Pet Animal Registration Rules: અમદાવાદ શહેરના આશરે 50,000થી વધુ પેટ્સ એનિમલના રજીસ્ટ્રેશનનો નિયમ 1લી જાન્યુઆરીએથી થવા જઈ રહ્યો છે. જેમાં દરેક પેટ્સ ધારકે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અંતર્ગત પોતાના કુતરાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેમાં રજીસ્ટ્રેશન કરતી વખતે રૂ.200 રજીસ્ટ્રેશન ફી તરીકે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ અમદાવાદ મ્યુનિસિપલને અમદાવાદના પેટ લવર્સ પાસેથી અંદાજિત રૂપિયા એક કરોડની આવક થશે.
પેટ્સનું વેક્સિનેશન નહીં તો કાર્યવાહી થશે
રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલમાં કરવામાં આવી રહી છે. જેમાં આધારકાર્ડ, એડ્રેસ પ્રૂફ, પેટ્સનો ફોટો, પેટ્સના માલિકનો ફોટો અને રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. આ રજીસ્ટ્રેશન અંતર્ગત તમામ ડોગ્સના વેક્સિનેશન ડેટા પણ પોર્ટલ દ્વારા જાણી શકાશે અને જો કોઈએ નિયમિત રીતે તેમના પેટ્સનું વેક્સિનેશન નહીં કરાવ્યું હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં સરળતા રહેશે.
આ અંગે અમદાવાદમાં ડોગ હોસ્ટેલ્સ ધરાવતા અને પેટલ લવર્સ સલોની ગુપ્તેએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આ પ્રકારનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે એ એક સારી વાત છે. મુંબઈમાં આ પ્રકારના રજીસ્ટ્રેશનથી ખૂબ જ સારો માહોલ બન્યો છે. ખાસ તો આમ થવાથી લોકો પ્રાણીઓને પાળીને ત્યજી દે છે તે ઘટશે. બીજું આમ કરવા પાછળનો બીજો હેતું વેક્સિનેશન પણ છે. લોકોમાં પોતાના પેટ્સને વેક્સિનેશન કરાવવાની જાગૃતિ વધશે.
સોસાયટીમાં કોઈ પેટ્સ લાવે ત્યારે સોસાયટીમાં ઘણાં લોકો વિરોધ કરે છે. પરંતુ તમે જ્યારે તમારા પેટ્સને રજીસ્ટર કરાવો છો ત્યારે તેની સ્વીકૃતિ થશે. અમદાવાદની ઘણી સોસાયટીઓમાં એક સાથે 20 કે તેથી વધુ પેટ્સ ધરાવતા રહેવાસીઓ છે તેમને આ પ્રકારના રજીસ્ટ્રેશનથી માન્યતા મળી શકશે. આ ઉપરાંત પેટ્સને બહાર લઈ જવામાં પણ અનુકૂળતા રહેશે.
છતાં હજુ પણ આ પ્રક્રિયામાં ગૂંચવણ છે કે બધાં રજીસ્ટ્રેશન કરાવશે કે કેમ ? જે લોકો રજીસ્ટ્રેશન કરાવ્યા વિના નિયમોનું પાલન નથી કરતાં તેમનું શું ? બીજું અમદાવાદમાં જેટલાં વેટરનરી ડોક્ટર્સ છે તેમને આ નિયમોની કેટલી જાગૃતિ છે તે પણ મહત્ત્વનું છે. ઘણાં પેટ લવર્સને એવી પણ બીક છે કે આ માત્ર પ્રક્રિયા જ ના રહી જાય પરંતુ એક નિયમ બનીને પ્રાણીપ્રેમીઓ ઉપયોગી પોર્ટલ બને.
પેટ ડોગ રજીસ્ટર કરાવવાથી શું ફાયદા થશે
* વેક્સિનેશનની નિયમિતતા વધતાં હડકવા પર નિયંત્રણ આવશે.
* પેટ ડોગને શોધવામાં સરળતા રહેશે.
* રજીસ્ટર ડોગથી બીજા ટ્રાવેલિંગ સરળ બનશે
* પેટને ત્યાગી દેવાના કિસ્સામાં ઘટાડો થશે.
* ડોગ માલિક હકથી તેને સોસાયટીમાં કે નિર્ધારિત જગ્યાએ લઈ જઈ શકશે.
* દરેક પેટ્સની સાચી હેલ્થ હિસ્ટરી જાણી શકાશે.