Ahmedabad Fraud Case : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ઓએનજીસીના નિવૃત મેનેજરને શેર બજારમાં રોકાણની સામે ઉંચુ વળતર આપવાની લાલચ આપીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે છેતરપિંડીનો ભોગ બનનાર છેલ્લાં 44 વર્ષથી શેરબજારમાં નિયમિત રોકાણ કરવાની સાથે ઓનલાઇન છેતરપિંડીના કૌભાંડની માહિતી જાણતા હોવા છતાંય, આબાદ શિકાર બન્યા હતા.
રોકાણ કરવા માટેની એપ્લીકેશનમાં દર્શાવવામાં આવતો નફો આપવાના બદલામાં ગઠિયાઓએ માર્જીન મની માંગ્યા : સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો
શહેરના ચાંદખેડામાં આવેલા દેવ ડિઝાયર એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષીય હરીશ ઝા ઓએનજીસીમાંથી મેનેજર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત જીવન પસાર કરે છે. જુન ૨૦૨૪માં તે યુ-ટયુબ પર એક વિડીયો જોતા હતા ત્યારે શેરબજારમાં રોકાણની સામે સારા વળતરની ઓફર કરતી એક જાહેરાત જોઇ હતી. હરીશભાઇ છેલ્લાં 44 વર્ષથી શેરબજારમાં શેરબજારમાં ટ્રેડીંગ કરતા હોવાથી તેમણે જાહેરાત પર ક્લીક કરતા તેમને વોટ્સએપના એક ગ્રુપમાં એડ કરાયા હતા. જ્યાં તેમને શેરબજારમાં રોકાણની ટીપ્સ મળતી હતી અને તેમણે એકાઉન્ટમાં લોગઇન કરાવીને અલગ અલગ આઇપીઓમાં 15 જુનથી 26 જુલાઇના સમયગાળા દરમિયાન કુલ 1.51 કરોડની રકમનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને કરોડોનો નફો જોવા મળતો હતો. ત્યારબાદ તેમણે વધુ રોકાણ કરવા માટે તેમના નફામાંથી નાણાં ઉપાડવા માટે કહેતા તેમને નફો ઉપાડવા માટે માર્જીન મની જમા કરવાનું કહેતા હરેશભાઇને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે.