Vav By Elaction Results: વાવ વિધાનસભાની પેટાચૂંટણીએ ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આ ચૂંટણી માત્ર એક બેઠક માટેની જંગ નહોતી, પરંતુ પ્રતિષ્ઠા અને રાજકીય વર્ચસ્વનો સંગ્રામ હતો. ચૂંટણીના પરિણામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજકીય વિશ્લેષકો માટે વિશ્લેષણનો વિષય બની છે.
વાવ બેઠકની પેટા ચૂંટણી શરૂઆતથી જ રસાકસીભરી રહી હતી. પરિણામના દિવસે એક-એક રાઉન્ડની ગણતરીએ લોકોની ઉત્સુકતા વધારી હતી. પહેલા ઉતાર-ચઢાવ, અને બાદમાં એક તરફી પવન જોવા મળ્યો અને અંતિમ રાઉન્ડની ગણતરીમાં ચોંકાવનારું પરિણામ આવ્યું.
વાવ બેઠકની ચૂંટણી ભાજપ કોંગ્રેસ કે પછી ત્રિપાંખીયો જંગ સમાન તો હતી જ સાથે સાથે ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચેની જંગ સમાન પણ હતી. બન્નેએ જાણે પોતે મેદાનમાં ઉતર્યા હોય તે રીતે ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું. કેમ કે વાવ બેઠક બન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન હતી.
વાવમાં ગેનીબેન કોંગ્રેસનું કમળ ન ખીલવી શક્યા, માવજીભાઈ કોંગ્રેસ કે પ્રજાને રાજી ન કરી શક્યા અને પરિણામ બાદ સ્વરૂપજીનું સ્વરૂપ ભાજપમાં મોટું થઈ ગયું. જીત બાદ તેમણે મતદારોનો આભાર માન્યો. સાથે જ ભાજપના મોટાભાગના નેતાઓ જે રીતે કોઈ સમગ્ર મોવડી મંડળની યાદી બોલી જાય છે તે પ્રથા સ્વરૂપજી પણ શીખી ગયા અને તેમના નિવેદનો પહેલા પીએમ મોદીથી લઈને તમામ મોટા નેતાઓના નામો બોલતા થઈ ગયા. એજ જૂની પૂરાણી વિકાસની ટેપ પણ વગાડી.
લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ : ગુલાબસિંહ
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર અંગે જે કારણ આપ્યું એ પણ ચોંકાવનારું છે. તેમનું કહેવું છે કે, ‘ભાભરમાં અમારી ગણતરી કરતા ભાજપને થોડા વધુ વોટ મળ્યા, નોટામાં વધુ વોટ પડ્યા નહીંતો હું નંબર વન હતો. અમારી તુટીને કારણે આ પરિણામ આવ્યું, જ્યાં અમારી ખામી રહી હશે તેને દૂર કરવાના પગલા ભરીશું, લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ.’
નોટા અને અપક્ષ ઉમેદવારો
આ ચૂંટણીમાં નોટામાં મોટી સંખ્યામાં મત પડ્યા છે. આ ઉપરાંત, માવજીભાઈ પટેલ જેવા અપક્ષ ઉમેદવારોને પણ નોંધપાત્ર મત મળ્યા છે. આ બંને પરિબળોએ ચૂંટણીના પરિણામને પ્રભાવિત કર્યા છે. આપને જણાવી દઈએ કે, બપોરે ચાર વાગ્યા સુધીના આંકડા પ્રમાણે વાવ બેઠક પર 3,360 મત NOTAમાં પડ્યા હતા. તો અન્ય અપક્ષ ઉમેદવારોને મળેલા મતોને કારણે પણ ગુલાબસિંહના મત તૂટ્યા હોવાની ચર્ચા છે. જ્યારે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર માવજીભાઈ પટેલને 27 હજારથી વધુ મત મળ્યા.
પરિણામનું વિશ્લેષણ:
- ભાજપની જીત: ભાજપે વાવ બેઠક પર વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ વધાર્યું છે.
- કોંગ્રેસની હાર: કોંગ્રેસ માટે આ હાર મોટો આંચકો છે.
- ગેનીબેન અને શંકર ચૌધરી: ગેનીબેન પટેલ કોંગ્રેસને જીતાડી શક્યા નહીં, જ્યારે ભાજપ અને શંકર ચૌધરીની લાજ રહી ગઈ.
- સ્વરૂપજીનું ઉત્તરદાયિત્વ: સ્વરૂપજી ઠાકોરે જીત બાદ પોતાની જવાબદારી વધી હોવાનું સ્વીકાર્યું છે અને મતદારોનો આભાર માન્યો છે.