બેંગલુરુ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
2024 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)ની ફાઈનલ મધ્યપ્રદેશ અને મુંબઈ વચ્ચે રમાશે. રજત પાટીદારની વિસ્ફોટક ફિફ્ટીના આધારે MPએ બીજી સેમિફાઈનલમાં દિલ્હીને 7 વિકેટે હરાવ્યું હતું. પાટીદારે 29 બોલમાં 66 રન બનાવ્યા હતા. મુંબઈએ પ્રથમ સેમિફાઈનલમાં બરોડાને 6 વિકેટે હરાવ્યું હતું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે બંને મેચ રમાઈ હતી.
મધ્યપ્રદેશે 13 વર્ષ બાદ SMATની ફાઈનલમાં જગ્યા બનાવી છે. 2011માં ટીમને બંગાળ સામે ફાઈનલમાં 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2021-22 રણજી ટ્રોફીની ફાઈનલ પણ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે યોજાઈ હતી, ત્યારે MPએ ટાઇટલ મેચ જીતી હતી.
મુંબઈએ 2022માં ટાઇટલ જીત્યું, MP પ્રથમ ટાઇટલની રાહમાં મધ્યપ્રદેશે ગ્રૂપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પંજાબને હરાવીને નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. ટીમ 2011માં માત્ર એક જ વાર ફાઈનલ રમી શકી હતી, પરંતુ બંગાળ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ મુંબઈએ ફાઈનલમાં હિમાચલ પ્રદેશને હરાવીને 2022માં ટાઈટલ જીત્યું હતું. ટીમ બીજી વખત ફાઈનલમાં પણ પહોંચી છે.
MPએ દિલ્હીને 146 રનના સ્કોર પર રોકી દીધું MPએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. દિલ્હી તરફથી અનુજ રાવતે 33, પ્રિયાંશ આર્યએ 29 અને મયંક રાવતે 24 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને ટીમ 5 વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શકી હતી. મધ્યપ્રદેશ તરફથી વેંકટેશ અય્યરે 12 રનમાં 2 વિકેટ લીધી હતી. ત્રિપુરેશ સિંહ, આવેશ ખાન અને કુમાર કાર્તિકેયને 1-1 વિકેટ મળી હતી.
ઈશાંતે MPને શરૂઆતી ઝટકો આપ્યો 147 રનના ટાર્ગેટ સામે દિલ્હીને ઈશાંત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. તેણે પ્રથમ 3 ઓવરમાં અર્પિત ગૌર અને સુભ્રાંશુ સેનાપતિને પેવેલિયન મોકલી દીધા હતા. સેનાપતિએ 7 રન બનાવ્યા, અર્પિત ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્યારબાદ હર્ષ ગવલીએ 18 બોલમાં ઝડપથી 30 રન બનાવ્યા હતા, પરંતુ તે સાતમી ઓવરમાં કેચ આઉટ થયો હતો.
સદીની ભાગીદારી કરીને પાટીદારે મેચ જિતાડી 46 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ રજત પાટીદાર અને હરપ્રીત સિંહ ભાટિયાએ દાવ સંભાળ્યો હતો. ભાટિયાએ સ્ટ્રાઈક ફેરવી, જ્યારે બીજા છેડે પાટીદારે મોટા શોટ રમવાનું શરૂ કર્યું. પાટીદારે 66 રનની ઈનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે ભાટિયા સાથે 106 રનની ભાગીદારી કરી અને માત્ર 15.4 ઓવરમાં ટીમને જીત અપાવી. ભાટિયા 46 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે સુયશ શર્મા સામે વિનિંગ સિક્સર ફટકારી હતી.
રહાણેએ સદી ફટકારી, મુંબઈ 6 વિકેટે જીત્યું
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બરોડાએ 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. મુંબઈએ 159 રનનો ટાર્ગેટ 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. અજિંક્ય રહાણેએ 56 બોલમાં 98 રનની ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર થયો હતો.
- રહાણેએ T-20 ક્રિકેટમાં મુંબઈ માટે 12મી વખત 50+ રન બનાવ્યા છે. તેણે શ્રેયસ અય્યરના 11 વખતના રેકોર્ડને પાછળ છોડી દીધો.
મુંબઈ-બરોડા મેચનો રિપોર્ટ અહીંથી…
મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી, કેપ્ટને કહ્યું- બોલિંગ અમારી તાકાત છે મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આના પર કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું- ‘છેલ્લી કેટલીક મેચમાં અમે પહેલા બોલિંગ કરીને સારું પ્રદર્શન કર્યું છે અને તે જ આગળ પણ ચાલુ રાખીશું.’
સિક્કો ફેંકતા બરોડાનો કેપ્ટન કૃણાલ પંડ્યા.
વરસાદના કારણે રમત બંધ થઈ હતી બરોડાની ઇનિંગ દરમિયાન વરસાદના કારણે રમત રોકવી પડી હતી. જો કે થોડા સમય બાદ વરસાદ બંધ થઈ ગયો અને મેચ ફરી શરૂ થઈ.
વરસાદને કારણે થોડીવાર માટે રમત રોકવી પડી હતી.
બરોડા તરફથી રાવત-પંડ્યાની 50+ રનની ભાગીદારી ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી બરોડાએ મિશ્ર શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 49 રન બનાવ્યા હતા. 23 રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર શાશ્વત રાવતે કેપ્ટન કૃણાલ પંડ્યા સાથે ફિફ્ટી પાર્ટનરશિપ કરી હતી. બંનેએ 38 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી.
કૃણાલ પંડ્યા 30 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં ટીમનો મિડલ ઓર્ડર વિખેરાઈ ગયો હતો. સિક્કિમ સામે 134 રનની અણનમ ઇનિંગ રમનાર ભાનુ પાનિયા માત્ર 2 રન બનાવી શક્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ 5 રન ઉમેર્યા હતા.
મુંબઈ તરફથી સૂર્યાંશ શેડગેએ 2 વિકેટ લીધી હતી.
બરોડાએ આપ્યો 159 રનનો ટાર્ગેટ, શિવાલિક ટોપ સ્કોરર શિવાલિક શર્માએ 24 બોલમાં 36 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓપનર શાશ્વત રાવતે 33 રન, કેપ્ટન કૃણાલ પંડ્યાએ 30 રન અને અતિત શેઠે 22 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યાંશ શેજે 2 વિકેટ લીધી હતી. મોહિત અવસ્થી, શાર્દૂલ ઠાકુર, શિવમ દુબે, તનુષ કોટિયન અને અથર્વ અંકોલેકરે એક-એક વિકેટ લીધી હતી.
બરોડાના 3 બેટર્સે 30 કે તેથી વધુ રન બનાવ્યા. જેમાં શાશ્વત રાવત, કૃણાલ પંડ્યા અને શિવાલિક શર્માનો સમાવેશ થાય છે.
મુંબઈ માટે મિશ્ર શરૂઆત, પાવરપ્લેમાં સ્કોર 50ને પાર 159 રનને ચેઝ કરતા મુંબઈની શરૂઆત મિશ્ર રહી હતી. ટીમે 30 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં પૃથ્વી શો 8 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયન મોકલ્યો હતો.
મુંબઈનો ઓપનર પૃથ્વી શો 8 રન બનાવીને આઉટ થયો હતો. તેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો.
રહાણેની ફિફ્ટી, અય્યર સાથે મળીને સ્કોર 100ને પાર 30 રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર અજિંક્ય રહાણેએ કેપ્ટન શ્રેયસ અય્યર સાથે મળીને ટીમના સ્કોરને 100ની પાર પહોંચાડી દીધી હતી. બંનેએ બીજી વિકેટ માટે 56 બોલમાં 88 રનની ભાગીદારી કરી હતી. 118ના સ્કોર પર અય્યર આઉટ થયા બાદ રહાણેએ સૂર્યકુમાર યાદવ સાથે 40 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.