7 કલાક પેહલા
- કૉપી લિંક
સોમવારે રાત્રે 59 વર્ષીય પ્રખ્યાત ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ સ્વાદુપિંડ સંબંધિત બીમારીથી પીડિત હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર બુધવારે સવારે 10:30 વાગ્યે ઓશિવારા સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતા.
આ પહેલાં ઋતુરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. નકુલ મહેતા, અનૂપ સોની અને હિતેન તેજવાણી સહિત ઘણા ટીવી કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યા હતા.
થિયેટરમાં શાહરુખના સિનિયર હતા
ઋતુરાજે દિલ્હીમાં બેરી જ્હોનના થિયેટર જૂથ સાથે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. ઋતુરાજ થિયેટરમાં શાહરુખના સિનિયર હતા. એક ઇન્ટરવ્યૂમાં પોતાના જૂના દિવસોને યાદ કરતા ઋતુરાજે કહ્યું હતું કે, તેમની અને શાહરુખની મિત્રતા એટલી મજબૂત હતી કે બંને એકબીજાના કપડાં પણ શેર કરતા હતા. ઋતુરાજે એમ પણ કહ્યું હતું કે શાહરુખ ખાને જ તેમને મુંબઈ જઈને અભિનેતા બનવા માટે પ્રેરિત કર્યા હતા.
‘શાહરુખના કહેવાથી જ મુંબઈ આવ્યો હતો’
ઋતુરાજે કહ્યું હતું કે, ‘શાહરુખ સાથે વિતાવેલા દિવસો મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. અમે ગાઢ મિત્રો હતા. તેના આગ્રહથી જ હું મુંબઈ આવ્યો હતો. તે દિલ્હી આવતો હતો અને મને પૂછતો હતો કે તમે અહીં શું કરે છે? ચાલો મુંબઈ આવો. તમે એક મહાન અભિનેતા છો, આપણે સાથે કામ કરીશું.’
ઋતુરાજે વધુમાં કહ્યું, ‘મેં ક્યારેય શાહરુખ ખાન પાસેથી કામ માગ્યું નથી, કારણ કે અન્ય લોકોની જેમ મેં તેમની ખુશામત કરી નથી અને તેમની પાસેથી ફેવર પણ નથી માગ્યું. પરંતુ હું એટલું જાણું છું કે જો ભગવાન ના કરે ને હું ક્યારેય કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈશ તો શાહરુખ મારી હાલત વિશે પૂછનાર પ્રથમ વ્યક્તિ હશે.’
માધવને યાદ કરતા કહ્યું, ‘તેમની સાથેના શોની યાદો તાજી થઈ ગઈ’
બોલિવૂડ એક્ટર આર. માધવને પણ મંગળવારે ઋતુરાજના નિધન પર પ્રતિક્રિયા આપી છે. માધવન અને રૂતુરાજે 1993માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો ‘બનેગી અપની બાત’માં સાથે કામ કર્યું હતું.
એક ઈન્ટરવ્યૂમાં તે દિવસોને યાદ કરતા માધવને કહ્યું, ‘અમે ‘બનેગી અપની બાત’ જેવા શોમાં સાથે કામ કર્યું હતું. એમાં મેં એશ્લેની ભૂમિકા ભજવી હતી. પાછળથી, મેં ‘ગેમ શો ‘તોલ મોલ કે બોલ’માં હોસ્ટ તરીકે તેનું સ્થાન પણ લીધું. બંને શોની યાદો મારા મનમાં તાજી થઈ ગઈ. હું ઋતુરાજના સંપર્કમાં નહોતો પરંતુ તેમના નિધનથી હું આઘાતમાં છું. તેઓ ખૂબ જ ઉદાર વ્યક્તિ હતા.
દિવ્યા ખોસલા કુમારે શેર કરી ‘યારિયાં-2’ના સેટની સ્ટોરી
અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે પણ ઋતુરાજના નિધન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, ‘મારી પાસે શબ્દો નથી. અચાનક કોઈ આવી રીતે કેવી રીતે જઈ શકે? મેં તેમની સાથે ‘યારિયાં-2’માં કામ કર્યું હતું. મારી માતાની તબિયત સારી ન હતી, તેથી હું થોડા દિવસો માટે શૂટ છોડીને ઘરે ગઈ હતી. જ્યારે હું પરત ફરી ત્યારે સૌથી પહેલાં ઋતુરાજજીએ મને પૂછ્યું કે મારી માતાની સ્થિતિ શું છે. તેમણે આટલું પૂછતાં જ હું રડવા લાગી કારણ કે મારી માતાનું અવસાન થયું હતું.’
રૂપાલી, અરશદ વારસી સહિત અનેક સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું હતું
આ પહેલાં અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ઋતુરાજના નિધન પર સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી હતી. તેમણે કહ્યું કે તે આઘાતમાં છે. રૂપાલી ઉપરાંત અભિનેતા અરશદ વારસી, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી અને અભિનેત્રી સ્નેહા વાળા સહિત ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
‘અનુપમા’ છેલ્લો ટીવી શો હતો
ઋતુરાજે તેની અભિનય કારકિર્દીની શરૂઆત 1989માં રિલીઝ થયેલી ટેલી ફિલ્મથી કરી હતી. આ પછી તેમણે પ્રખ્યાત ટીવી શો ‘તોલ મોલ કે બોલ’ હોસ્ટ કર્યો. તેઓ 2004 સુધી ટીવી પર ખૂબ જ એક્ટિવ રહ્યા હતા. તે દરમિયાનઋતુરાજે એકતા કપૂરના પ્રખ્યાત ટીવી શો ‘કુટુમ્બ’, ‘કે સ્ટ્રીટ પાલી હિલ’ અને ‘કહાની ઘર ઘર કી’માં પણ કામ કર્યું હતું.
આ સિવાય ઋતુરાજ ‘જ્યોતિ’, ‘CID’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી હમ’ સહિત ઘણા ટીવી શોમાં જોવા મળ્યા હતા. રૂપાલી ગાંગુલી સ્ટારર ‘અનુપમા’ ઋતુરાજનો છેલ્લો ટીવી શો હતો. જેમાં તેઓ રેસ્ટોરાંના માલિકનો રોલ કરતા હતા. જેમાં લીડ એક્ટ્રેસ અનુપમા કામ કરે છે.
ટીવી સિવાય ઋતુરાજે ‘બદ્રીનાથ કી દુલ્હનિયાં’, ‘સત્યમેવ જયતે 2’ અને ‘યારિયાં’ જેવી ફિલ્મો અને ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘બંદિશ બેન્ડિટ્સ’ અને ‘મેડ ઇન હેવન’ જેવા વેબ શોમાં પણ કામ કર્યું હતું.