પોલીસ બંદોબસ્ત સાથે ‘બચપણ બચાવો’ સંસ્થાની ટીમ ત્રાટકી
પરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખીને મજૂરી કરાવાતી હતી, કારખાનેદાર તેમજ ઠેકેદાર સહિત ત્રણ ઇસમો સામે ગુનો દાખલ
જેતપુર: સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત જેતપુરમાં બાળકો પાસેથી કાળીમજૂરી કરાવતા વધુ બે કારખાના ઝડપાયા છે. ‘બચપણ બચાવો’ સંસ્થા અને પોલીસે બન્ને કારખાનામાંથી ૩૧ બાળકોનું રેસ્ક્યુ કરાવી મુક્ત કર્યા હતા. અહીં કેટલાક કારખાનામાં સાડીઓની ઘડી ઈસ્ત્રી કરતા પરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખીને તેમની પાસે મજૂરી કરાવાતી હોવાનું પણ સામે આવ્યું હતું.
આ અંગેની માહિતી અનુસાર જેતપુરના ઉદ્યોગ વિસ્તારમાં સાડીઓની ઘડી ઇસ્ત્રીનું કામ કરતા કેટલાક કારખાનાઓમાં બાળમજૂરો હોવાની બાતમી મળતા ‘બચપણ બચાવો’ સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી બે જુદા-જુદા કારખાનામાં છાપો માર્યો હતો. જેમાં દાતાર તકિય પાસે આવેલા નામ વગરના ચલાવતા સાડીના ફિનિશિંગ કારખાનામાંથી ૨૫ જેટલા બાળમજૂરો અને ભાદરના સામા કાંઠે ખુલ્લા ફાટકની સામે આવેલા રાજહંસ ટેક્સટાઇલમાંથી ૬ મળી કુલ ૩૧ બાળમજૂરો મળી આવતા તેઓને મુક્ત કરાવ્યા હતાં. આ તમામ બાળમજૂરોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લાવીને રાજકોટ બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી તમામને તેમના વતન મોકલવામાં આવશે.
આ કારખાનાઓમાં યુપી-બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરીકામ માટે લાવવામાં આવતા હતા. છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનું ભોજન આપી સખત બાળમજૂરી કરાવવામાં આવતી હતી. આ મામલે નામ વગરના કારખાનાના માલિક તબરેજ અંસારી તેમજ રાજહંસ ટેક્સટાઇલના માલિક દુર્ગેશ કુશવાહ અને તેના ઠેકેદાર અનિલકુમાર સોમારું સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.