અમદાવાદ,સોમવાર,25
નવેમ્બર,2025
અમદાવાદના પોલીટેકનીકથી આઈ.આઈ.એમ.સુધી રુપિયા ૮૬ કરોડથી
વધુના ખર્ચથી ફલાયઓવરબ્રિજ બનાવવાના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની
અરજીની સુનાવણી હાલ ચાલી રહી છે.હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહીતની અરજી
ફલાયઓવરબ્રિજ બનાવવા મામલે નહીં પરંતુ વૃક્ષો નહીં કાપવા અંગે કરવામાં આવી હોવાનુ
રટણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી કરી રહયા છે.હાઈકોર્ટે ફલાયઓવરબ્રિજ મામલે કોઈ સ્ટે આપ્યો નહીં હોવાનુ
કારણ આગળ ધરી બંને સાઈડના સર્વિસ રોડ ઉપર નડતરરુપ ૨૧ જેટલા વૃક્ષ રીટ્રાન્સપ્લાન્ટ
કરવા કામગીરી પણ શરુ કરાવી દેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૮૬.૯૪ કરોડના
ખર્ચથી પોલીટેકનીકથી લઈ આઈ.આઈ.એમ.સુધીના રોડ ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા રણજીત
કન્સ્ટ્રકશનને કોન્ટ્રાકટ આપેલો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ
ફલાયઓવરબ્રિજ બનાવવા આપવામાં આવેલા કોન્ટ્રાકટ સામે પાંચ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ ગુજરાત
હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવેલી છે. અરજદાર તરફથી પાંજરાપોળ
ફલાયઓવરબ્રિજ કોઈ જરુર નહીં હોવાછતાં મ્યુનિ.તંત્ર તરફથી બનાવવા માટે કોન્ટ્રાકટ
આપવામાં આવ્યો હોવાની રજૂઆત અરજીની સુનાવણી સમયે કરવામાં આવેલી છે.હાલ આ મેટર ગુજરાત હાઈકોર્ટમાં સબજયુડીસ છે.આમ છતાં ૧૫
નવેમ્બર-૨૦૨૪ના રોજ એચ.સી.પી.ડીઝાઈન,પ્લાનિંગ
એન્ડ મેનેજમેન્ટ પ્રા.લી.દ્વારા કોન્ટ્રાકટર રણજીત કનસ્ટ્રકશનને પાંજરાપોળ ખાતે
ફોરલેન ફલાયઓવરબ્રિજના સર્વિસ રોડની કામગીરી તાકીદે શરુ કરવા લેખિત સૂચના આપવામાં
આવતા કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
અધિકારીઓને કોન્ટ્રાકટરની ચિંતા છે હાઈકોર્ટની નહીં
મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગના ડેપ્યુટી
ઈજનેર જિજ્ઞેશ શાહના કહેવા મુજબ,
કોન્ટ્રાકટરને માર્ચ-૨૦૨૪માં વર્કઓર્ડર આપવામાં આવ્યો ત્યારથી તેણે મશીનરી
લાવીને મુકી દીધી છે.ગુજરાત હાઈકોર્ટ તરફથી મ્યુનિ.ને ફલાયઓવરબ્રિજ બનાવવા મામલે
હજી સુધી કોઈ સ્ટે આપ્યો જ નથી. ઉપરાંત પી.આઈ.એલ.વૃક્ષોના મામલે થઈ હોવાથી
ફલાયઓવરબ્રિજની બંને તરફના સર્વિસ રોડ ઉપર ૨૧ જેટલા વૃક્ષ રીટ્રાન્સપ્લાન્ટ કરવાની
કામગીરી શરુ કરાવી છે. અન્ય ૫૦ જેટલા વૃક્ષો ફૂટપાથ ઉપર આવેલા હોવાથી તેને રીટ્રાન્સપ્લાન્ટ
કરાવવાની જરુર પડશે નહીં.ફલાયઓવરબ્રિજની કામગીરી ના કરાવીએ તો પણ કોન્ટ્રાકટરને
મશીનરી,તેના
ભાડાના વગેરે પેમેન્ટ કરવા જ પડશે. આ બાબતને ધ્યાનમા રાખી હાલ બંને તરફના સર્વિસ
રોડ ઉપર આવેલી પાણી,ડ્રેનેજની
લાઈનના સર્વે તથા વૃક્ષોના રીટ્રાન્સપ્લાન્ટની કામગીરી શરુ કરાવી છે.