અમદાવાદ,રવિવાર
અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વેપારીઓ અને નાના લારીવાળાઓને પેટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી કરી આપવાનું કહીને એક રૂપિયાના આર્થિક વ્યવહાર કરવાના નામે ૫૦૦થી વધુ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ૧૫ જેટલી બેંકોના એકાઉન્ટમાં તપાસ કરતા આરોપીઓએ ત્રણ કરોડ ઉપરાંતની રકમની આર્થિક વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હજુ અન્ય બેંકોની વિગતો સામે આવતા છેતરપિંડીનો આંક પાંચ કરોડ ઉપરાંતનો થવાની શક્યતા છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ધરાવતી પેટીએમ કંપનીના સાઉન્ડ બોંક્સનું માસિક રૂપિયા ૯૯નું ભાડુ ફ્રી કરી આપવાના નામે આચરવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમે ગુનો નોંધીને બ્રિજેશ પટેલ, ગોંવિંદ ખટીક, રવિ મિસ્ત્રી, ડબુ સુથાર અને પ્રિતમ સુથાર તેમજ રાજ પટેલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીઓની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી કે તે સાઉન્ડ બોક્સ ફ્રી કરી આપવાના નામે પ્રોસેસ કરવાનું કહીને વેપારીને મોબાઇલ ઓનલાઇન એક રૂપિયો ટ્રાન્સફર કરાવતા હતા. બાદમાં પે ટીએમમાં રિક્વેસ્ટ માટેનો ઇમેઇલ કરવાનો છે. તેમ કહીને ક્યુ આર કોડ મેળવતા હતા અને વેપારીના મોબાઇલ ફોનમાં રહેલા નાણાંની ઉચાપત કરતા હતા.
આરોપીઓએ આ મોડ્સ ઓપરેન્ડીથી ૫૦૦થી વધુ વેપારીઓના કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. ત્યારે ચોક્કસ આરોપીઓના બેંક એકાઉન્ટ અંગે વિગતો મેળવીને સાયબર ક્રાઇમે ૧૫ જેટલી બેંકોના એકાઉન્ટના સ્ટેટમેન્ટ મેળવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આરોપીઓએ ત્રણ કરોડથી વધુની રકમના આર્થિક વ્યવહાર કર્યા હતા. જેમાં મુખ્ય આરોપી બ્રિજેશ પટેલના ત્રણ બેક એકાઉન્ટમાં કુલ ૧.૬૧ કરોડના, ગોવિંદ ખટીકના બેંક એકાઉન્ટમાંથી ૯૩ લાખના, રાજ પટેલના એક બેંક એકાઉન્ટમાં ૩૪ લાખ, પ્રિતમના બેંક એકાઉન્ટમાંથી ૧૧ લાખ અને ડબુ સુથારના બેંક એકાઉન્ટમાં ૨૨ લાખના આર્થિક વ્યવહાર થયા હતા.
સાયબર ક્રાઇમના સુત્રોના જણાવ્યા મુજબ હજુ અનેક બેંક એકાઉન્ટની વિગતો આવવાની બાકી છે. જેથી છેતરપિંડીનો આંક પાંચ કરોડને પાર જવાની શક્યતા છે. સાથેસાથે ભોગ બનનારની સંખ્યા પણ વધી શકે છે. આમ, આ કૌભાંડમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી રહી છે.
કરોડોનું કૌભાંડ સામે આવતા પેટીએમની વિજિલન્સ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી
પેટીએમના પૂર્વ કર્મચારીએ આચરેલા સાઉન્ડ બોક્સના કૌભાંડને પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે તાત્કાલિક વેપારીઓ માટે ગાઇડલાઇન પણ ઇસ્યુ કરી છે. જેમાં તેમને ત્યા આવતો વ્યક્તિ કંપનીનો ઓથોરાઇઝ્ડ છે કે નહી? તે ખાસ ચકાસણી કરવી અને ક્યુ આર કોડની માગણી કરે કે અન્ય વિગતો માંગે તો કસ્ટમર કેરમાં કોલ કરવો અથવા શંકાસ્પદ વ્યક્તિ અંગે પે ટીએમ તેમના વિસ્તારના મુખ્ય અધિકારીને જાણ કરવી. આ ઉપરાંત, સાયબર ક્રાઇમે કંપનીની સિક્યોરીટી સિસ્ટમ વધુ અપડેટ કરવાની સુચના આપી છે. જેથી ચોક્કસ પ્રકારના ગુના રોકી શકાય.