21 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયા અચાનક બીમાર પડી ગયા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયત સારી ન હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું મુખ્ય કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, જો કે, ડોકટરો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટીકુ તલસાણિયા વિશેના આ સમાચાર ખૂબ જ દુ:ખદ છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સિનિયર એક્ટર છે. આવી સ્થિતિમાં ટેલિવૂડ અને બોલિવૂડ જગત અને ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે અભિનેતા જલદી સ્વસ્થ થઈ જાય. મીડિયાએ આ અંગે ટીકુ તલસાનિયાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર તરફથી હજું સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
અભિનેતા ટીકુ તલસાણિયાનો જન્મ ૧૯૫૪ માં થયો હતો. તેમણે ૧૯૮૪માં લોકપ્રિય શો ‘યે જો હૈ જિંદગી’થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ૧૯૮૬માં તેમણે ‘પ્યાર કે દો પલ’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ટીકુ તલસાણિયા, જેમણે વિવિધ પાત્રો ભજવ્યા છે, તેઓ તેમની કોમેડી ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમની કોમિક સ્ટાઇલ અને ટાઇમિંગ બંને અદ્ભુત રહ્યા છે. તેમની ડાયલોગ ડિલિવરી દર્શકોને હસાવવા માટે પૂરતી છે.
ચાર દાયકા લાંબી કારકિર્દીમાં, ટીકુ તલસાણિયાએ ‘એક સે બઢકર એક’, ‘હુકુમ મેરે આકા’, ‘ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ’, ‘પ્રીતમ પ્યારે ઔર વો’ અને ‘સજન રે જૂઠ મત બોલો’ જેવા કેટલાક શાનદાર ટીવી શો આપ્યા છે. ફિલ્મોની વાત કરીએ તો, તેમણે ‘દિલ હૈ કિ માનતા નહીં’, ‘બોલ રાધા બોલ’, ‘અંદાઝ અપના અપના’, ‘ઇશ્ક’, ‘દેવદાસ’, ‘પાર્ટનર’, ‘ધમાલ’ અને ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
70 વર્ષની ઉંમરે પણ ટીકુ તલસાનિયા ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. તેઓ છેલ્લે 2024 માં રિલીઝ થયેલી રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનિત ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે રણવીર સિંહની ‘સર્કસ’ અને ‘હંગામા 2’ માં પણ જોવા મળ્યા છે.
નોંધનીય છે કે, ટીકુ તલસાણિયાની પુત્રી શિખા તલસાનિયા પણ એક અભિનેત્રી છે. તે ‘વીરે દી વેડિંગ’, ‘કુલી નંબર 1’ અને ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ટીકુ તલસાણિયાનો પુત્ર, રોહન તલસાણિયા સંગીતકાર છે.
થોડા સમય પહેલા બેરોજગાર હોવાની વાત કહી હતી પોતાના અભિનયથી બધાને હસાવનાર આ એક્ટરે થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે, તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે લગભગ 5 વર્ષથી કોઈ કામ નથી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ રીતે તેઓ મેનેજ કરી રહ્યા હતા ટીકુએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી તે થિયેટર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી નિર્માતાઓ પાસેથી કામ માગી રહ્યો છું. પરંતુ અત્યાર સુધી કોઈએ કોઈ ઓફર આપી નથી કે કોઈએ સંપર્ક કર્યો નથી. મારી ક્ષમતાઓ પર શંકા ના કરો. હું કામ કરવા માંગુ છું.’
ટીકુ ખલનાયક બનવા માગતા હતા ટીકુએ કહ્યું હતું કે તેમણે ઘણી કોમેડી ભૂમિકાઓ કરી છે પરંતુ હવે તે ખલનાયકની ભૂમિકા ભજવવા માગે છે. ‘હું ઇચ્છું છું કે જો નિર્માતાઓ મને કોઈ ભૂમિકા માટે સંપર્ક કરે છે, તો તે વિલનની હોવી જોઈએ. નિર્માતાઓ વિચારી રહ્યા હશે કે આ માસૂમ દેખાતા માણસને ખલનાયક બનાવીને તેઓ શું કરશે. પણ એવું નથી, હું નકારાત્મક પાત્રો પણ ખૂબ સારી રીતે ભજવી શકું છું.’