બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરુપજી ઠાકોરે 2500થી વધુ મતથી જીત મેળવી છે. જોકે, વાવના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ ઉમેદવારે આટલી ઓછી લીડથી જીત મેળવી છે. બીજી તરફ ગુલાબસિંહની હારે બનાસકા
.
આ બે કારણથી કોંગ્રેસનો ગઢ છીનવાયો વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ભાજપે છેલ્લે છેલ્લે બાજી મારીને કોંગ્રેસનો ગઢ છીનવી લીધો છે. જેના બે કારણ છે, પહેલું કારણ એ છે કે કોંગ્રેસમાં ટિકિટના દાવેદારોને અને ઠાકોર સમાજને ટિકિટ ન મળતાં પક્ષમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ દેખાયો હતો. જ્યારે બીજું કારણ છે કે, વર્ષ 2019, 2014 અને 2009માં યોજાયેલી છેલ્લી ત્રણ પેટાચૂંટણીનાં પરિણામોનો ઇતિહાસ જોઇએ તો જે પક્ષનો સાંસદ બને છે એ વિસ્તારની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનાં પરિણામ વિપરીત આવ્યા હતા. જેમ કે આ વખતે 2024ની લોકસભાની ચૂંટણીમાં વાવના કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન લોકસભા જીત્યા પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી છે. એ જ રીતે 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ભાજપના ધારાસભ્ય પરબત પટેલ લોકસભા જીત્યા હતા, ત્યારે થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી. તો વર્ષ 2014માં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણના સાંસદ બનતા ડીસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી. જ્યારે વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવી લોકસભા જીત્યા હતા, ત્યારે દાંતા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી.
2024ની બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું પરિણામ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના રેખાબેન ચૌધરીની કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હાર થઇ હતી. જેને લઇને વાવ વિધાનસભા ખાલી થઇ હતી. જ્યાં ફરીથી 13 નવેમ્બર 2024ના રોજ પેટાચૂંટણી યોજાઇ હતી.
2024ની વાવ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી પરિણામ વાવ વિધાનસભાની આ વખતની પેટચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા હતા. આ ચૂંટણીમાં ભાજપના સ્વરુપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હારનો સામનો કરવો પડ્યો છે. આમ 2024માં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કબ્જે કરનાર કોંગ્રેસેને વાવ વિધાનસભા બેઠક ગુમાવવી પડી છે.
2019ની બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું પરિણામ આ બાદ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપે થરાદના સિટિંગ ધારાસભ્ય પરબત પટેલને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ભાજપમાંથી પક્ષ પલટો કરીને આવેલા પરથી ભટોળને મેદાને ઉતાર્યા હતા. જોકે, ભાજપના પરબત પટેલ સામે કોંગ્રેસના પરથી ભટોળને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય પરબત પટેલ સાંસદ બનતા થરાદ વિધાનસભા બેઠક ખાલી થઇ હતી. જ્યાં ફરીથી પેટાચૂંટણી યોજાઇ હતી.
2019ની થરાદ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી પરિણામ વર્ષ 2019માં થરાદ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે જીવરાજભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા. જોકે, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના જીવરાજભાઇ ચૌધરીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કબ્જે કરનાર ભાજપને થરાદ વિધાનસભા બેઠક ગુમાવવી પડી હતી.
2014ની પાટણ-બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું પરિણામ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ હરિભાઇ ચૌધરીને રિપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે જોઇતાભાઇ પટેલને ટિકિટ આપી હતી. જેમાં હરિભાઇની જીત થઇ હતી. જોકે, બીજી તરફ 2014ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભાજપે ડીસાના ધારાસભ્ય લીલાધર વાઘેલાને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. જેમાં ડીસાના ભાજપના ધારાસભ્ય લીલાધર વાઘેલાની જીત થતાં ડીસા વિધાનસભા બેઠક પર ફરીથી પેટાચૂંટણી યોજાઇ હતી.
2014ની ડીસા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ વર્ષ 2014માં ડીસા વિધાનસભા પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે લેબજી ઠાકોરને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે ગોવાભાઇ રબારીને મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના ગોવાભાઇ રબારી સામે ભાજપના લેબજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ 2014માં પાટણ લોકસભા બેઠક જીતનાર ભાજપને ડીસા વિધાનસભાની બેઠક ગુમાવવી હતી હતી.
2009ની બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનું પરિણામ પ્રથમ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે હરિભાઇ ચૌધરીને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસે દાંતાના સિટિંગ ધારાસભ્ય સ્વ મુકેશ ગઢવીને ટિકિટ આપી હતી. લોકસભાની આ ચૂંટણીમાં ભાજપના હરિભાઇ ચૌધરીની કોંગ્રેસના મુકેશ ગઢવી સામે 10 હજાર મતોની સરસાઇથી હાર થઇ હતી. આમ સ્વ મુકેશ ગઢવીની લોકસભામાં જીત થતાં દાંતા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી.
2009ની દાંતા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી પરિણામ વર્ષ 2009ની દાંતા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે તે સમયના બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળના પુત્ર વસંત ભટોળને ટિકિટ આપી હતી, તો કોંગ્રેસે નૂરભાઈ ઉમતિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, વસંત ભટોળ સામે નૂરભાઈ ઉમતિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ વર્ષ 2009માં લોકસભા જીતનાર કોંગ્રેસને પેટાચૂંટણીમાં દાંતા બેઠક ગુમાવવી પડી હતી. જોકે, આ બાદ વર્ષ 2012માં સિટિંગ સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થતા ફરીથી વર્ષ 2013માં લોકસભાની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ફરીથી હરિભાઈ ચૌધરીને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે ક્રિષ્નાબેન ગઢવીને ટિકિટ આપી હતી. લોકસભાની આ ચૂંટણીમાં હરિભાઇ ચૌધરીની જીત થઈ હતી.