એક કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ આજે 51 વર્ષનો થઈ ગયો છે. જ્હોન માટે 2023 ખૂબ સારું રહ્યું છે. ફિલ્મ ‘પઠાન’માં જિમના નેગેટિવ રોલમાં ફેન્સને જ્હોન ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મે અંદાજે 1050 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે જ્હોનને બોલિવૂડનો સૌથી મોટો એક્શન સ્ટાર બનાવી દીધો છે.
જ્હોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો છે. તે બહારનો વ્યક્તિ હતો. તેમણે મોડલિંગથી શરૂઆત કરી અને પછી એક્ટિંગમાં પગપેસારો કર્યો હતો, પરંતુ તેમને લાંબા સમય સુધી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ કહ્યું ‘તમે ક્યારે પણ એક્ટિંગ કરી શકશો નહીં.’ આ પછી પણ જ્હોને હાર ન માની અને એક એક્શન સ્ટાર અને સફળ નિર્માતા તરીકે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
ફિલ્મ ‘પઠાન’માં જ્હોન અને શાહરુખ ખાન
જ્હોને તેમની 20 વર્ષની ફિલ્મી કરિયરમાં ચાર ફિલ્મફેર એવોર્ડ પોતાના નામ પર કર્યા છે. જ્હોનની પ્રોડ્યુસ ફિલ્મ ‘વિકી ડોનર’ને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. આવક અને લોકપ્રિયતાના આધારે જ્હોને 2017માં ફોર્બ્સ ઈન્ડિયાની ટોપ 100 સેલિબ્રિટી લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
આવો જોઈએ જ્હોનના જીવન સાથે જોડાયેલા આવા જ કેટલાક રસપ્રદ તથ્યો…
જ્હોનના પિતા મલયાલી છે અને માતા ઈરાની છે
જ્હોન મિશ્ર પરિવારમાંથી આવે છે. તેમના પિતા અબ્રાહમ જ્હોન કેરળના મલયાલી સીરિયન ખ્રિસ્તી છે અને તેમના માતા ગુજરાતની ઈરાની છે. જ્હોનનું પારસી નામ ફરહાન અબ્રાહમ છે. તેમણે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું હતું જ્યાં હૃતિક રોશન, ઉદય ચોપરા અને અભિષેક બચ્ચન પણ તેમની સાથે ભણ્યા હતા. આજે પણ જ્હોનનું ત્રણેય સાથે શાનદાર બોન્ડિંગ છે. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્હોને મુંબઈની જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએટ કર્યું હતું આ પછી તેમણે MBA કર્યું.
ભાઈ એલન, માતા ફિરોઝા, પિતા અબ્રાહમ જ્હોન સાથે બાળપણમાં જ્હોન (પ્રથમથી જમણે)
બોલિવૂડમાં આવતા પહેલાં જ્હોન તેમના પિતા અને ભાઈની જેમ આર્કિટેક્ટ બનવા માગતો હતો. તેમણે મીડિયા રિલેશન્સમાં કામ કર્યું અને ઘણી કંપનીઓ માટે મીડિયા પ્લાનર અને પ્રમોશન મેનેજર તરીકે કામ કર્યું. આ માટે તેમ ને 6500 રૂપિયાનો પગાર મળ્યો હતો.
આ પછી જ્હોને મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. મોડલ તરીકે તેનો પહેલો મ્યુઝિક વિડિયો સુરમા હતો જેમના ગાયક જેઝી બી હતા. જ્હોન મીડિયા ફર્મ અને ટાઈમ એન્ડ સ્પેસ મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રમોશન્સ લિમિટેડ કંપનીમાં પણ હતા, પરંતુ આર્થિક સ્થિતિ લથડતા આ કંપની બંધ કરવાનો વારો આવ્યો હતો.
1999માં જ્હોને સૌથી મોટી મોડેલિંગ સ્પર્ધા ગ્લેડ્રેગ્સ મેનહન્ટ જીતી અને પછી મેનહન્ટ ઈન્ટરનેશનલમાં ભાગ લેવા ફિલિપાઈન્સ ગયો જ્યાં તેમણે બીજો નંબર મેળવ્યો હતો. ત્યારપછી તેમણે હોંગકોંગ, લંડન અને ન્યૂયોર્કમાં મોડલિંગના અનેક અસાઇનમેન્ટ કર્યા હતા. જ્હોન પંકજ ઉધાસ, હંસ રાજ હંસ અને બાબુલ સુપ્રિયોના મ્યુઝિક આલ્બમ્સમાં પણ જોવા મળ્યો છે.
જ્હોન તેના મોડલિંગ દિવસો દરમિયાન
પોતાની એક્ટિંગ સ્કિલ સુધારવા માટે તેમણે કિશોર નમિત કપૂરની એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. મોડેલિંગ અસાઇનમેન્ટ્સ પૂર્ણ કરતી વખતે જ્હોને એક્ટિંગનો કોર્સ પણ પૂર્ણ કર્યો. આ સમય સુધીમાં જ્હોન મોડેલિંગની દુનિયામાં જાણીતું નામ બની ગયો હતો અને તેને ભારતનો ટોપ મોડલ કહેવામાં આવતો હતો.
સંજય દત્ત જેવા વ્યક્તિત્વને કારણે ‘જિસ્મ’ મળી
મોડલિંગ પછી જ્હોન માટે બોલિવૂડના દરવાજા ખુલ્યા હતા. આ વર્ષ 2002 પછીની વાત છે, જ્યારે મહેશ ભટ્ટ પોતાની ફિલ્મ ‘જિસ્મ’ માટે નવા ચહેરાની શોધમાં હતા. મહેશ ભટ્ટને એક નવો ચહેરો જોઈતો હતો જે વ્યક્તિત્વમાં સંજય દત્ત જેવો હોય.
તેમની શોધ જ્હોન સાથે સમાપ્ત થઈ હતી. તેમણે જ્હોનને કહ્યું કે તે જે ફિલ્મ માટે તેને લેવા માગે છે તે અલગ જ છે. જ્હોને મહેશ ભટ્ટની તમામ શરતો સ્વીકારી અને વર્ષ 2003માં ફિલ્મ ‘જિસ્મ’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મમાં જ્હોને કબીર લાલ નામના છોકરાનું પાત્ર ભજવ્યું હતું. ‘જિસ્મ’ હિટ રહી હતી અને બોક્સ ઓફિસ પર અંદાજે રૂ. 1.32 કરોડની કમાણી કરી હતી. જ્હોનની બીજી ફિલ્મ ‘સાયા’ 2003માં જ રીલિઝ થઈ હતી, પરંતુ તે ફ્લોપ રહી હતી.
આ પછી આવેલી ફિલ્મ ‘પાપ’ અને ‘લકીર’ પણ ફ્લોપ સાબિત થઈ હતી. લોકો તેમની અભિનય કુશળતા પર સવાલ ઉઠાવવા લાગ્યા. એક ઇન્ટરવ્યૂમાં જ્હોને પોતે સ્વીકાર્યું હતું કે જ્યારે તે મોડલિંગમાંથી એક્ટિંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે લોકોએ તેને કહ્યું હતું કે એક્ટિંગ કરી શકશે નહીં અને તે નિષ્ફળ જશે, પરંતુ જ્હોને કોઈની વાત ન સાંભળી.
‘ધૂમ’ ફિલ્મથી ઓળખ મળી
ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે જ્હોન એક હિટ ફિલ્મની શોધમાં હતો. તેમને આ સફળતા 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધૂમ’થી મળી હતી. ફિલ્મમાં નેગેટિવ રોલમાં જ્હોનને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને આ માટે તેને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ‘ધૂમ’ 2004ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.
ફિલ્મ ‘ધૂમ’ના એક સીનમાં જ્હોન
આ પછી જ્હોન ‘એલાન’, ‘કરમ’ જેવી ફ્લોપ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. જોકે, ‘ગરમ મસાલા’ અને ‘કાલ’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. આ પછી જ્હોને ‘ઝિંદા’, ‘ટેક્સી નંબર 9211’, ‘બાબુલ’ અને કાબુલ એક્સપ્રેસ જેવી ફિલ્મો કરી હતી, પરંતુ કરન જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘દોસ્તાના’ તેના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ફિલ્મે અંદાજે 87.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ફિલ્મોમાં ઇચ્છિત સફળતા ન મળ્યા પછી, જ્હોને નિર્માતા તરીકે પોતાનું નસીબ અજમાવ્યું. 2012માં તેમણે JA એન્ટરટેઈનમેન્ટ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને ફિલ્મ ‘વિકી ડોનર’નું નિર્માણ કર્યું જેમાં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને ક્રિટિકલ અને કોમર્શિયલ બંને રીતે સફળતા મળી હતી. આ ફિલ્મને હોલિસ્ટિક એન્ટરટેઈનમેન્ટમાં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી જ્હોને ‘મદ્રાસ કેફે’નું નિર્માણ કર્યું જેને વિવેચકોની પ્રશંસા મળી.
‘પઠાન’ માટે 20 કરોડ રૂપિયાની ફી મળી
2023માં રિલીઝ થયેલી ‘પઠાન’એ જ્હોનને સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંથી એક બનાવ્યો છે. જ્હોન લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવતો જોવા મળ્યો હતો. ફિલ્મમાં શાહરુખ અને તેની વચ્ચે પાવર પેક્ડ એક્શન જોવા મળ્યું હતું. આ માટે તેમને 20 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. જ્હોન યશ રાજની ફિલ્મ ‘ધૂમ’માં પણ વિલન બન્યો હતો. આ સિવાય તેને ‘રેસ 2’માં વિલનની ભૂમિકામાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
એક્સ ગર્લફ્રેન્ડ બિપાશા સાથે જ્હોન
બિપાશા બાસુ સાથે બ્રેકઅપ, પ્રિયા સાથે લગ્ન
ફિલ્મો સિવાય જ્હોનની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. જોકે, હવે તે આ અંગે ખૂબ જ ગુપ્ત છે. જ્હોન એક સમયે બિપાશા બાસુ સાથે રિલેશનશિપમાં હતો. બંનેએ એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યા હતા. તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં પણ હતા, પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. તેઓ ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલ્સમાંના એક ગણાતા હતા.
તેમના અલગ થવાનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી, પરંતુ એવું કહેવાય છે કે બિપાશા આ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માટે દબાણ કરી રહી હતી જ્યારે જ્હોન તે સમયે તે ઈચ્છતો ન હતો.
બિપાશા જ્હોન સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ જ્યારે તે થઈ શક્યું નહીં ત્યારે બંને અલગ થઇ ગયા હતાં. એક ઇન્ટરવ્યૂમાં બિપાશાએ કહ્યું હતું કે, ‘મને આ આઘાતમાંથી બહાર આવતા ઘણા મહિનાઓ લાગ્યા. મારા માટે એ માનવું મુશ્કેલ હતું કે જ્હોન અને મારો સંબંધ તૂટી ગયો છે.
બિપાશાએ કહ્યું- ‘જ્હોનના કારણે મેં લોકોને મળવાનું બંધ કરી દીધું હતું. હું મારો બધો સમય ફક્ત જ્હોનને જ આપતી હતી. ફિલ્મો કરવાનું પણ છોડી દીધું હતું.
પત્ની પ્રિયા સાથે જ્હોન
જોકે, આ બ્રેકઅપ બાદ બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા. આ દરમિયાન જ્હોને 2014માં NRI પ્રિયા રૂંચલ સાથે લગ્ન કર્યા, જે એક બેંકર છે. જ્હોન પ્રિયાને જીમમાં એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યો હતો અને આ જ જીમમાં જ બિપાશા અને જ્હોન સાથે વર્કઆઉટ કરતા હતા. બિપાશાને તેમના અફેરની જાણ નહોતી.
દેશ માટે ફૂટબોલ રમવા માગતો હતો
જ્હોન દેશ માટે ફૂટબોલ રમવા માગતો હતો. ‘ધ ગાર્ડિયન’ને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્હોને કહ્યું હતું કે તે સમયે જ્યારે તે સ્કૂલ અને કોલેજ ફૂટબોલ ટીમની કેપ્ટનશીપ કરતો હતો ત્યારે રમતમાં વધારે પૈસા નહોતા. આ કારણોસર તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એમબીએ કર્યું.
જોકે, જ્હોને આજે પણ સ્પોર્ટ્સ પ્રત્યેનો પોતાનો જુસ્સો છોડ્યો નથી. જ્હોન ઇન્ડિયન સુપર લીગ (ISL) માં નોર્થ ઇસ્ટ યુનાઇટેડ નામની ફૂટબોલ ટીમનો માલિક છે. જ્હોને ફૂટબોલ પર ‘ગોલ’ નામની ફિલ્મ પણ કરી છે.
જ્હોનના ઘરનું નામ ‘વિલા ઇન ધ સ્કાય’ છે
જ્હોનના ઘરને બેસ્ટ હોમનો એવોર્ડ મળ્યો
જ્હોનમુંબઈમાં એક આલીશાન પેન્ટહાઉસમાં રહે છે. તેમના આ ઘરને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન તરફથી બેસ્ટ હોમનો એવોર્ડ પણ મળ્યો છે. જ્હોને દરિયા કિનારે આવેલા પોતાના ઘરનું નામ ‘વિલા ઇન ધ સ્કાય’ રાખ્યું છે. મુંબઈમાં બેન્ડ સ્ટેન્ડ (બાંદ્રા) ખાતેનું જ્હોનનું ઘર જ્હોનના પિતા અબ્રાહમ જ્હોન અને ભાઈ એલનની ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
5000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા જ્હોનના પેન્ટહાઉસમાં બે માળ છે. ઘરના બેડરૂમ, કિચન, ડ્રોઈંગ રૂમ, ડાઈનિંગ રૂમ અને હોલના ફોટા જોઈને જ ઘરની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે. ઘરના દરેક રૂમમાંથી અરબી સમુદ્રનો ઉત્તમ નજારો જોઈ શકાય છે. આ ઘરને ડિઝાઇન કરવામાં લગભગ 14 મહિનાનો સમય લાગ્યો હતો.
જ્હોન માને છે કે ઘર તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. તેથી, તેમણે આ ઘરને સરળ અને ઉત્તમ રીતે ડિઝાઇન કર્યું છે.
પેન્ટહાઉસ સિવાય જ્હોનની મુંબઈના ખાર વિસ્તારમાં એક ઓફિસ પણ છે જેની કિંમત અંદાજે 21 કરોડ રૂપિયા છે.
જ્હોને 27 વર્ષથી ખાંડ ખાધી નથી
જ્હોન પોતાની ફિટનેસને લઈને એટલો સભાન છે કે તે દિવસમાં કલાકો જીમમાં વિતાવે છે. તે પોતાના શરીરને જાળવી રાખવા માટે ડાયટનું પાલન પણ કરે છે. 2022માં જ્હોને શિલ્પા શેટ્ટીના રેડિયો શો ‘શેપ ઓફ યુ’માં કહ્યું હતું કે તેણે 27 વર્ષથી ખાંડ ખાધી નથી. જ્હોને એમ પણ કહ્યું કે તે માને છે કે ખાંડ ધૂમ્રપાન કરતાં વધુ ખતરનાક છે અને તે તેને ઝેર માને છે. તે ઠંડા પીણા અને દારૂથી પણ દૂર રહે છે.
બાઇક કલેક્શન સાથે જ્હોન
સુપરબાઈકના શોખીન જ્હોન
2021માં અમિતાભ બચ્ચનના શો KBCમાં જ્હોને કહ્યું હતું કે તેની પાસે કુલ 18 બાઈક છે. આ બાઇક કલેક્શનમાં BMW S 1000 RR, Yamaha VMAX તેમજ Kawasaki Ninja ZX-14 R જેવી બાઇકનો સમાવેશ થાય છે. જ્હોને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ઓફિસમાં તેની બાઇક રાખે છે કારણ કે તે મોટાભાગનો સમય ત્યાં જ રહે છે. તેમની પાસે દરેક રાઈડ પ્રમાણે હેલ્મેટ પણ છે.
બાઇકની સાથે કારનો ક્રેઝ
જ્હોનને માત્ર બાઇકનો જ શોખ નથી. તેના કલેક્શનમાં ઘણી કાર પણ છે. તેમાં નિસાન જીટીઆર બ્લેક એડિશન, બ્લેક લેમ્બોર્ગિની ગેલાર્ડોથી લઈને બ્લેક ફેરારી જેવી કારનો સમાવેશ થાય છે.
ફિલ્મો સિવાય જ્હોન જીમ અને રેસ્ટોરાંમાંથી કમાણી કરે છે
જ્હોન પણ બિઝનેસમાંથી કમાય છે. જ્હોન, જે પોતે ફિટ છે, તે જિમ ચેન ચલાવે છે. જ્હોન પાસે જેએ ફિટનેસ નામથી બે જીમ છે. એક જિમ મુંબઈના વરલીમાં છે અને બીજું પૂણેમાં છે. આ સિવાય જ્હોનની દિલ્હીમાં ફેટ અબ્રાહમ બર્ગર નામની રેસ્ટોરાં પણ છે. જ્હોનની કુલ સંપત્તિ 270 કરોડ રૂપિયા છે. અત્યાર સુધી તેમણે લગભગ 45 ફિલ્મોમાં અભિનેતા તરીકે અને 7 ફિલ્મો નિર્માતા તરીકે કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 5’ છે.