Indian Citizenship Camping In Ahmedabad : અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન-બાંગ્લાદેશથી આવેલા 56 લોકોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતની નાગરિકતાના પ્રમાણપત્ર આપ્યા હતા. જ્યારે વર્ષ 2017થી 2024 સુધીની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 1223 લોકોને ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના લોકોને અપાઈ ભારતની નાગરિકતા
અમદાવાદ ખાતે યોજાયેલા નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં હર્ષ સંઘવી, ધારાસભ્ય અમિતભાઈ શાહ, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હે… નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા તમામ લોકોના ચહેરા પર અલગ જ ખુશી વર્તાઈ છે. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિના લોક લઘુમતીમાં આવે છે. અમદાવાદમાં વર્ષ 2017થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવી રહ્યાં છે.’
મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે કહ્યું હતું કે, અમરા મતવિસ્તારમાંથી પણ ઘણા વ્યક્તિઓને આ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યાં છે, તેને મને આનંદ છે. આ ઉપરાંત, નરોડાના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીએ કહ્યું કે, ‘દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે નાગરિકતા લેનારા લોકોને જણાવાયું. જ્યારે CAA કાયદા દ્વારા આ નાગરિકોને તેમના હક-અધિકાર મળશે.’