અમદાવાદ, બુધવાર
શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદુપુરા ખાતે નાના ભાઇ સાથે થયેલી તકરારની અદાવતમાં મોટાભાઇની મકાનમાં ઘૂસીને ઘર વખરી અને તિજોરી, વાહનોની તોડફોડ કરીને રોકડા રૃપિયા બે લાખ અને સોનાના દાગીના સહિત કુલ રૃા.૩.૨૯ લાખની મતાની લૂંટ કરીને આતંક મચાવ્યો હતો. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદુપુરામાં મકાનમાં ઘર માલિક ડરના માર્યા બે દિવસ બાદ આવીને જોયું તો ઘર વખરીનો સામાન અને તિજોરી તોડી લૂંટ કરી વાહનોની પણ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો
અમદુપુરામાં રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છેકે તા. ૫ના રોજ ધંધાના કામે પરિવાર સાથે અમરેલી ગયા હતા. આ સમયે બપોરે પડોશી યુવકનો ફોન આવ્યો હતો કે તમારા નાના ભાઇને કોઇક સાથે તકરાર થતાં ચાકુ વાગી ગયું છે જેથી તમે ઘરે આવતા નહી આ પ્રમાણેના સમચાર જાણીને તેઓ સીધા તેમના સગાના ત્યાં ગયા હતા.
બે દિવસ પછી ઘરે જઇને જોયું તો મકાનમાં એસી સહીત ઘરવખરી, વાહનો તોડફોડ કરી અને તિજોરી તોડીને અંદરથી રોકડા રૃપિયા બે લાખ અને સોનાના દાગીના સહિત કુલ રૃા.૩.૨૯ લાખની મતાની લૂંટ કરીને ભર બપોરે આતંક મચાવ્યો હતો. આજુબાજુના મકાનોમાં પણ તોડફોડ કરેલી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.