કોલકાતા6 કલાક પેહલા
- કૉપી લિંક
CBIએ શનિવારે (23 માર્ચ) TMC નેતા મહુઆ મોઇત્રાના કોલકાતાના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમે સંસદમાં રૂપિયા લઇને પ્રશ્નો પૂછવાના આરોપમાં(કેશ ફોર ક્વેરી) તેના ઘરની તલાશી કરી રહી છે. આ કિસ્સામાં મહુઆનું 8 ડિસેમ્બર 2023ના રોજ સાંસદપદ છીનવાયું હતું
19 માર્ચે લોકપાલે CBIને કેશ ફોર ક્વેરી કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 6 મહિનામાં કેસ રિપોર્ટ દાખલ કરો અને દર મહિને સ્ટેટસ રિપોર્ટ સબ્મિટ કરો એવું પણ કહેવામાં આવ્યું હતું.
લોકપાલના આદેશ બાદ CBIએ 21 માર્ચે મહુઆ વિરુદ્ધ FIR નોંધી હતી. મહુઆએ 2016માં પહેલી ચૂંટણી પશ્ચિમ બંગાળના કરીમનગર વિધાનસભાથી જીતી હતી. 2019માં તેમણે ટીએમસીની ટિકિટ પર કૃષ્ણનગરથી લોકસભા ચૂંટણી લડી અને જીતી.
ભાજપનાં સાંસદે મહુઆ પર આરોપો લગાવ્યા હતા
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે પૈસા લીધા બાદ તેમણે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. નિશિકાંતે આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી. આ મામલાની તપાસ માટે એથિક્સ કમિટીની રચના કરવામાં આવી હતી.
એથિક્સ કમિટીના રિપોર્ટમાં મહુઆને દોષી ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ 8 ડિસેમ્બર 2023ના રોજ મહુઆની હકાલપટ્ટીનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. મહુઆની હકાલપટ્ટીને લઈને લોકસભામાં પાર્ટી અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. અંતે, પ્રસ્તાવ પર મતદાન થયું, જેમાં વિપક્ષે વોકઆઉટ કર્યું. વોટિંગમાં મહુઆને લોકસભામાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
કેસ સાથે સંબંધિત 4 પાત્રો…
1. મહુઆ મોઇત્રાઃ અમેરિકામાં ભણ્યા, લંડનમાં કામ કર્યું અને બંગાળમાં રાજકારણ કર્યું
આ કેસનું મુખ્ય પાત્ર મહુઆ મોઇત્રા છે, જેઓ તમામ આરોપોનો સામનો કરી રહ્યાં છે. TMC સાંસદ મહુઆ મોઇત્રા મૂળભૂત રીતે બેંકર છે. મૂળભૂત શિક્ષણ પછી મોઇત્રા ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા. બાદમાં તેમને લંડનની એક નામાંકિત બેંકમાં નોકરી મળી.
થોડાં વર્ષો પછી તેમનું નોકરીમાંથી મન ઊઠી ગયું અને રાજકારણમાં ઝંપલાવ્યું. તેમણે 2016માં તેમની પ્રથમ ચૂંટણી પશ્ચિમ બંગાળની કરીમનગર વિધાનસભાથી જીતી હતી. 2019માં તેઓ ટીએમસીની ટિકિટ પર કૃષ્ણનગરથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી.
2. નિશિકાંત દુબેઃ રાજકારણમાં આવ્યા પહેલાં કોર્પોરેટ જગતમાં હતા
આ સ્ટોરીનું બીજું મહત્ત્વનું પાત્ર છે બીજેપી સાંસદ નિશિકાંત દુબે. 15 ઓક્ટોબરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મહુઆ પર આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા અને ગિફ્ટ લીધાં હતાં.
ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ 2009માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં તેઓ એસ્સાર ગ્રુપના કોર્પોરેટ હેડ હતા. તેમણે 2009માં ગોડ્ડાથી પહેલી ચૂંટણી જીતી હતી. આ પછી 2014 અને 2019માં પણ જીત મેળવી.
3. દર્શન હીરાનંદાની: રિયલ એસ્ટેટ કંપની હીરાનંદાની ગ્રુપના CEO, અદાણી ગ્રુપના હરીફ
42 વર્ષીય દર્શન હીરાનંદાનીએ પત્ર લખીને મહુઆ પર વધુ આરોપ લગાવ્યા છે. દર્શન મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હીરાનંદાની ગ્રુપના સીઈઓ છે. તેના પિતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ નિરંજન હીરાનંદાની છે.
દર્શન ડેટા સેન્ટર, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઓઈલ એન્ડ ગેસ, લોજિસ્ટિક્સ, વેરહાઉસ વગેરે જેવી ઘણી કંપનીઓના પ્રમુખ છે જે હીરાનંદાની ગ્રુપ હેઠળ છે. દર્શને રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ન્યૂયોર્કમાંથી MBA અને BScની ડિગ્રી મેળવી છે. હીરાનંદાની ગ્રુપ અદાણી ગ્રુપની હરીફ છે.
4. જય અનંત દેહાદ્રાયઃ સુપ્રીમ કોર્ટના વકીલ જેમણે મહુઆ પર આરોપ લગાવ્યો હતો
જય અનંત દેહદ્રાય સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અહેવાલો અનુસાર, જય અનંત દેહદ્રાય અને મહુઆ મોઇત્રા બંને પહેલાં મિત્રો હતાં, પરંતુ બાદમાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. મોઇત્રાએ છેલ્લા છ મહિનામાં ચોરી, અશ્લીલ સંદેશાઓ અને ગેરવર્તણૂક માટે દેહાદ્રાય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ અનંતે પુરાવા આપીને મોઇત્રા વિરુદ્ધ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી, આ જ પુરાવા બીજેપી સાંસદ નિશિકાંત દુબે દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને સંસદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મહુઆ મોઇત્રાએ સંસદમાં 62 પ્રશ્ન પૂછ્યા, 9 અદાણી સંબંધિત
2019માં સાંસદ બન્યા બાદ મહુઆ મોઇત્રાએ સંસદમાં 28 કેન્દ્રીય મંત્રાલયો સાથે સંબંધિત 62 પ્રશ્ન પૂછ્યા છે. એમાં પેટ્રોલિયમ, કૃષિ, શિપિંગ, નાગરિક ઉડ્ડયન, રેલવે વગેરેનો સમાવેશ થાય છે.
sansad.in વેબસાઈટ મુજબ, 62 પ્રશ્નમાંથી સૌથી વધુ નવ પ્રશ્નો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય માટે હતા, ત્યાર બાદ આઠ પ્રશ્ન નાણાં માટે હતા.
કુલ 62 પ્રશ્નમાંથી 9 અદાણી ગ્રુપ સાથે સંબંધિત હતા. એમાંથી છ પ્રશ્નો પેટ્રોલિયમ મંત્રાલય માટે અને એક-એક પ્રશ્ન નાણાં, નાગરિક ઉડ્ડયન અને કોલસા મંત્રાલય માટે હતા.