Protest Against Traders In Ahmedabad: અમદાવાદના કાલુપુરના ટંકશાળ વિસ્તારમાં ધમધમતી કટલરી સહિતની દુકાનોના વેપારીઓ કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા છે. કંટાળી ગયેલા વેપારીઓએ મંગળવારે રસ્તા પર ઉતરી આવીને રેલી યોજીને ‘બંધ કરો ભાઈ, બંધ કરો… ગુંડાગીરી બંધ કરાવો…’ જેવા સૂત્રોચ્ચાર પોકારી પોલીસની આંખો ખોલવા પ્રયાસ કર્યો હતો. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,’લુખ્ખા તત્ત્વો ગમે ત્યારે દુકાનોમાં ઘૂસી આવીને દારૂ પીવા માટે રૂ.500થી 1000 રૂપિયા સુધીની રકમ પડાવી જાય છે. આ વિસ્તારમાં જાણે કે કાયદો-વ્યવસ્થા અસ્તિત્વમાં જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.’
અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ભય નથી!
અમદાવાદના ટંકશાળ વિસ્તારમાં જહાંપનાની પોળ સ્થિત મોહિત જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસીને આઠ જેટલા શખ્સોએ સોમવારે રાત્રે પૈસા માંગી ધમાલ મચાવી હતી. આ ઘટનાના પગલે રોષે ભરાયેલા વેપારીઓએ મંગળવારે બોડીવાલા કૉલેજથી પોલીસ મથક સુધી રેલી યોજી હતી. આશરે અઢીસોથી ત્રણસો જેટલા વેપારીઓએ રેલીમાં જોડાઈને સૂત્રોચ્ચાર પોકારી પોતાની વેદના વ્યક્ત કરી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર મવાલી તત્ત્વો વારંવાર દુકાનોમાં ઘૂસીને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવી જાય છે. વેપારીઓને દરરોજ ધંધો કરવો હોવાથી સંઘર્ષમાં ઉતરવાનું ટાળી રહ્યા છે.
અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ભય ન હોય તેમ ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા ફરે છે. હવે ધીમે ધીમે સ્થિતિ વધુ બગડી રહી છે. જેના પગલે આખરે વેપારીઓએ રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ મામલાની ગંભીરતા સમજીને વેપારીઓને ત્રાસમાંથી મુક્ત કરાવે તેવી માંગ કરવામાં આવી છે.
આરોપીઓ સામે પાસાની કાર્યવાહી થશે: ડીસીપી
સમગ્ર ઘટના અને વેપારીઓની રજૂઆત મામલે ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, ‘આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાશે. તેની સામે ભૂતકાળમાં નોંધાયેલા ગુનાઓની વિગતો તપાસવામાં આવી રહી છે. વેપારીઓ પણ ડર્યા વગર અન્યાય સામે અવાજ ઊઠાવે, જરૂર પડે પોલીસના ઉચ્ચ અધિકારીઓને સીધી રજૂઆત કરવી જોઈએ.’
આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં સરેઆમ યુવાનની ઘાતકી હત્યા, સામાન્ય તકરારમાં 4 ઇસમ તૂટી પડ્યા
જાહેર રસ્તા પર રાત્રે બાર જેવો માહોલ હોય છે!
ટંકશાળ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ભય ન હોય તેવી રીતે રાત્રે જાહેરમાં બાર જેવો માહોલ હોય છે. ખુલ્લેઆમ દારૂ પીવાય છે. દારૂની બોટલોની હેરાફેરી થાય છે. વેપારીઓ પાસેથી બેખૌફ બનીને લુખ્ખાઓ પૈસા પડાવી જાય છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
વેપારીઓને ન્યાય નહીં મળે તો આંદોલન
અમદાવાદ કટલરી ઍન્ડ જનરલ મર્ચન્ટ ઍસોસિયેશને આ મામલે કાલુપુર પીઆઇને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ‘અસામાજિક તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને વેપારીઓને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કમિશ્નર સુધી રજૂઆત કરાશે. તેમજ જરૂર પડે આંદોલન છેડવાની ચીમકી પણ આપવામાં આવી છે.’
દુકાનોમાં જઈ ગાળા-ગાળી કરી ધમકી આપનાર આઠ શખ્સો સામે ગુનો દાખલ
કાલુપુર ટંકશાળ વિસ્તારમાં જહાંપનાની પોળ ખાતે આવેલી મોહિત જ્વેલર્સ અને ફ્લાવર કાર્ટ સહિતની દુકાનોમાં જઈને પૈસા માંગીને ધમકી આપનાર આઠ શખ્સો સામે કાલુપુર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. મોહિત જ્વેલર્સના વેપારી મહેશ લીલાધર દક્ષિણીએ કાલુપુર પોલીસ મથકમાં જહાંપનાની પોળ વિસ્તારમાં જ રહેતા સ્વાગત રાજેશ રાવળ, હિતેષ રાવળ ઉર્ફે રિન્કુ, દિપાલ રાવળ, કેતન વિનોદભાઈ અને ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે,
સોમવારે (27મી જાન્યુઆરી) રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં આ શખ્સોએ તેમની તથા આસપાસની અન્ય દુકાનોમાં આવીને ‘પાર્ટી કરવા માટે પૈસા આપો, નહીં આપો તો ધંધો નહીં કરવા દઉં’ તેમ કહીને ગાળા-ગાળી કરીને ધમકી આપી હતી. આ શખ્સોએ જયેશભાઈ ઠક્કરની દર્શન ટ્રેડર્સ નામની દુકાનના કાચ પર જોરથી હાથ પછાડી તને જોઈ લઈશ, તેમ કહીંને ધમકી આપી હતી. પોલીસે આ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.