આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
.
કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા રજૂ કરાયેલા ૧૧ પ્રશ્નોની સુનાવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન ૧૧માંથી ૧૦ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બાકી રહેલા એક પ્રશ્ન અંગે વધુ માહિતી એકત્રિત કરી આગામી માસના સ્વાગત કાર્યક્રમમાં તેનો ઉકેલ લાવવામાં આવશે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી અને નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા અને તાલુકા-ગ્રામ્ય કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમથી સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.