દુકાનોનું સુપર સ્ટ્રક્ચર નબળું જણાઈ આવ્યાનો નોટિસમાં ઉલ્લેખ કાંસ પરની દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ
નડિયાદ : નડિયાદ શહેરમાં કાંસ પર આવેલી સરદાર ભુવન કોમ્પ્લેક્સની છ દાયકા જૂની ૪૬ દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી પાલિકાએ તમામ દુકાનોના ભાડૂઆતોને ૧૫ દિવસમાં દુકાનો ખાલી કરી પાલિકાને કબજો સોંપી દેવા નોટિસ ફટકારી છે. દુકાનોનું સુપર સ્ટ્રક્ચર નબળું જણાઈ આવતા દુકાનો ખાલી કરવા જણાવાયું છે. તેમજ પાલિકાને કબ્જો નહીં સોંપવામાં આવે તો પાલિકા કબ્જો મેળવી લેશે તેવી તાકીદ નોટિસમાં કરાઈ છે. જેને લઈ દુકાનદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નડિયાદમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવન કોમ્પ્લેક્સની ૬૩ વર્ષ જૂની ૪૬ દુકાનોનો પાલિકા દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. બિરલા વિશ્વ વિદ્યાલયે સ્ટેબિલિટી અંગે તપાસ કરી પાલિકાને રિપોર્ટ આપ્યો હતો. જેમાં દુકાનોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
જેથી પાલિકા દ્વારા ૪૬ દુકાનોના ભાડૂઆતોને રજિસ્ટર એડીથી ૧૫ દિવસમાં દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ કરી છે. પાલિકાએ નોટિસમાં ઉલ્લેખ્યું છે કે, દુકાનોના સ્લેબની સ્ટેબિલિટી ન હોવાથી દુકાનોની સ્ટેબિલિટી ચેક કરવાનું મહત્વ રહેતું નથી. તેમ છતાં દુકાનોની સ્ટેબિલિટી ચકાસતા સુપર સ્ટ્રક્ચર પણ નબળું જણાઈ આવ્યું છે. આ વિગતો ધ્યાને લઈ પાલિકા દ્વારા અગાઉની નોટિસો ટાંકી, પાલિકાની સામાન્ય સભાનો ઠરાવ પણ નોટિસ સાથે જોડયો છે. વધુમાં પાલિકાએ નોટિસમાં જણાવ્યું હતું કે, જો દુકાનદારો પાલિકાને કબ્જો નહીં સોંપે તો પાલિકા આ દુકાનનો કબ્જો મેળવી લેશે અને કોઈપણ જાનહાનિ થાય તો તેની જવાબદારી દુકાનના ભાડૂઆતોની રહેશે. પાલિકાની નોટિસના પગલે ૪૬ દુકાનદારો પર તવાઈ આવી ગઈ છે.