પોરબંદર,શનિવાર
પોરબંદરમાં રહેતા એક યુવકને ગુજરાત એટીએસના અધિકારીઓએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ માટે જાસુસી કરવાના ગુનામાં ઝડપીને કાર્યવાહી કરી છે. છેલ્લાં આઠ મહિનાથી આઇએસઆઇના એજન્ટે ફેસબુક પર રિયા નામની ફેસબુક પ્રોફાઇલ તૈયાર કરીને તેનો સંપર્ક કરીને ટ્રેપમાં ફસાવ્યા બાદ વોટ્સએપ દ્વારા યુવક પાસેથી કોસ્ટગાર્ડની તેમજ દરિયા કાંઠે થતી પ્રવૃતિઓની માહિતી મેળવી હતી. જેેના બદલામાં તેને નાણાંકીય મદદ કરવામાં આવી હતી. એટીએસના અધિકારીઓએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત એટીએસના પીએસઆઇ આર આર ગરચરે ને માહિતી મળી હતી કે પોરબંદરના કે કે.નગર વિસ્તારમાં રહેતો પંકજ દિનેશ કોટીયા નામનો યુવક પાકિસ્તાનમાં જાસુસી સંસ્થામાં કેટલીંક સંવેદનશીલ માહિતી પહોંચતી કરે છે. જેના આધારે તેની ધરપકડ કરીને તેના મોબાઇલ ફોનની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે તેને આઠ મહિના પહેલા રિયા નામની યુવતીએ ફેસબુક દ્વારા રીક્વેસ્ટ મોકલી હતી. તેણે મિત્રતા કેળવ્યા બાદ વોટ્સએપ નંબરની આપ-લે થઇ હતી. જેમા ં યુવતીએ તેને ટ્રેપમાં ફસાવીને પોરબંદરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરી, જેટી પર આવતી જતી બોટ અને સુરક્ષા એજન્સીઓ અંગે માહિતી તેમજ ફોટોગ્રાફ્સ અને વિડીયો મોકલ્યા હતા. તેના બદલામાં તેને અત્યાર સુધીમાં ૨૬ હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરાયા હતા. પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે રિયા નામની ફેસબુક આઇડી પાકિસ્તાનથી મેનેજ કરવામાં આવતું હતું. જો કે અગાઉની માફક ભારતીય મોબાઇલ નંબરના વોટ્સએપરનો ઉપયોગ કર્યો હતો.
પંકજ કોટીયાએ એ.ટી.એસ.ની ટીમને એવુ જણાવ્યંુ હતું કે તેનો ધંધો તમાકુ પેકીંગનો છે.અને તે ઉપરાંત છેલ્લા એક વર્ષથી પોરબંદરની જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપમાં વેલ્ડીંગ સહિત અન્ય પરચુરણ મજૂરીકામ માટે હેલ્પર તરીકે કામ કરવા માટે જાય છે. તેથી કોસ્ટગાર્ડની શીપની ઘણી બધી માહિતી તેની પાસે હતી. જેના કારણે તેને ટારગેટ કરીને ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.