27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે ગુરુવારે લેબનનની રાજધાની બેરૂતમાં એક ઇમારત પર હવાઈ હુમલો કર્યો હતો. લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે હુમલામાં 22 લોકોનાં મોત થયા છે, જ્યારે 177 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલે હજુ સુધી હુમલા અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ સભ્ય અને કોઓર્ડિનેશન યુનિટના વડા વફિક સાફાને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, હુમલાઓ વચ્ચે તે નાસી જવામાં સફળ રહ્યો હતો. મધ્ય બેરૂતમાં ઇઝરાયલની આ અત્યાર સુધીની સૌથી મોટી એર સ્ટ્રાઇક છે.
આ હુમલાના થોડા કલાકો પહેલા ઇઝરાયલની ટેન્કે દક્ષિણ લેબનનમાં યુએનની ઇમારત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુએન પીસકીપિંગ ફોર્સ (UNIFIL)ના બે સભ્યો ઘાયલ થયા હતા. આ બંને ઇન્ડોનેશિયાના નાગરિક છે. UNIFIL સભ્યો 1978થી લેબનનમાં તૈનાત છે, ધમકીઓ પર દેખરેખ રાખવા અને જરૂરિયાતમંદ લોકોને માનવતાવાદી સહાય પહોંચાડવા માટે કામ કરે છે.
ઇઝરાયલે ગુરુવારે યુએન પીસકીપિંગ ટીમના બેઝ પર ટેન્ક વડે હુમલો કર્યો હતો.
UNએ કહ્યું- 24 કલાકમાં અમારા ઘણા અડ્ડાઓ પર હુમલા થયા યુએનએ કહ્યું છે કે ઇઝરાયલે છેલ્લા 24 કલાકમાં સતત તેમની જગ્યાઓને નિશાન બનાવી છે. ઇઝરાયલી સૈનિકોએ 2 વધુ UNIFIL બેઝ પર ઇરાદાપૂર્વક કેમેરા અને લાઇટ પર ગોળી ચલાવી. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે ટેન્કથી હુમલો કરતા પહેલા તેઓએ યુએન પીસકીપીંગના સભ્યોને સલામત સ્થળે જવાની ચેતવણી આપી હતી.
યુએન પીસ મિશન ટીમ પર હુમલા બાદ ઈટાલી, ફ્રાન્સ અને ઈન્ડોનેશિયા જેવા ઘણા દેશોએ ઈઝરાયલ પાસે જવાબ માંગ્યો છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ ઇઝરાયલે યુએન પીસકીપર્સને દક્ષિણ લેબનનમાંથી પાછા હટી જવા કહ્યું હતું. જોકે, તેણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો.
હાલમાં યુએન પીસ મિશનમાં 48 દેશોના લગભગ 10,500 પીસકીપર્સ છે. દક્ષિણ લેબનનમાં ઇઝરાયલ બોર્ડર પાસે ભારતના 900 શાંતિ રક્ષકો પણ તૈનાત છે.
સાઉદી-કતાર ઈરાનના તેલના ભંડાર પર હુમલો રોકવા માટે અમેરિકા પર દબાણ કરી રહ્યા છે ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ જેવા ઘણા ખાડી દેશો ઈરાનના તેલ ભંડાર પર ઈઝરાયેલના હુમલાને રોકવા માટે અમેરિકા પર દબાણ કરી રહ્યા છે. આ દેશોએ કહ્યું છે કે તેઓ ઈઝરાયલને ઈરાન પર હુમલો કરવા માટે તેમના એરસ્પેસનો ઉપયોગ કરવા દેશે નહીં.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી.
વાસ્તવમાં ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ગુરુવારે દેશની સુરક્ષા કેબિનેટ સાથે બેઠક કરી હતી. સીએનએનએ દાવો કર્યો હતો કે નેતન્યાહુએ ઈરાન પર હુમલો કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે આ બેઠક યોજી હતી.
આ પહેલા ઈઝરાયલના પીએમએ 9 ઓક્ટોબરે ઈરાન પર વળતો પ્રહાર કરવા અંગે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બાઇડને પુનરોચ્ચાર કર્યો કે ઈઝરાયલને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે. આના એક દિવસ પહેલા જ બાઇડને કહ્યું હતું કે ઈઝરાયલે ઈરાનના તેલ અને પરમાણુ સ્થળો પર હુમલો કરવાથી બચવું જોઈએ.