અમદાવાદ,સોમવાર
નારણપુરામાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્ગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ હોવાથી ગુનો નોંધાયો હોવાનું કહીને યુવકને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ તેના બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં અને યુવકના નામે પર્સનલ લોન લઇને છેતરપિંડી આચરી હતી. આ કેસનો ભેદ ઉકેલીને નારણપુરા પોલીસે આંતરરાજ્ય ગેંગના ૧૨ શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ચાઇનીઝ ગેંગના માટે છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડતા હતા. શહેરના નારણપુરામાં રહેતા એક યુવકના નામે ફેેડેક્સ કુરિયરના નામે કોલ કરીને પાર્સલમાં પાસપોર્ટ, ડ્રગ્સ અને અન્ય વાંધાજનક ચીજવસ્તુઓ આવી હોવાખી કેસ થયાનું કહીને તેના વિરૂદ્ધ ગુનો નોંધાયાનું કહીને તેને સીબીઆઇના અધિકારીએ સાથે વિડીયો કોલથી સ્ટેટમેન્ટ લખાવવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ તેના બેંક એકાઉન્ટમાં રહેલા તમામ નાણાં અને બેંક એકાઉન્ટમાં લોગઇન કરીને યુવકના નામે લોન લઇને કુલ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
આ ઘટના અંગે નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે ચાવડાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેતરપિંડીના નાણાં અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરીને વિદેશમાં મોકલવામાં આવ્યા હતા. જેથી ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે શંકરલાલ ચૌધરી (રહે.બાલોતરા, રાજસ્થાન) સહિત કુલ ૧૨ યુવકોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શંકરલાલ ચૌધરી ચાઇનીઝ ગેંગ માટે ગુજરાતમાં કામ કરતો હતો. જેમાં તે બાલોતરા જિલ્લામાં રહેતા લોકોને કમિશન આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને તેનો આઇડી અને પાસવર્ડ ચીનમાં રહેલા લોકોને મોકલી આપતો હતો. જેના આધારે છેતરપિંડીના નાણાં ભારતના સ્થાનિક બેંક એકાઉન્ટની મદદથી ચીનમાં લઇ જવામાં આવતા હતા. આ અંગે નારણપુરા પોલીસે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.