( ભુપી મારવાડી)
અમદાવાદ,સોમવાર
અમદાવાદ પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમબ્રાંચ
(પીસીબી)ના સ્ટાફને બદનામ કરવા માટે હત્યા કેસના આરોપી અને કુખ્યાત
બુટલેગર ભુપી મારવાડીનો પોલીસને બદનામ કરતો વિડીયો યુ ટયુબ પરની ન્યુઝ ચેનલ પર
ચલાવવાના મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ચાર ન્યુઝ ચેનલના પત્રકારો વિરૂદ્ધ ગુનો
નોંધ્યો છે. પીસીબીમાં ફરજ બજાવતા આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટર કલ્યાણસિંહ
ચાવડાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને રાણીપ સુભાષબ્રીજ કેશવનગરમાં
રહેતા બુટલેગર ભુપી મારવાડીનો એક વિડીયો તેમને વોટ્સએપમાં મળ્યો હતો. જેમાં તેજ
નેત્ર, પંચાયત
ન્યુઝ, ગુડ ડે
ગુજરાત ન્યુઝ અને સત્યા ડે ન્યુઝની યુ ટયુબ ચેનલમાં વિડીયો બાઇટમાં કલ્યાણસિંહ
વિરૂદ્ધ સાત લાખનોે હપતો માંગતા હોાવનો આક્ષેપ કરે છે. તેમજ પોલીસે ખોટી રીતે ગુના
નોંધ્યાનો આરોપ પણ મુકે છે. આમ,
પીસીબી અને તેમના સ્ટાફ પર ગંભીર આક્ષેપ થતા તપાસ કરવામાં આવી ત્યારે જાણવા
મળ્યું હતું કે તે કણભામાં થયેલી એક હત્યા કેસમાં આરોપી છે અને તે સાબરમતી જેલમાં
છે. તેમ છતાંય, સોશિયલ
મિડીયામાં કલ્યાણસિંહ અને પીસીબી વિરૂદ્ધ ખોટા ન્યુઝ ચલાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભુપી મારવાડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
તેના વિરૂદ્ધ પ્રોહીબીશનના ૨૫થી વધુ કેસ નોંધાયેલા છે. પાંચ વાર પાસાની સજા થઇ
ચુકી છે. તેણે દારૂની હેરફેર કરતા સમયે કણભા પોલીસ સ્ટેશનની હદમાં એક પોલીસ
કોન્સ્ટેબલને ટક્કર મારીને તેમનું મોત નીપજાવ્યું હતું. આ ગુનામાં તે હાલ
સાબરમતી જેલમાં છે. જો કે જેલમાંથી તેના મળતિયા અને સાળા ઇબ્રાહિમ શેખ સાથે મળીને
દારૂની પ્રવૃતિ ચલાવે છે. જેથી પોલીસે કાર્યવાહી કરતા તેણે પોલીસને બદનામ કરવા
માટે યુ ટયુબ પર ન્યુઝ ચલાવતા કેટલાંક પત્રકારો સાથે મળીને ખોટા આક્ષેપ કરતા
સમાચારો ચલાવ્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.