અમદાવાદ,શુક્રવાર,13
ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિ.ની મુખ્ય કચેરીની સામેના ભાગમાં એ.એસ.આઈ.ની
બોગસ એન.ઓ.સી.થી બનેલા સલમાન એવન્યુના પાંચમા અને છઠ્ઠા માળને મ્યુનિસિપલ તંત્ર
દ્વારા સીલ કરાશે.ગુજરાત હાઈકોર્ટ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામા આવેલા
ઓર્ડર મુજબ બીજો ઓર્ડર ના થાય ત્યાં સુધી મ્યુનિ.તંત્ર બાંધકામમાં તોડફોડ કરી શકશે
નહીં. આ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળનુ પઝેશન લઈ સીલ કરી શકશે.આ અગાઉ
શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિ.તંત્રે આ બિલ્ડિંગમાં ટેરેસના ભાગથી તોડફોડ
શરુ કરતા જમાલપુરના ધારાસભ્ય તથા કોર્પોરેટરો રોડ ઉપર કાર્યવાહી થતી અટકાવવા રોડ
ઉપર બેસી ગયા હતા.ધારાસભ્યે તો થોડા સમય પછી સ્થળ છોડી દીધુ હતુ.
દાણાપીઠ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
મુખ્ય કચેરી પાસે આવેલા છીપા કોમ્યુનિટી હોલની બાજુમાં આસ્ટોડીયા વિસ્તારમાં માલિક
કબજેદાર યાસીનભાઈ તથા ફીરોઝખાન દેવડીવાલા દ્વારા આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની
બોગસ એન.ઓ.સી. મેળવી ગ્રાઉન્ડ ફલોરથી છ માળ સુધીનું બિલ્ડિંગ બાંધી દેતા
વર્ષ-૨૦૧૮માં બિલ્ડિંગના પ્લાન અને રજા ચિઠ્ઠી રદ કર્યા હતા.અગાઉ આ બિલ્ડિંગને
વર્ષ-૨૦૧૮ના ઓકટોબર મહિનામાં,
ઓકટોબર-૨૦૨૩માં, પહેલી
મે-૨૦૨૪ તથા ૧૫ જુન-૨૦૨૪ના રોજ તંત્રે સીલ કર્યુ હતુ.ઓકટોબર-૨૪માં મ્યુનિ.ના
મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ બિલ્ડિંગને પાંચમી વખત સીલ કરવામાં આવ્યુ
હતુ.મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા છીપા કોમ્યુનીટી હોલની બાજુમાં આવેલા
સલમાન એવન્યુના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા ૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ પોલીસ
મદદ માંગવામા આવી હતી.દરમિયાન શુક્રવારે સવારથી પોલીસ અધિકારી અને અન્ય સ્ટાફ સાથે
૧૦૦ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે મધ્યઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા
ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરુઆત કરવામા આવતા આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે
દોડી ગયા હતા. દરમિયાન જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઉપરાંત એમ.આઈ.એમ.ના જમાલપુરના
કોર્પોરેટરો રફીક શેખ તથા મુસ્તાક ખાદીવાલા મ્યુનિ.દ્વારા કરવામા આવતી કાર્યવાહીના
સ્થળે દોડી ગયા હતા.જયાં જમાલપુરના કોર્પોરેટરોએ મ્યુનિ.ના અધિકારી મિલન શાહને
ઘેરવા પ્રયાસ કર્યો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.લીગલ કમિટીના ચેરમેન
પ્રકાશ ગુર્જરે કહયુ, ૧૫ મીટર
સુધીની હાઈટમાં બાંધવામાં આવેલા ચાર માળ ટેકનીકલી યોગ્ય છે.માત્ર પાંચ અને છઠ્ઠા
માળ તોડવાના થતા હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગે કાર્યવાહી શરુ કરી હતી.
સલમાન એવન્યુમાં જમાલપુરના કોર્પોરેટરના સંબંધીનો ફલેટ
છીપા કોમ્યુનિટી હોલની બાજુમાં એ.એસ.આઈ.ની બોગસ એન.ઓ.સી.થી
બનાવવામા આવેલા છ માળના બિલ્ડિંગના છઠ્ઠા માળ ઉપર જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના
કોર્પોરેટરના સંબંધીનો ફલેટ હોવાથી આ ફલેટને તુટતો અટકાવવા વોર્ડના અન્ય
કોર્પોરેટરને સાથે લઈ મ્યુનિ.તંત્રની કાર્યવાહી અટકાવવા શુક્રવાર સવારથી જ ભારે
પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.