મુંબઈમાં 26 નર્સ અને ત્રણ ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

0
381
Corona report positive of 26 nurses and three doctors in Mumbai
Corona report positive of 26 nurses and three doctors in Mumbai
Advertisement

 મુંબઈ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન છતા મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં 26 નર્સ અને ત્રણ તબીબોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર હચમચી ગયું છે. મહારાષ્ટ્રમાં સોમવારે સવારે 33 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ મહારાષ્ટ્રમાં સંક્રમણ થયું હોય તેવા દર્દીઓનો આંકડો વધીને 781 થઈ ગયો છે. આજે પુણેમાં 19 કેસ, મુંબઈમાં 11, સતારા, વસઈ અને અહમદનગરમાં એક-એક કેસ નોંધાયા છે.

વસઈની નજીક આવેલા નાલાસોપારામાં એક 65 વર્ષીય દર્દીનું મોત થયું હતું. મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતનો આંકડો 46 થયો છે. સૌથી વધુ 113 પોઝિટિવ દર્દીઓ રવિવારે નોંધાયા હતા અને 13 દર્દીઓના મોત થયા હતા. મૃતકો પૈકી 9 મુંબઈ એમએમઆરડીએ, ત્રણ પુણેના અને એક ઔરંગાબાદના હતા.

બીએમસીએ વોકહાર્ટ હોસ્પિટલને એક ક્વોરન્ટાઈન ઝોન જાહેર કરી દીધું છે. મુંબઈ સેન્ટ્રલમાં આવેલી આ હોસ્પિટલમાં નવા દર્દીને એડમિટ કરવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં મોટાપાયે સંક્રમણ ફેલાયું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તમામને સાવચેતી રાખવી જોઈતી હતી. આ કેસની તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે. હોસ્પિટલમાં કામ કરતા 270થી વધુ કર્મચારીઓ અ ડોક્ટરોની તપાસ કરવામાં આવી રહી છે.

મુંબઈની જસલોક હોસ્પિટલને પણ રેડ ઝોન જાહેર કરાયો છે. જસલોક હોસ્પિટલની એક નર્સે વીડિયો જાહેર કરી અનેક નર્સમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું હોવાનું જણાવ્યું હતું. જો કે બીએમસીના ઉચ્ચ અધિકારીઓએ જસલોક હોસ્પિટલના સત્તાધીશોનો સંપર્ક કરી માહિતી મેળવી હતી જેમાં હોસ્પિટલે એક નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ માહિતી બાદ હોસ્પિટલમાં પ્રવેશ કે નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે તેમજ ઓપીડી બંધ કરાયું છે. આ નર્સ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હોવાથી તેનામાં સંક્રમણ ફેલાયું હોવાનું માનવામાં આવે છે. હોસ્પિટલના અન્ય સ્ટાફ અને કોન્ટેક્ટ્સને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

ઔરંગાબાદની સ્થાનિક હોસ્પિટલમાં કામ કરનાર 38 વર્ષીય બ્રધર (પુરૂષ નર્સ) પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આ ઘટના બાદ હોસ્પિટલના તમામ સ્ટાફની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આજે સાંજ સુધી તમામના રિપોર્ટ આવે તેવી સંભાવના છે.

વોકહાર્ટમાં આ રીતે ફેલાયું સંક્રમણ

27 માર્ચના વોકહાર્ટ હોસ્પિટલમાં 70 વર્ષના એક વૃદ્ધ દર્દી એડમિટ થયા હતા. તેમની એન્જ્યોપ્લાસ્ટી કરવાની હતી. સારવાર દરમિયાન જ વૃદ્ધનું મોત નિપજ્યું હતું બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા સ્ટાફમાં પણ પોઝિટિવ લક્ષણો આવ્યા હતા. તાજેતરમાં વોકહાર્ટમાં કામ કરનાર અને ધારાવીમાં રહેતા સર્જનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના તમામ સ્ટાફનું ચેકઅપ કરાયું હતું જેમાં 26 નર્સ અને ત્રણ ડોક્ટરો કોરોના વાયરસની લપેટમાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ દિવ્ય સરદાર સમાચાર સાથે. તમે અમને ફેસબુકટ્વીટર અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Click For Gujarat Samachar in Hindi, India Hindi News