Road Accident Ripal Panchal : આજે સોમવારે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલીંગ સાથે અથડાતાં રોકાઇ ગઇ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. જોકે પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી કારચાલકનું નામ રીપલ પંચાલ છે. અને કાર શેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે નોંધાયેલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેની કરમ કુંડળીનો પર્દાફાશ થયો છે. આરોપી પહેલાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે.
અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ
અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ એસીપી ડી.એસ. પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી રીપલ પંચાલનું લાઇસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હાલ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેણે આલ્કોહોલ કે અન્ય કોઇ પ્રકારના નશાનું સેવન કર્યું હતું. આરોપી રીપલ પંચાલ અગાઉ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે, અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ છે.
બે મહિના પહેલાં નોંધાયો હતો ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો કેસ
રીપલ પંચાલ પહેલાંથી જ નશાનો આદી રહ્યો છે. ગત 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે લાલ કલરની જીપ કમ્પાસ GJ-18-BJ-6780 નંબરની ગાડી સર્પાકાર રીતે હંકારતાં જોઇ હતી. જેથી પોલીસે તેને ઉભી રાખી રાખી પૂછપરછ કરતાં તેના મોંંઢામાંથી કેફી પીણાની તિવ્ર વાસ આવતી હતી. તે સ્થિર ઉભો પણ રહી શકતો ન હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ રીપલ મહેશભાઇ પંચાલ (ઉ.વ.42 ) હોવાનું જણાવ્યું હતું. અને પોતાનું સરનામું A/35 તુલીપ બંગ્લોઝ વિભાગ-01 સુરધારા સર્કલ પાસે થલતેજ હોવાની માહિતી આપી હતી. પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી તો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66 (1) બી અને એમ.વી. એક્ટની કલમ 185 અંતગર્ત ફરિયાદ દાખલ કરાઈ હતી.
બેશરમ રીપલ પંચાલને અકસ્માતનો નથી અફસોસ
બોપલ-આંબલી વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રીપલ પંચાલને પોલીસ સ્ટેશન લઈ જવાયો છતાં તેનો નશો ઉતર્યો નહોતો. મીડિયા દ્વારા ઘટના અંગે સવાલ કરવામાં આવતાં તેણે રોફ જમાવતાં જણાવ્યું હતું કે ‘મારો વકીલ જવાબ આપશે’. તેને વારંવાર સવાલ કરવામાં આવ્યા હતા કે તમને ખબર છે કે તમે અકસ્માત સર્જ્યો છે? તમે નશામાં છો? તેણે માથું હલાવીને ના પાડી હતી અને કહ્યું હતું કે ‘હું નોર્મલ છું’. તેને પૂછવામાં આવ્યું હતું કે અકસ્માત સર્જ્યો છે તેનો તેને અફસોસ છે? તો તેણે ખૂબ જ નફ્ફટાઇપૂર્વક જણાવ્યું હતું કે ‘મને જરા પણ અફસોસ નથી’.