– 14 બેઠકોની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરાઈ
– કોંગ્રેસ અને ભાજપની મતદારોને રિઝવવા અને ઉમેદવારોની શોધખોળ કરવા કવાયત તેજ: અત્યારસુધી ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા નથી
આણંદ : બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ મળી કુલ ૧૪ બેઠકો માટે આગામી માસમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ૩૭ સહકારી મંડળીઓના મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. મતદાર યાદી જાહેર થતાં જ કોંગ્રેસ અને ભાજપે મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
બોરસદ માર્કેટ યાર્ડમાં જુલાઈ-૨૦૨૪થી વહીવટદારનું શાસન છે. જેથી એપીએમસીમાં તા.૧૧ ફેબુ્રઆરીના રોજ ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ મળી કુલ ૧૪ બેઠકોની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ૩૭ સહકારી મંડળીઓના મતદારો અને એપીએમસીમાં અનાજ ખરીદવાનું લાયસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા મતદાન કરવામાં આવશે. તાજેતરમાં એપીએમસી ચૂંટણી માટેની મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.
જેમાં ગાજણા, દાદપુરા, દહેવાણ, કંકાપુરા, જૂના બદલપુર, દિવેલ, કઠાણા, દેદરડા, વાછીએલ, રામપુર, બદલપુર, ભાદરણિયા, વડેલી બો, ઉનેલી, નિસરાયા, મોટી શેરડી, વાલવોડ, વહેરા, કાવીઠા, અમીયાદ, સંતોકપુરા, વાસણા બો, વાસણા (રાસ), જંત્રાલ, અલારસા, કાંધરોટી, બોરસદ, ઝારોલા, ભાદરણ, બનેજડા, કિંખલોડ, દાવોલ, ઉમલાવ, રાસ, નાપા તળપદ, સિસ્વા, કણભા મળી કુલ ૩૭ સહકારી મંડળીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ ૧૯૫૮માં બોરસદ એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધી એકપણ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા નથી. અત્યારસુધી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો જ ચેરમેન બન્યા છે. જેથી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ હોવાથી ઉમેદવારોની પસંદગી અને મતદારોને રીઝવવાનું આયોજન શરૂ કર્યું છે. જ્યારે સામાપત્રે ભાજપે પણ ૩૭ ગામડાઓમાં જીતી શકે તેવા ઉમેદવારોની શોધખોળ માટેની કવાયત હાથ ધરી છે.
એપીએમસીની ચૂંટણીમાં 6 ગામમાં 21થી ઓછા મતદારો
બોરસદ એપીએમસીની ચૂંટણીમાં ઉનેલીમાં ૧૧, સિસ્વામાં ૨૦, નાપા તળપદમાં ૧૩, નિસરાયામાં ૮, વાલવોડમાં ૧૧ અને ભાદરણમાં ૧૪ મતદારો નોંધાયા છે. જ્યારે બાકીના ૩૧ ગામોમાં ૨૧ મતદારોની નોંધણી કરવામાં આવતા કુલ ૭૨૮ મતદારો ચૂંટણી માટે માન્ય ગણવામાં આવ્યા છે.
ચૂંટણીમાં 728માંથી પટેલ જ્ઞાતિના 201 મતદારો નોંધાયા
એપીએમસીની ચૂંટણીમાં ૭૨૮ મતદારો પૈકી પટેલ જ્ઞાતિના ૨૦૧ મતદારો નોંધાયા છે. જેમાં વાસણા બો.માં ૨૦, કાવીઠામાં ૨૧, વહેરામાં ૧૬, રાસમાં ૧૪, ઉમલાવમાં ૧૩, સિસ્વામાં ૨૦, ભાદરણમાં ૧૪, બોરસદમાં ૧૪, ઝારોલામાં ૨૧, સંતોકપુરામાં ૨૦, ભાદરણિયામાં ૧, વાલવોડમાં ૩, નિસરાયામાં ૪, કિંખલોડમાં ૧, રાસમાં ૧૯, નાપા તળપદમાં ૧, જંત્રાલમાં ૧, વાસણા રાસમાં ૨ મતદારો નોંધાયા છે.