને સ્મોલ કેપ આંક 55 પોઇન્ટ વધ્યા હતા. માર્કેટ બ્રેડથ સુધીને વધનાર 1411 શેરો સામે ઘટનાર 1295 શેરો હતા. સેક્ટોરલ આંકમાં એનર્જી 1.5 ટકા, ઇન્ફ્રા એક ટકા, એફએમસીજી 1.1 ટકા, સીપીએસઈ એક ટકા, પીએસયુ 1.3 ટકા, પ્રાઇવેટ બેન્ક 0.6 ટકા, આઇટી 0.9 ટકા, ટેલિકોમ 1.7 ટકા, યુટિલિટી 1.2 ટકા, બેન્કેક્સ 0.6 ટકા, ઓઇલ એન્ડ ગેસ આંક 1.1 ટકા અને પાવર એક ટકા વધ્યા હતા. સેન્સેક્સમાં આઇટીસી સૌથી વધુ સુધર્યો હતો તો હિરો મોટોકોર્પ ઘટવામાં મોખરે હતો. 

આરકોમ 10% ઊછળ્યો, ADAG શેરો સુધર્યા

મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને નાણાં આપીને ગંભીર કટોકટી ટાળતા તેની પોઝિટીવ અસર એનિલ અંબાણી ધીરૂભાઈ ગ્રૂપના શેરોમાં જોવાઈ હતી. આરકોમ સૌથી વધુ 10 ટકા વધીને 4.40 રહ્યો હતો તો આરનેવલ પાંચ ટકા વધીને 10.10, આરકેપ 4.8 ટકા વધીને 188.75, આરઇન્ફ્રા 2.1 ટકા વધીને 137.20, આરપાવર 1.3 ટકા વધીને 11.21, રિલાયન્સ હોમ પાંચ ટકા વધીને 30.25 રહ્યા હતા. એક માત્ર આરનિપ્પોન 1.2 ટકા ઘટીને 191.35ની સપાટીએ બંધ હતો. 

ઓટો શેરોની રિવર્સ ગીયરમાં આગેકૂચ જળવાઈ

મારુતિના ફેબ્રુઆરીમાં ઉત્પાદન કાપના સમાચાર પાછળ નીકળેલી વેચવાલી આગળ વધી હતી. ઓટો કંપનીઓ દ્વારા ડિલરોને વેચાણ વધારવા માટે વધુ કમિશન આપવામાં આવી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતા તેની નકારાત્મક અસર શેરોના ભાવ પર થઈ હતી. આઇશર મોટર્સ 2.5 ટકા ઘટીને 21,704, ટીવીએસ મોટર્સ 2.3 ટકા ઘટીને 478.20, હિરો મોટોકોર્પ 2.1 ટકા ઘટીને 2615.40, મારુતિ સુઝુકી 1.1 ટકા ઘટીને 6,832.55, અશોક લેલેન્ડ 0.9 ટકા ઘટીને 91.50, બજાજ ઓટો 0.8 ટકા ઘટીને 2,981 બંધ હતા. 

જેટ એરવેઝના શેરમાં પાંચ ટકાનું ગાબડું

જેટ એરવેઝના એક પછી એક પ્લેનો સેફ્ટી નોર્મ્સના આધારે ગ્રાઉન્ડેડ થવાની સાથે કંપની નાણાં ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહી ઉપરાંત ઉડ્ડયન ખાતા દ્વારાા હાથ ધરાયેલી તપાસ જેવા વિવિધ અહેવાલોની વચ્ચે શેરનો ભાવ એક તબક્કે ગભરાટભરી વેચવાલીમાં પાંચ ટકા તૂટીને નીચામાં 225.10 થયા બાદ પાછળથી સરકાર દરમિયાનગીરી કરશે એવા અહેવાલો આવતાં સાધારણ રિકવર થઇને છેલ્લે 3.3 ટકા ઘટીને 229.05ની સપાટીએ બંધ રહ્યો હતો.