Vav Assembly By-Election: બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. બુધવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે હવે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાને છે. ત્યારે ભાજપમાં સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ તરીકે માવજીભાઇ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
વાવમાં પાઘડીના નામે પોલિટિક્સ
વાવ વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાતા જ બધા પક્ષો પ્રચાર શરૂ કરી દીધો હતો. જોકે વાવની ચૂંટણીમાં આ વખતે મતદારોને પટાવવા માટે પાઘડીની પેટર્ન અપનાવવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે પાઘડીનું મહત્ત્વ વધી ગયું છે. આજે ભાભરમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક જાહેર સભામાં લવિંગજી ઠાકોરે પાઘડી ઉતારી સ્વરૂપજીને મત આપવા માટે અપીલ કરી હતી. સ્વરૂપજી ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓએ ઠાકોર સમાજ સહિતના મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પહેલાં સ્વરૂપજી ઠાકોરે એક સભામાં પોતાની પાઘડી ઉતારી મતદારો પાસે મત માંગ્યા હતા, ત્યારે બીજી તરફ ગેનીબેને પણ પાઘડીની રાખવાની વાત કરી વાવની જનતાને મત આપવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: વાવ બેઠક પર દસ કા દમ: માવજીભાઇ માન્યા નહીં, કોંગ્રેસના ‘ગુલાબ’ ખીલશે કે ભાજપનું ‘કમળ’?
ભાજપ અને કોંગ્રેસે પોત-પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ત્યારે બંને તરફથી પૂરજોશમાં પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. જોકે, હાલ આ ચૂંટણી પ્રચારમાં મતદાતાઓને રીઝવવા માટે પાઘડીએ પોતાનું ખાસ સ્થાન મેળવ્યું છે. સ્વરૂપજી ઠાકોરે એક જાહેર સભામાં પોતાની પાઘડી ઉતારી લોકોને વિનંતી કરી હતી, ત્યારે બીજી બાજુ ગેનીબેને પણ પોતાની પાઘડીની આબરૂ રાખવાની જનતા સામે અપીલ કરી હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર એક રોમાંચક સ્વરૂપ લઈ રહ્યો છે.
સ્વરૂપજી ઠાકોરે ઉતારી પાઘડી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન સ્વરૂપજી ઠાકોર જાહેર સભામાં લોકોને સંબોધી રહ્યા હતાં. ત્યારે તેઓએ કહ્યું કે, ‘તમે જે મને પાઘડી પહેરાવી છે, તે પાઘડીની લાજ તમે રાખશો તો 13 તારીખે મતદાન છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે, આ ચૂંટણી હું નથી લડતો. આ ચૂંટણી સમાજ લડશે. આ ચૂંટણી સમાજના વિકાસ માટે સમાજે ઉપાડવાની છે.’
આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાની પાઘડી ઉતારી દીધી હતી. પાઘડી ઉતારી સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, ‘હું પાઘડી ઉતારીને વિનંતી કરૂ છું કે, આ પાઘડીની લાજ તમારે રાખવાની છે.’
આ પણ વાંચો: વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો
ગેનીબેને કરી વિનંતી
બીજી બાજુ કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડવાના છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતના સપોર્ટમાં ગેનીબેન ઠાકોર પણ પ્રચાર કરવા મેદાન ઉતર્યા છે. ગેનીબેનની બેઠક પર આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગેનીબેન પણ પોતે જ લડી રહ્યા હોય તે પ્રકારે પ્રચારમાં જોડાયા છે. આ દરમિયાન એક જાહેર સભા સંબોધતા ગેનીબેને લોકોને કહ્યું કે, ગેનીબેન કૉલર ઊંચો કરીને ભાભરની બજારમાં નીકળે એવી આ પાઘડીની આબરૂ રાખજો. એવી મારી બે હાથ જોડીને વિનંતી છે..