અમદાવાદના એક યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા વ્યક્તિઓએ સંપર્ક કર્યો હતો. જેમાં યુવકને શરૂઆતમાં ટાસ્ક આપવામાં આવ્યા હતા. ટાસ્ક પૂરા થતા શરૂઆતમાં યુવકને 1,800 રૂપિયાનો નફો આપવામાં આવ્યો. ત્યાર બાદ યુવકને વિશ્વાસ આવતા યુવકને વધુ ટાસ્ક પૂરા કરવા
.
જુહાપુરા વિસ્તારમાં આવેલી પેરેડાઇઝ રેસિડેન્સીમાં રહેતા મોહમદ સુહેલ શેખે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 7.42 લાખની ચિંટીગની ફરિયાદ કરી છે. સુહેલ સંયુક્ત પરિવારમાં ભાડાના મકાનમાં રહે છે અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે છેલ્લા 13 વર્ષથી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. સુહેલને ખાનપુર ખાતે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા ખાતે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવે છે. થોડા દિવસ પહેલાં સુહેલ ઘરે હાજર હતો, ત્યારે તેના ટેલિગ્રામ આઇડીમાં એમેઝોન વેલફેર નામના ગ્રૃપની રીકવેસ્ટ આવી હતી.
સુહેલ ગ્રુપમાં જોઇન થયો હતો અને ચેક કરવા લાગ્યો હતો. એમેઝોન વેલફેર ગ્રુપમાં સંખ્યાબંધ લોકો જોઇન થયા હતા અને ઘણા લોકો પાર્ટટાઇમ જોબ માટેની વાતચીત કરતા હતા. આ સાથે પાર્ટ ટાઇમ જોબ કરીને એડવર્ટાઇઝ મેન્ટ મોકલતા હતા. જાહેરાતમાં જોબના પ્રોફીટની પણ વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. દરમિયાનમાં સુહેલને એમેઝોન વેલફેર ગ્રુપના એડમીનનો મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર ઐશ્વર્યા નામની યુવતી હતી જેણે પાર્ટ ટાઇમ નોકરી માટેની વાત કરી હતી. ઐશ્વર્યાએ સુહેલને કેવી રીતે કામ કરવાનું છે તે શીખવ્યુ હતું.
ઐશ્વર્યાએ મેસેજમાં જણાવ્યુ હતુંકે એમેઝોન એપમાંથી જે ઘર વખરીની ચીજવસ્તુઓ આવે તેને તમારે કાર્ટમાં એડ કરવાનું રહે છે. કાર્ટમાં એડ કર્યા બાદ તેનો સ્ક્રીનશોર્ટ પાડીને તે ફોટોગ્રાફ્સ મોકલવાનો રહેશે જેનો નફો તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. ઐશ્વર્યાએ સુહેલને એક ફ્રી ટાસ્ક આપ્યો હતો અને જેની લિંક મોકલી આપી હતી. સુહેલે લિંક પર ક્લિક કરતા લોગિન આઇડી પાસવર્ડ માંગ્યો હતો. સુહેલે લોગીન આઇડી પાસવર્ડ બનાવી દેતા તેને આઇઢી નંબર આપવામાં આવ્યો હતો. સુહેલનું એકાઉન્ટ બની ગયા બાદ તેના બેંકમાં 150 રૂપિયા જમા થયા હતા. ત્યાર બાદ ટેલિગ્રામ પર એક હજાર રૂપિયાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જે ટાસ્ક પુરો કરતા સુહેલના બેંક એકાઉન્ટમાં 1650 રૂપિયા જમા થઇ ગયા હતા. બે વખત બેંકમાં રૂપિયા જમા થતા સુહેલને ઐશ્વર્યા પર વિશ્વાસ આવી ગયો હતો.
સુહેલના વિશ્વાસ બાદ ઐશ્વર્યા સહિતના લોકોએ પોતાની જાળ બીછાવવાની શરૂ કરી દીધી હતી. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તમારે પાર્ટ ટાઇમ જોબમાં આગળ કામ કરવુ હોય તો તમારે પૈસા ભરીને ટાસ્ક લેવો પડશે અને જે ટાસ્ક માટે અલગ અલગ પેકેજ નક્કી કરવામાં આવ્યા છે. ઐશ્વર્યા પર વિશ્વાસ કરીને સુહેલે પહેલા એક હજાર રૂપિયા ભરીને ટાસ્ક લીધો હતો. બાદમાં પાંચ હજાર રૂપિયા ભર્યા હતા. ઐશ્વર્યાએ ચાલાકી વાપરીને સુહેલ પાસેથી પહેલા નાની નાની રકમ ભરાવી હતી અને ત્યાર બાદ મોટી રકમ ભરાવવાનું શરૂ કર્યુ હતું. સુહેલે 20 હજાર, 30 હજાર, 30 હજાર, 50 હજાર, એક લાખ, બે લાખ અને ત્રણ લાખ ટાસ્ક લેવા માટે ભર્યા હતા. સુહેલે પાર્ટ ટાઇમ જોબ કરવાની લાલચમાં 7.44 લાખ રૂપિયા ભરી દીધા હતા.
સુહેલે ટાસ્ક પુરા કર્યા હતા જેમાં નફો તેના બેંકમાં જમા થયો. સુહેલે બે વખત નફો વિડ્રો કરવાની કોશિષ કરી હતી પરંતુ તે થઇ શખ્યો નહી. સુહેલે તરતજ રૂપિયા વિડ્રો થતા નથી તેવો મેસેજ ઐશ્વર્યાને કર્યો હતો, પરંતુ તેણે કોઇ જવાબ આપ્યો નહી. સંખ્યાબંધ મેસેજો કરી લીધા બાદ ઐશ્વર્યાએ જવાબ આપ્યો હતો કે, રૂપિયા વિડ્રો કરવા માટે તમારે વધુ રૂપિયા જમા કરાવવા પડશે. સુહેલને શંકા જતા તેણે તરતજ સાયબર હેલ્પ લાઇન નંબર પર ફોન કરીને જાણ કરી દીધી હતી. પાર્ટ ટાઇમ જોબમાં ટાસ્ક પુરો કરવાની લાલચ આપીને ગઠીયાઓએ સુહેલ પાસેથી 7.44 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.