57 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બહેન અર્પિતાએ તાજેતરમાં જ દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં માથું ટેકવી અને પરિવારની સુખાકારી માટે દુઆ કરી હતી. અર્પિતાનો દરગાહ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં અર્પિતા લીલા રંગના અનારકલી સૂટમાં જોવા મળી રહી છે. અર્પિતા સાથે તેનો પુત્ર આહિલ પણ જોવા મળી રહ્યો છે.
પહેલા ફોટોમાં સલમાન સાથે અર્પિતા, બીજા ફોટોમાં અર્પિતા પુત્ર આહિલ સાથે દરગાહમાં.
આયુષ શર્માએ કહ્યું- અમારા માટે આ કપરો સમય છે
અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ હાલમાં જ ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગની વાત કરી છે. તેણે કહ્યું, આ અમારા માટે કપરો સમય છે. અમારો આખો પરિવાર આ સમયે સાથે છે. આયુષે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે તેથી અત્યારે કંઈપણ કહેવું યોગ્ય નથી. મુંબઈ પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. આ સમયે હું ફક્ત તે દરેકનો આભાર માનું છું જેણે અમારા માટે પ્રાર્થના કરી છે. હવે સલમાન ખાન પણ કામ પર પાછો ફર્યો છે.
14 એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું.
14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે બાઇક પર આવેલા હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેના ઘરે હતો. 16 એપ્રિલે આ કેસના બે મુખ્ય આરોપી સાગર પાલ અને વિકાસ ઉર્ફે વિકી ગુપ્તાની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંને બિહારના રહેવાસી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે બંને આરોપીઓ સલમાનને મારવા માંગતા ન હતા પરંતુ તેને ડરાવવા માંગતા હતા. આ કારણોસર તેમના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પુત્રી આયત અને પુત્ર આહિલ સાથે આયુષ શર્મા અને અર્પિતા.
અર્પિતા સલમાનની ખૂબ જ નજીક છે
અર્પિતાની વાત કરીએ તો તે સલીમ ખાનની દત્તક પુત્રી છે પરંતુ આખો પરિવાર તેને જીવથી પણ વધારે પ્રેમ કરે છે. ખાસ કરીને અર્પિતા સલમાનની ખૂબ નજીક છે. 8 નવેમ્બર 2014ના રોજ અર્પિતાએ હૈદરાબાદની હોટેલ ફલકનુમા પેલેસમાં આયુષ સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર આહિલનો જન્મ માર્ચ 2016માં થયો હતો. સલમાનના જન્મદિવસના અવસર પર, અર્પિતાએ 27 ડિસેમ્બર, 2019 ના રોજ પુત્રી આયતને જન્મ આપ્યો.