Ahmedabad Accident: અમદાવાદ શહેરમાં ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શીલજ બ્રિજ પર બાઈક પર જતા યુવકને ડમ્પરે અડફેટે લીધો હતો. જેમાં 24 વર્ષીય ઉમંગ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ઉમંગ પટેલ શનિવારે (12મી અપ્રિલ) રાત્રે બાઈક પર બહેનના ઘરે જતો હતો. આ દરમિયાન શીલજ બોપલ બ્રિજ પર પહોંચતા એક ડમ્પરચાલકે તેને ટક્કર મારી હતી જેના કારણે ઉમંગ રોડ પર પટકાયો હતો. રોડ પર પડવાના કારણે ઉમંગને શરીરને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ પામ્યો હતો. નોંધનીય છે કે, રાહદારીઓએ ડમ્પર ઊભું રખાવી ડમ્પરચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપ્યો હતો. બનાવની જાણ થતા ઉમંગનાં માતા-પિતા પણ સ્થળ પર પહોંચ્યા હતાં.
અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન
ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું. ઘટનાની જાણ થતાં તુરંત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી.