ટેલ અવીવ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ રોકવાનો ઈન્કાર કરી દીધો છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે. ઇઝરાયલે હમાસને ખતમ કરવાના સોગંધ લીધા છે. આ દરમિયાન ઇઝરાયલે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે હમાસના નેતાઓને ગાઝા છોડવા માટે સુરક્ષિત માર્ગ આપશે.
અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર, ઇઝરાયલ ગાઝામાંથી હમાસ નેતાઓને બહાર કરીને ત્યાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. એક્સિઓસના અહેવાલ મુજબ, ઇઝરાયલે તમામ બંધકોની મુક્તિના બદલામાં 2 મહિનાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
બીજી તરફ ગાઝામાં મંગળવારે થયેલા હુમલામાં 21 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા હતા. આ સૈનિકો ઇઝરાયલની સરહદથી 600 મીટરના અંતરે હમાસના સ્થાનોને નષ્ટ કરી રહ્યા હતા. ત્યાં ઇઝરાયલની સેનાની ઘણી ટેન્કો હાજર હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં તેમાં હાજર 21 સૈનિકોના મોત થયા હતા.
આ તસવીર સોમવારે શહીદ થયેલા જવાનોની છે
યુએન ચીફે કહ્યું- ઈઝરાયલે તરત જ યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાઝામાં અત્યાર સુધીમાં 26 હજાર નાગરિકો માર્યા ગયા છે. આમ છતાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ બંધ થવાની હાલમાં કોઇ આશા દેખાતી નથી.
આ દરમિયાન, યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે ગાઝામાં નાગરિકોની સતત હત્યા શરમજનક છે અને તેને બિલકુલ સહન કરી શકાય નહીં. બીજી તરફ, અમેરિકા અને યુરોપ ઇઝરાયલ પાસે માંગ કરી રહ્યા છે કે તેના બંદરેથી ગાઝામાં રાહત સામગ્રી મોકલવાની મંજૂરી આપવામાં આવે.
ઇઝરાયલે 2 મહિના માટે યુદ્ધ રોકવાના બદલામાં હમાસ પાસેથી તમામ બંધકોને મુક્ત કરવાની માંગ કરી છે.
અત્યાર સુધીમાં 26 હજાર લોકોના મોત થયા છે
- યુએન ચીફના જણાવ્યા અનુસાર ગાઝામાં જે પ્રકારની તબાહી થઈ રહી છે તેની સપનામાં પણ કલ્પના કરી શકાતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં અત્યાર સુધીમાં 26 હજાર લોકો માર્યા ગયા છે. આ યુદ્ધને તાત્કાલિક બંધ કરવું જોઈએ અને વિશ્વએ આગળ આવવું જોઈએ અને માનવતા તરીકે ગાઝાને સંપૂર્ણ મદદ કરવી જોઈએ.
- ગુટેરેસે કહ્યું- અમે ઇઝરાયલને ગાઝામાં વહેલી તકે યુદ્ધવિરામ જાહેર કરવાની માગણી કરીએ છીએ. આ સિવાય ગાઝાના જે લોકોને તેની જરૂર છે તેમને તાત્કાલિક રાહત સામગ્રી અને સારવાર મળવી જોઈએ.
- યુએન ચીફે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા અંગે કંઇ કહ્યું ન હતું. આ હુમલામાં ઇઝરાયલના 1200 નાગરિકો માર્યા ગયા હતા. આ સિવાય 234 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હજુ પણ 132 બંધકો હમાસની કેદમાં છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે બંધકોની મુક્તિ માટે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
અમેરિકા અને યુરોપ ઇઝરાયલને તેના બંદરથી ગાઝામાં રાહત સામગ્રી મોકલવાની મંજૂરી આપવા માંગ કરી રહ્યા છે.
અમેરિકા અને યુરોપમાંથી માંગ
- અમેરિકા અને યુરોપના અધિકારીઓની ટીમ ઇઝરાયલના પ્રવાસે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ અધિકારીઓએ ઇઝરાયલ સરકારને ગાઝામાં રાહત સામગ્રી મોકલવા માટે તેમના બંદરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા કહ્યું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
- એવું માનવામાં આવે છે કે કતારમાં મંત્રણા દરમિયાન ઘણા અધિકારીઓએ ઇઝરાયલ સમક્ષ એવી શરત મૂકી છે કે બંધકોની મુક્તિનો માર્ગ ધીમે-ધીમે ખોલવો પડશે અને તેના માટે પહેલું પગલું એ છે કે ઇઝરાયલ તેના બંદરથી ગાઝા સુધી રાહત સામગ્રી મોકલવા મંજૂરી આપે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસના આતંકવાદીઓ આ રાહત સામગ્રીનો ઉપયોગ નહીં કરે તેની ખાતરી ન મળે ત્યાં સુધી તે તેના બંદરનો ઉપયોગ કરવા દેશે નહીં.