અમદાવાદ,ગુરૂવાર
ભાવનગર જિલ્લાની આરોગ્ય અને તબીબી સેેવાના નાયબ નિયામક અને તેમની સાથે કામ કરતા તબીબને વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ બાદ ફરજ મોકુફ કરાવ્યા બાદ શરૂ કરેલી ખાતાકીય તપાસમાં . નાયબ નિયામક ડૉ. મનીષ ફેન્સી અને ડૉ. સુનિલ પટેલની તરફેણમાં રિપોર્ટ કરવા બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક સચિવ દિનેશ પરમાર વતી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમારે એક વ્યક્તિ દીઠ ૧૫ લાખ એમ કુલ ૩૦ લાખની લાંચની માંગણી કરી હતી જેમાં નિવૃત ડીન ગીરીશ પરમાર રૂપિયા ૧૫ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. આ અંગે એસીબી ગીરીશ પરમારને સાથે રાખીને શાહીબાગ સ્થિત બંગલામાં સર્ચ ઓપરેશન કર્યું હતું. તેમજ બેંક- લોકર અંગે વિગતો એકઠી કરી હતી. બીજી તરફ ફરાર અધિક સચિવ દિનેશ પરમારને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવીને તજવીજ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના આરોગ્ય અને તબીબી સેવામાં ફરજ બજાવતા તત્કાલિન નાયબ નિયામક ડૉ. મનીષ ફેન્સીએ આરોગ્ય વિભાગના સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં તે કર્મચારી દ્વારા નાયબ નિયામક ડૉ. મનીષ અને અન્ય તબીબ સુનિલ પટેલ વિરૂદ્ધ ખંડણીની માંગણીની ફરિયાદ કરતા ડૉ. મનીષ અને ડૉ. સુનિલ પટેલને ફરજ મોકુફી પર ઉતારીને તપાસના આદેશ આપ્યા હતા. આ કેસમાં રિપોર્ટ પર તપાસ અંગે છેલ્લો નિર્ણય ગાંધીનગર આરોગ્ય અને તબીબ સેવાના અધિક સચિવ દિનેશ પરમારને આપવાની સતા હતી.
જે અસારવાની સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન અધિક સચિવ માટે વહીવટ કરતા ગીરીશ પરમારે ડૉ. મનીષનો સંપર્ક કરીને રિપોર્ટ અંગે તેમના તેમજ ડૉ. સનિલ પટેલની તરફેણ કાર્યવાહી કરીને ક્લીનચીટ અપાવવાનું કહીને મીટીંગ કરાવી હતી. જેમાં દિનેશ પરમારે એક વ્યક્તિ દીઠ ૧૫ લાખની એમ કુલ ૩૦ લાખની લાંચ માંગીને ધમકી આપતા ડૉ.મનીષે ૩૦ લાખ રૂપિયા પૈકી ૧૫ લાખ એડવાન્સમાં આપવાની ડીલ કરીને એસીબીમાં ફરિયાદ કરતા ટ્ેપ ગોઠવીને ગીરીશ પરમારને ૧૫ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. જ્યારે દિનેશ પરમાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી ફરાર થઇ ગયા હતા.
આ મામલે એસીબીએ ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને ગુરૂવારે ગીરીશ પરમારના શાહીબાગમાં આવેલી અર્હમ સોસાયટીના બંગલા નંબર ૮માં સર્ચા ઓપરેશન કર્યું હતું. જેમાં કેટલીક ફાઇલો અને હિસોબોની ડાયરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, એસીબીએ તેમના બેંક એકાઉન્ટ અને લોકરની વિગતો પણ એકઠી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ઉપરાંત, તેમના પરિવારજનોના નામે ખરીદવામાં આવેલી મિલકતોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. બીજી તરફ અધિક સચિવ દિનેશ પરમારને ઝડપી લેવા માટે એસીબીએ પોલીસની અલગ અલગ ટીમની મદદ લઇને તપાસ શરૂ કરી છે.