અમદાવાદ,ગુરૂવાર
સુભાષબ્રીજ પાસે આવેલી આરટીઓ કચેરીની બહાર એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે લાયસન્સ અપાવવાનો વિડીયો વાયરલ થયા બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે ગાંધીનગર વાહન વ્યવહાર કચેરીના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઇને અમદાવાદ આરટીઓના કચેરીના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. તેમજ એજન્ટો વિરૂદ્ધ ગુનો રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ સુચના આપી છે .
અમદાવાદ આરટીઓ કચેરીની બહાર અડીંગો જમાવીને બેઠેલા એજન્ટો દ્વારા માત્ર ૧૭,૫૦૦ રૂપિયામાં કોઇપણ ડ્રાઇવીંગ ટેસ્ટ વિના ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં અને સાડા સાત હજારમાં પાકુ લાયસન્સ અપાવવાની ખાતરી આપતો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ત્યારે આ બાબતે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઇને અમદાવાદ આરટીઓના અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી છે કે એજન્ટો દ્વારા ઓફિસની નજીકમાં આ નેટવર્ક કઇ રીતે ચલાવવામાં આવતુ હતું? અને આ બાબતે તેમને જાણ કેમ નહોતી?
આ સાથે વિડીયોમાં દેખાતા એજન્ટો વિરૂદ્ધ રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ એજન્ટોનું નેટવર્ક આરટીઓના સ્થાનિક અધિકારીઓ વિના સેટ કરવું અઘરૂ છે. જેથી ંશંકાસ્પદ કર્મચારીઓ વિરૂદ્ધ પણ તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.