3 કલાક પેહલાલેખક: કવિતા રાજપૂત
- કૉપી લિંક
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર યશ જે તેમની KGF ફિલ્મથી ભારતીય સિનેમાના સુપર સ્ટાર્સ પૈકી એક બની ગયા છે. આજે તેઓ કોઈ ઓળખના મોહતાજ નથી. કર્ણાટકમાં એક મધ્યમ-વર્ગીય પરિવારમાં જન્મેલા સુપરસ્ટાર યશ આજે 38મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. ‘KGF’ ફિલ્મ પછી તેમણે પાછું વળીને જોયું નથી. ‘KGF’ પછી તે 2022માં ‘KGF 2’માં જોવા મળ્યો હતો, જે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો પૈકી એક હતી.
આ બંને ફિલ્મોથી યશ એટલો સફળતાના શિખરે પહોંચી ગયો કે, આજે તેમને અનેક મોટી ફિલ્મોમાં સાઈન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે, યશ માટે આ બધું સહેલું ન હતું. તેના પિતા બસ-ડ્રાઈવર હતા. શરૂઆતમાં જ્યારે યશ એક્ટિંગમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે ગુજરાન ચલાવવા માટે તેમણે બેકગ્રાઉન્ડ ડાન્સર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નાની નોકરીઓ કરવી પડી હતી. જેના માટે તેમને રોજના માત્ર પચાસ રૂપિયા મળતા હતા. તેઓ વર્ષો સુધી ટીવી એક્ટર પણ હતા. હવે તે એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની ફી લઈ રહ્યો છે. આજે તેમના બર્થડે પર જાણીએ તેમના વિશે જાણી-અજાણી વાતો
KGF 2 પછી યશ પાસે 3 મોટી ફિલ્મો છે
યશે ડિસેમ્બર- 2023માં તેમની આગામી ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું હતું. તેમના આગામી પ્રોજેક્ટનું નામ ‘ટોક્સિક’ હશે. ગીતુ મોહંડા તેનું નિર્દેશન કરશે. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં યશની સાથે કરીના કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા તે કન્નડમાં ડેબ્યૂ કરશે.
આ ફિલ્મની વાર્તા ગોવાના બેકગ્રાઉન્ડ પર આધારિત હશે. KGFની જેમ તે પણ પીરિયડ ક્રાઈમ ડ્રામા હશે. 60ના દાયકામાં ગોવામાં રશિયન અને ડ્રગ્સ માફિયાઓની ઘૂસણખોરી હતી. ફિલ્મની વાર્તા આની આસપાસ ફરશે.
ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હશે
કેજીએફ સિરીઝની જેમ ‘ટોક્સિક’ ફિલ્મ પણ એક્શન થ્રિલર હશે. યશ પોતે પણ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે. 100 કરોડથી વધુના બજેટ સાથે બનાવવામાં આવી રહી છે. યશને ફિલ્મનો પ્લોટ એટલો ગમ્યો છે કે, તે હાલમાં અન્ય પ્રોજેક્ટ્સને બાજુ પર રાખીને તેનું સંપૂર્ણ ધ્યાન આના પર કેન્દ્રિત કરી રહ્યો છે.
‘KGF 3’ 2025માં રિલીઝ થશે યશ સ્ટારર કન્નડ બ્લોકબસ્ટર ફિલ્મ KGFનો ત્રીજો પાર્ટ ‘KGF 3’ 2025માં રિલીઝ થશે. ફિલ્મના નિર્માણનું કામ ડિસેમ્બર 2023થી શરૂ થઈ ગયું છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2024માં શરૂ થયું હતું અનેફિલ્મ 2025માં રિલીઝ થશે
‘રામાયણ’માં રાવણ બનશે!
યશ પહેલેથી જ કન્નડ ફિલ્મોનો સુપરસ્ટાર છે, પરંતુ હવે નિર્માતાઓ તેને સમગ્ર ભારતમાં લોકપ્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યશ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જ કારણ છે કે તેમણે નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ સાઈન કરી છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, નીતિશ તિવારીએ આ ફિલ્મ માટે રણબીર કપૂરને રામના રોલ માટે, સાઈ પલ્લવીને સીતાના રોલ માટે અને યશને રાવણના રોલ માટે કાસ્ટ કર્યો છે. આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ફ્લોર પર જઈ શકે છે.
યશ ‘રામાયણ’માં ‘KGF’થી બિલકુલ અલગ લુકમાં જોવા મળશે. તેમણે આ મામલે ટીમ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. તેમણે પોતાના બોડી ઉપર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
ફી 15 કરોડથી વધીને 150 કરોડ થઈ!
જ્યાં યશને ‘KGF’ માટે 15 કરોડ રૂપિયાની ફી મળી. તે જ સમયે ‘KGF 2’ માટે આ ફી બમણી કરવામાં આવી હતી એટલે કે તેમણે આ ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. હવે ‘રામાયણ’ ફિલ્મને લઈને એવા અહેવાલો છે કે, યશ 100-150 કરોડ રૂપિયાની ફી માગી રહ્યો છે. આ માટે તેની ન્યૂનતમ ફી 100 કરોડ રૂપિયા હશે, બાકીની રકમ તેના શૂટિંગના દિવસોની સંખ્યા વધારવા પર નિર્ભર છે.
આવો જોઈએ યશની લાઈફ વિશે
યશનો જન્મ 8 જાન્યુઆરી, 1986ના રોજ કર્ણાટકના હાસન જિલ્લાના ભુવનહલ્લીના નાના ગામમાં થયો હતો. તેમને બે નામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નવીન કુમાર ગૌડા અને બીજું યશવંત. ફિલ્મી દુનિયામાં પ્રવેશતાં પહેલાં તેમને નામ નાનું કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે પોતાનું નામ યશવંતથી બદલીને ‘યશ’ રાખ્યું કારણ કે, સ્ક્રીન-નામ તરીકે તેને તે તેના પહેલાં અસલી નામ ‘નવીન’ કરતાં વધુ ગમ્યું.
યશના પિતા અરુણ કુમાર ગૌડા ‘કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન’માં બસ-ડ્રાઇવર હતા. આ પછી તેમણે બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં પણ કામ કર્યું. 2022 સુધીના અહેવાલો અનુસાર, યશના પિતા યશ સુપરસ્ટાર બન્યા પછી પણ બસ ચલાવે છે. યશના માતા પુષ્પા ગૃહિણી છે. યશને નંદિની નામની એક નાની બહેન પણ છે.
યશ જ્યારે નાનો હતો ત્યારથી જ એક્ટર બનવાનાં સપનાં જોવાં લાગ્યો હતો. તેમનું બાળપણ મૈસુરમાં વીત્યું હતું અને આ સમય દરમિયાન તેઓ શાળામાં યોજાતી નૃત્ય અને નાટ્ય સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. તેમનો પરિવાર મૈસુરમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. યશ જ્યારે થોડો મોટો થયો ત્યારે તેમણે પરિવારને મદદ કરવા માટે આ દુકાનનું સંચાલન પણ શરૂ કર્યું. 10મું પૂરું કર્યા પછી યશ સંપૂર્ણ સમય અભિનય પર ધ્યાન આપવા માગતો હતો. આ કારણોસર તેણે પોતાનો અભ્યાસ છોડી દેવાની ઇચ્છાની પરિવાર પાસે રજૂઆત કરી.પરંતુ તેનાં માતા-પિતા રાજી ન થયાં. તેમણે યશને તેનું 12મું ધોરણ પૂરું કરવા કહ્યું, ત્યારબાદ યશે ‘મહાજન એજ્યુકેશન સોસાયટી’માંથી તેનું શિક્ષણ પૂરું કર્યું હતું.
પરિવારજનોએ સંબંધ તોડી નાખવાની ધમકી આપી હતી
શરૂઆતમાં માતા-પિતા ઈચ્છતા ન હતા કે યશ એક્ટિંગની દુનિયામાં આવે. તેના પિતા તેને સરકારી અધિકારી બનાવવા માગતા હતા. જ્યારે યશે મૈસુર છોડીને બેંગ્લોરમાં અભિનયમાં નસીબ અજમાવવાની વાત કરી ત્યારે તેમનાં માતા-પિતા ખૂબ ગુસ્સે થયા. તેમણે એમ પણ કહ્યું કે, જો તે ફિલ્મોમાં જશે તો તેમનો પરિવારને તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. આ જોઈને યશ ખૂબ જ નિરાશ થઈ ગયો. તેમનું હીરો બનવાનું સપનું ચકનાચૂર થવા લાગ્યું હતું. યશે પોતાના માતા-પિતાને ખૂબ સમજાવ્યા અને પછી તેઓ રાજી થયા.
300 રૂપિયા લઈને યશ બેંગ્લોર ગયો હતો
માતા-પિતાએ 16 વર્ષના યશને બેંગલુરુ જઈને ફિલ્મોમાં નસીબ અજમાવવાની મંજૂરી આપી પણ એક શરત પણ રાખી. માતા-પિતાએ યશને કહ્યું કે, જો ત્યાં ગયા પછી તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો, તો તેને ફરીથી ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમને બેંગલુરુ પાછા જવા દેવામાં આવશે નહીં. યશે તેના માતા-પિતાની દરેક શરત સ્વીકારી અને બેંગલુરુ ગયો જ્યાં તેને એક ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેની પહેલી નોકરી મળી હતી.
યશ આ કામથી ખુશ હતો પરંતુ બે દિવસના શૂટિંગ બાદ ફિલ્મ બંધ થઈ ગઈ હતી. તે સમયે તેની પાસે માત્ર 300 રૂપિયા હતા જેનાથી વધુ દિવસો સુધી જીવવું શક્ય ન હતું. ઘણી મહેનત પછી તે એક થિયેટર ગ્રુપમાં જોડાયો હતો.
અહીં તેને બેકસ્ટેજ વર્કર તરીકે નોકરી મળી, જેના માટે તેમને રોજનું પચાસ રૂપિયા વેતન મળ્યું. યશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મારા માતા-પિતાએ વિચાર્યું હતું કે હું મૈસુર પાછો આવીશ પરંતુ મેં થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. મને તેમના વિશે કંઈ ખબર નહોતી. મેં બેકસ્ટેજ કમાવાનું શરૂ કર્યું. ચા-પાણી આપવાથી માંડીને બધું જ હું સંભાળતો હતો. શરૂઆતમાં મેં એક દિગ્દર્શકને પણ મદદ કરી જેથી હું કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરી શકું.’ 2004 સુધી યશે બેકઅપ એક્ટર તરીકે પણ કામ કર્યું છે.
2004માં તેમને એક નાટકમાં બલરામનો રોલ કરવાનો મોકો મળ્યો. થિયેટરમાં કામ કરતી વખતે યશ પોતાનો વધુ અભ્યાસ પૂર્ણ કરવા માટે મક્કમ હતો અને બેંગ્લોરની KLE કૉલેજમાંથી બી.એ. કર્યું. આ સમય દરમિયાન યશને ટેલિવિઝન સિરિયલ ‘ઉત્તરાયણ’થી ડેબ્યૂ કરવાની તક મળી. 2005માં તેમને ટીવી સિરિયલ ‘નંદાગોકુલા’માં પણ રોલ મળ્યો જેમાં તેમની સાથે રાધિકા પંડિત જોવા મળી હતી. યશે ટીવી શોમાં કામ કરીને સારી કમાણી કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેમના માતા-પિતા પણ બેંગલુરુ શિફ્ટ થઈ ગયા.
યશે સાત ફિલ્મો રિજેક્ટ કરી તો અહંકારી એક્ટરનું ટેગ મળ્યું
યશને લગભગ સાત ફિલ્મોમાં ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી પરંતુ રિજેક્ટ કરી દીધી હતી. હકીકતમાં યશે આ બધી ફિલ્મોને સાઇન કરતા પહેલાં તેની સ્ક્રિપ્ટ વાંચવાની માગ કરી હતી, જેના કારણે મેકર્સે તેને રોલ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણે તે અહંકારી એક્ટર તરીકે પણ ઓળખાવા લાગ્યો હતો.
2007માં યશને ફિલ્મ ‘જાંબાડા હુડુગી’માં સહાયક ભૂમિકા દ્વારા કન્નડ ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની તક મળી. વિવેચકોએ આ ફિલ્મમાં યશની એક્ટિંગની પ્રશંસા કરી હતી. આ પછી યશ ટીનેજ ડ્રામા ફિલ્મ ‘મોગીના મનાસુ’માં રાધિકા પંડિત સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ તેમની સહાયક ભૂમિકા હતી, જેના માટે તેમને 56માં ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને યશની કરિયરમાં એક સફળતા તરીકે જોવામાં આવી હતી. આ પછી તેમણે કેટલીક અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું પરંતુ 2018માં રિલીઝ થયેલી KGFએ તેનું નસીબ બદલી નાખ્યું.
9 ફિલ્મો કર્યા પછી KGF મળી
KGF કરતા પહેલાં યશે 9 ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેને વાસ્તવિક સ્ટારડમ 2018ની ફિલ્મ ‘KGF’થી મળ્યું હતું. આ ફિલ્મે તેમને સુપરસ્ટાર બનાવી દીધો હતો. તેમનું પાત્ર ‘રોકી ભાઈ’ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ ફિલ્મે 250 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મથી કન્નડ સિનેમાને દેશભરમાં ઓળખ મળી.
એક ઇન્ટરવ્યૂમાં યશે KGF ફિલ્મનો આઈડિયા કેવી રીતે આવ્યો તેના વિશે જણાવ્યું હતું કે, ‘નિર્માતા વિજય કિરાગન્દુર અને હું ચર્ચા કરી રહ્યા હતા કે અમે કેવા પ્રકારની ફિલ્મો બનાવવા માગીએ છીએ. અમે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી બનાવવા માગતા હતા. અમે દિગ્દર્શક પ્રશાંત નીલને મળ્યા અને મને KGFની વાર્તા ગમી. અમે 2014થી આના પર કામ શરૂ કર્યું હતું. યશે અન્ય એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સાચું કહું તો, મેં રોકીનું પાત્ર જીવ્યું છે અને તે પાત્ર સાથે જોડાયેલી ઘણી બાબતો છે જે આપમેળે મારી પાસે આવી ગઈ હતી. આ રોલ માટે મારે વધારે તૈયારી કરવાની જરૂર નહોતી.’
KGF-2 એ 1200 કરોડની કમાણી કરી
KGFની સફળતા પછી KGF-2 વર્ષ 2022 માં રિલીઝ થઈ હતી. 100 કરોડમાં બનેલી આ ફિલ્મે 1200 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. KGF ફ્રેન્ચાઈઝીની સફળતા પર યશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો તેને અહંકાર ન માનવામાં આવે તો હું કહેવા માગુ છું કે હું આવું જ ઈચ્છતો હતો. મેં તેની કલ્પના કરી હતી. આ સફળતાના સ્કેલથી ઘણા લોકોને આશ્ચર્ય થયું.’
ફેમિલી ‘સક્સેસ’ અંગે શું કહે છે?
આ સવાલ પર યશે કહ્યું હતું કે, મને નથી લાગતું કે મારી કોઈ સિદ્ધિ મારા માતા-પિતાને બદલશે. જ્યારે મારી ફિલ્મ ‘મિસ્ટર ઔર મિસિસ રામચારી’ હિટ થઈ ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે, ‘જો તમારી સફળતા માટે લોકો તમારું સન્માન કરે તો તે કામચલાઉ છે. મારા માતા-પિતા મારી કોઈ ઇવેન્ટમાં ભાગ્યે જ આવતા હતા. જ્યાં સુધી તેમને કોઈ વસ્તુ પર મારી સહી ન જોઈતી હોય ત્યાં સુધી તે ક્યારેય મારા કોઈ શૂટમાં આવતા નથી. આજે પણ જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે મારા મિત્રો મારી સાથે એ જ રીતે વર્તે છે, જે રીતે તેઓ મારી સાથે પહેલાં વર્તતા હતા. સફળતા પછી પણ તમે ઘરમાં એવા જ રહેશો જેમ તમે પહેલાં હતા.’
‘KGF 2 શો સવારે 3 વાગ્યે શરૂ થયો’
KGF 2 ને લઈને ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓડિશામાં પહેલીવાર સવારે 3 વાગ્યાથી કોઈ ફિલ્મનો શો યોજાયો હતો. રસપ્રદ વાત એ હતી કે આ તમામ શો હાઉસફુલ હતા. આ સિવાય સુરતમાં પહેલીવાર સવારે 6 વાગ્યાથી ફિલ્મના શો યોજાયા હતા અને હાઉસફુલ હતા. આ સિવાય ‘KGF 2’ પાકિસ્તાનમાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ હતી.
સેટ પર પ્રેમ થયો, અભિનેત્રી સાથે લગ્ન કર્યા
યશે વર્ષ 2016માં અભિનેત્રી રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા હતા. તેમની પહેલી મુલાકાત 2007માં ટીવી શો ‘નંદાગોકુલા’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. રાધિકા પહેલાથી જ આ શોનો ભાગ હતી, પરંતુ યશ મુખ્ય અભિનેતાની જગ્યાએ શોમાં આવ્યો. શૂટિંગ દરમિયાન બંને મિત્રો બની ગયા હતા.
આ પછી જ્યારે ફિલ્મ ‘મોગીના મનાસુ’ સાઈન કરી ત્યારે ફરી એકવાર બંનેની મુલાકાત થઈ હતી. આ ફિલ્મમાં રાધિકા લીડ એક્ટ્રેસ હતી. યશ રાધિકાને તેની લાગણીઓ જણાવતાં ડરતો હતો, તેથી તે હાવભાવ દ્વારા કહેતો હતો કે તેના જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જેને તે ખૂબ પ્રેમ કરે છે. રાધિકા તેને તે છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે નવા નવા રસ્તાઓ કહેતી. યશ રાધિકાને કહેવા માગતો હતો કે તે તેમને(રાધિકાને)જ પ્રેમ કરે છે પરંતુ તેને ડર હતો કે, તેની રાધિકા સાથેની મિત્રતા તૂટી જશે.
6 મહિના સુધી રાહ જોઈ
એકવાર વેલેન્ટાઈન ડે પર યશે રાધિકાને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું પરંતુ જ્યારે તેમણે રાધિકાને ફોન કર્યો ત્યારે તે તેના માતા-પિતા સાથે ફિલ્મ જોવા માટે મોલમાં ગઈ હતી. યશ મોલમાં પહોંચ્યો પણ રાધિકાને મળ્યો નહીં. તેણે રાધિકાની પસંદગીની લગભગ દરેક વસ્તુ ખરીદી અને તેની કારમાં રાખી. જ્યારે રાધિકાએ આ બધું કારમાં જોયું તો તેને એક નોટ મળી જેમાં લખ્યું હતું કે, ‘હેપ્પી વેલેન્ટાઈન ડે.’ ચિઠ્ઠીમાં કોઈ નામ ન હતું પણ રાધિકા સમજી ગઈ કે, એ યશ છે. આખરે આ પછી યશે ફોન કરીને રાધિકાને પોતાની લાગણી વ્યક્ત કરી. જો કે, રાધિકાએ તરત જ ‘હા’ ન પાડી અને છ મહિના પછી તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. આ પછી બંનેએ 12 ઓગસ્ટ, 2016ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા. આ પછી બંને એક પુત્રી અને એક પુત્રના માતા-પિતા બન્યા.
યશ સાથે લગ્ન બાદ રાધિકા ફિલ્મોમાં કામ નથી કરી રહી, પરંતુ તે ‘યશ માર્ગ’ નામનું ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશન ગરીબોને મદદ કરે છે. યશ અને રાધિકાએ કર્ણાટકના કોપ્પલ ગામમાં પાણીની અછતને દૂર કરવા માટે એક તળાવ પણ બનાવ્યું છે, જેના માટે તેમણે 4 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.