4 કલાક પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં, બિશ્નોઈ સમુદાય દ્વારા વિરોધમાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનનાં પૂતળાં બાળવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં, થોડા સમય પહેલાં સલીમ ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે કાળિયાર શિકાર કેસમાં સલમાન નિર્દોષ છે. જો કે તેમના નિવેદન બાદ વિવાદ વધુ ગરમાયો છે.
IANSના અહેવાલ મુજબ, તાજેતરમાં બિશ્નોઈ ધર્મ સ્થાપના દિવસના અવસર પર કેટલાક પ્રદર્શનકારીઓએ સલમાન ખાન અને સલીમ ખાનનાં પૂતળાં બાળ્યાં હતાં. જોધપુરના જુદા જુદા વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ દરમિયાન સમુદાયના લોકોએ સલીમ ખાનના તે નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે જેમાં તેણે કહ્યું હતું કે સલમાન કાળિયાર કેસમાં નિર્દોષ છે. સમુદાયના લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે જો સલમાન નિર્દોષ છે તો તેને મુંબઈ, દિલ્હી અને જોધપુરમાં કેસ માટે વકીલોની જરૂર કેમ પડી?
સલમાન માફી નહીં માંગે તો સનાતન હિન્દુ સમાજ તેની સામે આંદોલન શરૂ કરશે
જો માફી નહીં માગો તો સલમાન વિરુદ્ધ આંદોલન થશે સલમાન ખાન અને સલીમ ખાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા સમુદાયના લોકોએ ફરી માફી માંગવાની માંગ કરી છે. જો સલમાન માફી નહીં માંગે તો સનાતન હિન્દુ સમાજ તેની સામે આંદોલન શરૂ કરશે તેવી ચેતવણી પણ આપી હતી. સમુદાય સાથે જોડાયેલા લોકોએ કહ્યું છે કે, અમે બિશ્નોઈ છીએ, અમે બિનજરૂરી રીતે કોઈને બદનામ કરતા નથી. 26 વર્ષ પહેલાં જ્યારે કેસ નોંધાયો હતો ત્યારે બિશ્નોઈ સમાજના તત્કાલીન ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો હાજર હતા. હવે સલીમ ખાન ખોટાં નિવેદનો આપીને લોકોને ગુમરાહ નહીં કરી શકે. સલીમ ખાનના નિવેદનથી સમગ્ર સમાજને દુઃખ થયું છે. અમે કાળિયાર કેસમાં ન્યાય મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. અમે રસ્તા પર ઊતરીને વિરોધ પણ કરીશું.
દેખાવકારોએ લોરેન્સ બિશ્નોઈનું સમર્થન કર્યું હતું સલમાન-સલીમ ખાનનો વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ તેમના સમુદાયના છે અને તે તેનાથી સંબંધિત 29 નિયમોનું પાલન કરે છે.
હવે વાંચો પિતા સલીમ ખાને ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું? સલીમ ખાને પુત્રનો પક્ષ લીધો સલીમ ખાન પુત્રના પક્ષમાં બોલવા આગળ આવ્યા અને કહ્યું હતું કે સલમાને કોઈ ગુનો કર્યો નથી. તેણે કહ્યું- તમે કોઈ ગુનો કર્યો છે? તમે જોયું છે? શું તમે જાણો છો, તમે તપાસ કરી છે? અમે ક્યારેય બંદૂકનો ઉપયોગ પણ કર્યો નથી. સલીમ ખાને કહ્યું, સલમાને કહ્યું હતું કે હું એ સમયે ત્યાં પણ નહોતો, તેને પ્રાણીઓને મારવાનો શોખ નથી, તે પ્રાણીઓને પ્રેમ કરે છે.
સલમાન કોની માફી માગે? સલીમ ખાનને માફી માગવા અંગે સવાલ કરવામાં આવ્યો, જેના લીધે તેઓ ગુસ્સામાં દેખાયા, સલીમે કહ્યું હતું કે માફી માગો, માફી માગો, પરંતુ ચર્ચમાં પણ જ્યારે તમે કબૂલાત કરવા જાઓ ત્યારે તમે જેની સાથે ખોટું કર્યું હોય કે દગો કર્યો હોય તેની માફી માગશો? હવે કોઈ વૃક્ષ કે પ્રતિમાની સામે ઊભા રહીને કહેવા લાગશો કે મને માફ કરજો.
સલમાને આજ સુધી એક વંદો પણ માર્યો નથી એબીપી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સલીમ ખાને કહ્યું હતું કે આજ સુધી સલમાન ખાને એક વંદો પણ માર્યો નથી, તેણે કોઈ હરણને માર્યું નથી અને તેની પાસે બંદૂક પણ નથી. આ અંગે બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુધિયાએ કહ્યું હતું કે “સલમાન ખાનના પિતા સલીમ ખાનનો એ મતલબ છે કે પોલીસ, વન વિભાગ, પ્રત્યક્ષદર્શી અને કોર્ટ બધાં જ જુઠ્ઠાં છે. માત્ર સલમાન ખાન અને તેનો પરિવાર સાચો છે. પોલીસ પાસે હરણના અવશેષો છે. તેની પાસેથી બંદૂક પણ જપ્ત કરવામાં આવી હતી અને તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટમાં સલમાન ખાનને સજા સંભળાવવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો? જોધપુર પોલીસે સલમાન ખાન તથા અન્યની વિરુદ્ધ 2 ઓક્ટોબર, 1998ના રોજ કાળિયાર-હરણ શિકાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. સલમાન વિરુદ્ધ બિશ્નોઈ સમુદાયે કેસ કર્યો હતો. ત્યાર બાદ સલમાનની કાળિયાર શિકાર તથા આર્મ્સ એક્ટમાં 12 ઓક્ટોબર, 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ એક્ટરને જામીન મળ્યા હતા.
ભવાદમાં હરણ શિકારના એક કેસમાં 17 ફેબ્રુઆરી, 2006માં સલમાનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ઘોડા ફાર્મહાઉસ વિસ્તારમાં શિકાર કેસમાં 10 એપ્રિલ, 2006ના રોજ કોર્ટે સલમાનને દોષિત માનીને પાંચ વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને કેસમાં સલમાનને હાઈકોર્ટમાંથી રાહત મળી ગઈ છે.