(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
મજૂર મહાજનને શ્રમિકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરવાના ઇરાદાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાડેથી આપવામાં આવેલી ચાર દુકાનો વેચી રૃા. ૭૪ લાખમાં વેચી દીધી હોવાની ફરિયાદ થતાં ગુજરાત હાઉસિંગ બોર્ડે મજૂર મહાજનને બેથી ત્રણ નોટિસ આપ્યા બાદ બે દિવસ પહેલા ચારેય દુકાનોને સીલ લગાવી દીધું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ આ હકીકતને સ્વીકારીને કાર્યવાહી કરી હોવાની હકીકતને સમર્થન આપ્યું છે.
મજૂરોના કલ્યાણ માટે આપેલી મિલકતનો ખાનગી લેવાલ સાથે રૃા. ૭૪લાખમાં સોદો થયાંની વાત આવતા ફરિયાદ થઈ
ગુજરાત હાઉસિંગ બોર્ડે મજૂર મહાજન સંઘને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હરદાાસ નગરની હાઉસિંગ બોર્ડની કોલોનીમાં બોલ્ક નંજર ૪માં ૨૮, ૨૯ અને ૩૦ નંબરની ત્રણ દુકાનો ધર્મેન્દ્ર પ્રજાપતિને ભાડે આપી હતી. તેના અનુસંધાનમાં રચનાત્મક પ્રવૃત્તિમાં ડોનેશન પેટે રૃા. ૪૦ લાખનો ચેક આપવાની ધર્મેન્દ્ર પ્રજાપતિએ પોલીસને આપેલી ફરિયાદમાં સ્વીકાર્યું હતું. મજૂર મહાજનમાં ચાલતી વાતો મુજબ આ દુકાનોનો રૃા. ૭૪ લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. તેના ભાગરૃપે રૃા. ૪૦ લાખનો ચેક આપવા ધર્મેન્દ્ર તૈયાર થયો હતો. બાકીની રકમ જગ્યા તેને નામે ચઢી જાય તે પછી આપવાની મંજૂરી આપી હતી. ધર્મેન્દ્ર પ્રજાપતિએ ૨૪મી માર્ચ ૨૦૨૪ના કરેલી રજૂઆતમાં ઉપર મુજબ કબૂલાત કરી છે.
આ હકીકતની ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરવામાં આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે મજૂર મહાજન સંઘને નોટિસ આપી હતી. પહેલી નોટિસ ૮મી નવેમ્બર ૨૦૨૪ના અને આખરી નોટિસ ૫મી ડિસમ્બર ૨૦૨૪ના આપી હતી. પરંતુ મજૂર મહાજન સંઘે હાઉસિંગ બોર્ડની નોટિસનો જવાબ જ ન આપતા હાઉસિંગ બોર્ડે ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના દિવસો ત્રણેય દુકાનોને સીલ લગાવી દીધા હતા. હાઉસિંગ બોર્ડની નોટિસમાં જણાવવામાં આવ્યું છેકે હરિદાસ નગરના હાઉસિંગ બોર્ડની કોલોનીની દુકાન નંબર ૨૮, ૨૯ અને ૩૦નો કબજો અનધિકૃત ત્રાહિત વ્યક્તિ ધરાવે છે તેમ માનીને દુકાનોને સીલ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક કબજો પરત લેવામાં આવશે. ચેતવણી આપતી આ નોટિસ પછીય મજૂર મહાજન સંઘે કોઈ જ વળતી કાર્યવાહી ન કરતાં ત્રણેય દુકાનોને ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના દિને સીલ કરી દીધી હતી.
મજૂર મહાજન સંઘના પ્રમુખ રમણ પટેલે આ સંદર્ભમાં ફોન પર વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે દુકાન વેચી નથી અનેઅમે માત્ર મિલકત પર ચઢી ગયેલી ટેક્સની રકમનો બોજો ઓછો કરવા માટે ધર્મેન્દ્ર પ્રજાપતિને આ દુકાન આપી હતી.
બીજીતરફ મજૂર મહાજનના સભ્યોને કચેરીના કર્તાહર્તાઓ એમ જણાવી રહ્યા છે કે અમે ગમે તેમ કરીને આ મિલકતોને ગુજરાત હાઉસિંગ બોર્ડના હાથમાંથી છોડાવી લઈશું.તેને માટે રૃા. ૨૫લાખનો ખર્ચ કરવો પડે તો તેપણ કરવા અમે તૈયાર છીએ. આ વાત થતી હોવાથી હાઉસિંગ બોર્ડના અધિકારીએ જ તેને સીલ કરી હોવાની તસવીર પાઠવી આપી હતી.