અમદાવાદ,શનિવાર
જમાલપુરમાં યુવક નોકરી પર ગયો અને પરિવારના સભ્યો ભઢીયાદ દરગાહે દર્શન કરવા ગયા હતા. ત્યારે અજાણ્યો ચોર બારીમાંથી ઘરમાં ઘૂસીને કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૃા. ૧.૭૦ લાખ સહિત કુલ રૃા.૫.૮૯ લાખના મતાની ચોરી કરી હતી અને નિકોલમાં રેસ્ટોરન્ટમાં અલગ અલગ ટેબલના ડ્રોવરમાં મૂકેલા રોકડા સહિત કુલ રૃા. ૨ લાખની મત્તા ચોરી કરી હતી. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી અને નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.
નિકોલમાં ટેબલના ડ્રોવરમાં મૂકેલ રોકડા સહિત બે લાખની મત્તા ચોરી નિકોલ અને હવેલી પોલીસે ચોર સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
જમાલપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા૧૦ના રોજ તેઓ નોકરી પર ગયા હતા ત્યારે પરિવારના સભ્યો ભઢીયાદ દરગાહ પર દર્શન કરવા ઘરને લોક મારીને ગયા હતા. જ્યારે સાંજના સમયે તે ઘરે ગયા તે સમયે લોક ખોલીને દરવાજો ખોલવા જતા ખુલ્યો ન હતો. જેથી ધક્કો મારીને જોતા અંદરથી સાંકળ મારેલ હતી. બાદમાં ડિસમીસ સહિતના સાધનોથી દરવાજો ખોલ્યો હતો. ઘરમાં જઇને જોયું તો બધો સામાન અસ્ત વ્યસ્ત પડયો હતો અને ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં ઘરમાં તપાસ કરતા કબાટમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૫.૮૯ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું જ્યારે તપાસ કરતા અજાણ્યો ચોર એલ્યુમિનિયમ સેક્સન કાચની બારી ખોલીને ઘરમાં આવ્યો હતો.
બીજા બનાવમાં નિકોલમાં રહેતા કઠવાડા ચાર રસ્તા પાસે રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે ક તા ૭ના રોજ મોડી રાત્રે તેઓ રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારે બીજા દિવસે સાફ સફાઇ કરવા યુવક આવ્યો હતો. તે સમયે રેસ્ટોરન્ટનું તાળુ તૂટલું હોવાથી ફરિયાદીને ફોન કરતા તેઓ તાત્કાલિક હોટલ પર પહોચ્યા અને અંદર જઇને તપાસ કરતા અલગ અલગ ટેબલના ડ્રોવરમાં મૂકેલ રોકડ સહિત કુલ રૃા. ૨ લાખની મતાની ચોરી થઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.