11 કલાક પેહલા
- કૉપી લિંક
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતાઓને પુરસ્કારો અને સન્માન આપ્યાં હતાં. મિથુન ચક્રવર્તીને આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાથમાં પ્લાસ્ટર સાથે તેઓ એવોર્ડ લેવા પહોંચ્યા હતા. ફિલ્મોની યાદગાર ઝલક બતાવવામાં આવ્યા બાદ તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને પછી તેમને પ્રશંસાથી સન્માનિત કર્યા. મિથુન ચક્રવર્તીને તેમના યોગદાન બદલ વિજ્ઞાન ભવન ખાતે સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.
70મા નેશનલ એવોર્ડ સમારોહની ખાસ ઝલક જુઓ-
માનસી પારેખને ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ એક્ટ્રેસ ઇન લીડિંગ રોલ અને રાષ્ટ્રીય, સામાજિક, પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી બેસ્ટ ફીચર ફિલ્મ માટે એવોર્ડ મળ્યો.
મિથુન ચક્રવર્તીને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ.
નીના ગુપ્તાને ઉત્ચા ફિલ્મ માટે બેસ્ટ કો-એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
વિક્રમ દુગ્ગલ ગુલમહોર ફિલ્મ માટે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર લેવા પહોંચ્યા.
સ્ક્રીન પ્લે લેખક રાહુલ વી. ચિત્તેલાને ગુલમોહર માટે બેસ્ટ સ્ક્રીન પ્લેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
ફિલ્મ ગુલમહોરને રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં સ્પેશિયલ મેન્શન મળ્યો, મનોજ બાજપેયી આ એવોર્ડ લેવા આવ્યા હતા.
એવોર્ડ જીતવા પર મિથુન દાએ કહ્યું – ભગવાને વ્યાજ સાથે સહન કરેલી તમામ મુશ્કેલીઓનું ફળ પરત આપ્યું.
ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારાને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
નેશનલ એવોર્ડ સાથે જોડાયેલી આ વાતો પણ વાંચો-
જાની માસ્ટર પાસેથી બેસ્ટ કોરિયોગ્રાફરનો નેશનલ એવોર્ડ છીનવી લેવાયો તાજેતરમાં સગીર સહાયક પર બળાત્કારના આરોપોથી ઘેરાયેલા કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી શ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય પુરસ્કાર છીનવી લેવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે રવિવારે (6 ઓક્ટોબર) આ માહિતી આપી હતી. યુવતી, જે તેની સહાયક હતી, તેણે 15 સપ્ટેમ્બરે તેલંગાણાના સાયબરાબાદ રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં જાની વિરુદ્ધ FIR નોંધાવી હતી.
જાની માસ્ટરને વર્ષ 2022માં રિલીઝ થયેલી ધનુષની ફિલ્મના ગીત ‘મેઘમ કારુકથા’ના નૃત્યની કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે સતીશ કૃષ્ણન સાથે આ ગીતની કોરિયોગ્રાફી કરી હતી.
જાનીએ ફિલ્મ ‘સ્ત્રી-2’નું ગીત ‘આઇ નહીં’ અને ‘પુષ્પા’નું ગીત ‘શ્રીવલ્લી’ પણ કોરિયોગ્રાફ કર્યું છે.
રાજ કપૂર ઓક્સિજન માસ્કમાં એવોર્ડ લેવા પહોંચ્યા, રાષ્ટ્રપતિની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા વર્ષ 1987માં પૃથ્વીરાજ કપૂરને મરણોત્તર દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 2 મે 1988ના રોજ આયોજિત એવોર્ડ સમારોહમાં તેમના સ્થાને તેમના પુત્ર રાજ કપૂર એવોર્ડ લેવા આવ્યા હતા. એ સમયે રાજ કપૂર એટલા બીમાર હતા કે તેઓ ઓક્સિજન માસ્ક પહેરીને સમારોહમાં બેઠા હતા, તેમની સાથે ઓક્સિજન-સિલિન્ડર લઈને ગયા હતા. જ્યારે પૃથ્વીરાજ કપૂરના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે રાજ કપૂરની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ ખુરસી પરથી ઊભા થઈ શક્યા નહોતા. આવી સ્થિતિમાં પ્રમુખ આર. વેંકટરામને સમારોહનો પ્રોટોકોલ તોડીને અંગત રીતે તેમની ખુરસી પર જઈને એવોર્ડ આપ્યો હતો.
રાજ કપૂરને તેમના પિતાનો મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપતી વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન.
રાજ કપૂરની હાલત એટલી નાજુક હતી કે તેઓ પુરસ્કાર યોગ્ય રીતે પકડી પણ શક્યા નહોતા. તેના થોડા સમય પછી સેરેમની દરમિયાન જ રાજ કપૂરને અસ્થમાનો હુમલો આવ્યો. તેમની હાલત જોઈને પ્રમુખ આર. વેંકટરામને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચન કર્યું અને આ માટે પોતાની એમ્બ્યુલન્સ પણ આપી.
રાજ કપૂરને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2 મહિના સુધી ચાલેલી સારવાર બાદ 2 જૂન 1988ના રોજ તેમનું અવસાન થયું. આ વાત રાજ કપૂરની પુત્રી રીમાએ ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહી હતી.
આમિરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ન જીતવાનો અફસોસ છે આમિર ખાનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ ન મળવાનો અફસોસ છે. ખરેખર વર્ષો પહેલાં તેને રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’માં ભગત સિંહની ભૂમિકા ભજવવાની ઓફર મળી હતી. જોકે તેણે આ ઓફરને ફગાવી દીધી હતી. ત્યાર બાદ રોલ અજય દેવગનને આપવામાં આવ્યો હતો. જ્યારે અજયને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ત્યારે આમિરે આ ફિલ્મને નકારી કાઢવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. આ વાત આમિરે પોતે ‘કપિલ શર્મા શો’માં કહી હતી.
આમિર ખાનને 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માટે નેશનલ ફિલ્મ એવોર્ડમાં ખાસ ઓળખ મળી હતી. આ ઉપરાંત તેની ફિલ્મ ‘લગાન’ને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ અને ‘તારેં જમીન પર’ને કુટુંબ કલ્યાણમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
અજય દેવગને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પાસેથી એવોર્ડ મેળવ્યો.
સૌથી વધુ નેશનલ એવોર્ડ જીતવાનો રેકોર્ડ શબાના આઝમીના નામે છે અભિનેત્રી શબાના આઝમીના નામે અત્યારસુધીમાં સૌથી વધુ નેશનલ એવોર્ડ મેળવવાનો રેકોર્ડ છે. ‘અંકુર’, ‘અર્થ’, ‘કંદહાર’, ‘પાર’, ‘ગોડમધર’ ફિલ્મો માટે તેમને 5 વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
સ્મિતા પાટીલે સૌથી નાની ઉંમરે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો હતો સ્મિતા પાટીલને 1977માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એ સમયે તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. આવી સ્થિતિમાં હજી પણ સૌથી નાની ઉંમરે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ ધરાવે છે.
ફિલ્મ ‘બ્લેક’ નેશનલ એવોર્ડ જીતવાને લઈને વિવાદ થયો હતો સંજય લીલા ભણશાળીની ફિલ્મ બ્લેકને 53મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (હિન્દી) માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કારના નિયમો અનુસાર, આ એવોર્ડ એવી કોઈપણ ફિલ્મને આપી શકાય નહીં, જે અન્ય ફિલ્મનું રૂપાંતરણ હોય. આવી સ્થિતિમાં જ્યુરી મેમ્બર રહેલા દેબ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મની તરફેણ કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ ‘બ્લેક’ એ હોલિવૂડ ફિલ્મ ‘ધ મિરેકલ વર્કર’નું રૂપાંતરણ છે, તેથી એ એવોર્ડના માપદંડોમાંથી પસાર થતી નથી.
‘બ્લેક’ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
તેમણે ફિલ્મના એવોર્ડ સામે પણ અરજી કરી હતી. એમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે ફિલ્મ બ્લેકે 3 રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા, જેમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ (હિન્દી), શ્રેષ્ઠ અભિનેતા (અમિતાભ બચ્ચન) અને શ્રેષ્ઠ કોસ્ચ્યૂમ ડિઝાઇન (સબ્યસાચી મુખર્જી)નો સમાવેશ થાય છે.
એ જ વર્ષે ફિલ્મ ‘પરઝાનિયા’ માટે રાહુલ ધોળકિયાને શ્રેષ્ઠ દિગ્દર્શક, સારિકાને શ્રેષ્ઠ અભિનેત્રી અને ‘પરિણીતા’ ફિલ્મ માટે પ્રદીપ સરકારને સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક ડેબ્યુનો એવોર્ડ આપવા અંગે વિવાદ થયો હતો. કોલકાતા સ્થિત વિવેચક અને જ્યુરી સભ્ય દેબ બેનર્જીએ દિલ્હી હાઈકોર્ટમાં તેમના વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેમનો આરોપ હતો કે પક્ષપાત દ્વારા આ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
કિરણ ખેરનો નેશનલ એવોર્ડ વિવાદોમાં રહ્યો હતો કિરણ ખેરને બંગાળી ફિલ્મ ‘બારીવાલી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ફિલ્મના નોમિનેશન વખતે ભરાયેલા ફોર્મમાં એવું કહેવામાં આવ્યું હતું કે કિરણ ખેરે પોતાનો અવાજ ડબ કર્યો હતો, જોકે ડબિંગ આર્ટિસ્ટ અને અભિનેત્રી રીટા કોઈરાલાએ આરોપ લગાવ્યો હતો કે તેણે ફિલ્મમાં કિરણ ખેર માટે બંગાળી ડબિંગ કર્યું હતું, જેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. નોમિનેશન ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
65મા નેશનલ એવોર્ડ સમારોહમાં 68 વિજેતાએ સમારોહમાં આવવાની ના પાડી દીધી હતી 65મો રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ વિવાદમાં રહ્યો હતો, કારણ કે 68 વિજેતાએ સમારંભમાં હાજરી આપી ન હતી. વિજેતાઓને મળેલા આમંત્રણકાર્ડમાં સ્પષ્ટ રીતે લખેલું હતું કે તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એવોર્ડ આપશે, પરંતુ જ્યારે સમારંભનું રિહર્સલ શરૂ થયું ત્યારે કહેવામાં આવ્યું કે 107 લોકોમાંથી માત્ર 11 લોકોને જ એવોર્ડ મળશે. તત્કાલીન માહિતી અને પ્રસારણમંત્રી સ્મૃતિ ઈરાની અન્ય વિજેતાઓને પુરસ્કારો આપશે. આનાથી નારાજ થઈને 68 વિજેતાએ સમારોહમાં આવવાની ના પાડી દીધી હતી.
રાષ્ટ્રીય પુરસ્કારનો ઇતિહાસ રાષ્ટ્રીય સ્તરે ફિલ્મઉદ્યોગને લગતા સન્માન આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં રાષ્ટ્રીય પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. એનો પાયો ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે નખાયો હતો. રાષ્ટ્રીય પુરસ્કારનો પ્રથમ સમારોહ 10 ઓક્ટોબર 1954ના રોજ યોજાયો હતો, જેમાં મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઇ’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દાદા સાહેબ ફાળકે એવોર્ડ 1969માં શરૂ થયો હતો વર્ષ 1969માં હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેના સન્માનમાં એક નવી શ્રેણી દાદાસાહેબ ફાળકે પુરસ્કારને રાષ્ટ્રીય પુરસ્કારમાં સામેલ કરવામાં આવ્યો હતો. વર્ષ 1969માં દેવિકા રાણી દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીતનારી પ્રથમ ફિલ્મી વ્યક્તિ બની હતી. ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ 54 લોકોને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન કહેવાય છે. મિથુન ચક્રવર્તીને 2024માં આ એવોર્ડ મળશે.