BZ Ponzi scheme scam : ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ. 6000 કરોડના બીઝેડ ગ્રૂપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 34 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં છેલ્લા એક મહિનાથી એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. શુક્રવારે મહેસાણાના દવાડા ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
ચોંકાવનારી વાત એ છે કે તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાન ગયો હતો અને ત્યારબાદ તે બનાસકાંઠા અને મહેસાણા પહોંચ્યો હતો. ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો. એટલું જ નહીં, પોલીસ ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સીમ કાર્ડ ખરીદતો, પરિવાર અને મળતીયા સાથે વાતચીત કરતો હતો. ભૂપેન્દ્ર સિંહ ઝાલા કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઇ રહી છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલાને આશરો આપનાર કિરણ સિંહ અને તેની પ્રેમિકા પી.આઇ.ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કિરણ સિંહના ફાર્મ હાઉસમાં આ કૌભાંડી રોકાયો હતો.
આ પણ વાંચો: BZ કૌભાંડ : રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણ સિંહ ચૌહાણની અટકાયત
ભૂપેન્દ્ર સિંહ ઝાલા એક મહિનાથી ફરાર હતો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં BZ ફાયનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઑફિસો શરુ કરીને રોકાણ પર બમણાં વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભૂપેન્દ્ર સિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેને ટેકનિકલ સર્વેઇલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરાતાં હવે આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
શરણ આપનારા કિરણ સિંહની અટકાયત
ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્ર સિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મહા કૌભાંડી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને શરણ આપનાર કિરણ સિંહ ચૌહાણની CID ક્રાઇમે અટકાયત કરી છે. કિરણ સિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણ સિંહે ભૂપેન્દ્ર સિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી તપાસ આદરી છે.
ભૂપેન્દ્ર સિંહને શરણ આપી છૂપાવવામાં મદદ કરનાર કિરણ સિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણ સિંહની અટકાયત કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર સિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર સિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.