Bopal Hit And Run Case: આજે વહેલી સવારે અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરુ કરી દીધી છે. તેના બ્લડના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ અંગે રીપલ પંચાલની પત્નીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
‘દવાના ડોઝના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે’
બીજી તરફ અકસ્માત સર્જનાર રીપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે કે, ‘હું સવારે મહુડી દર્શન કરવા ગઈ હતી. રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા એક દોઢ વર્ષથી રીપલની સારવાર પણ ચાલી રહી છે. કદાચ તેણે સવારે દવા લીધી હશે તેની એકદમ અસર થઈ હશે તેના કારણે આ ઘટના સર્જાઈ હોવાનું મને લાગી રહ્યું છે. જેમને ઈજા પહોંચી છે તેઓ ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.’
આ અંગે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે, ‘રાત્રે અમે ડિનર કરવા ગયા હતા. ત્યારબાદ હું મારી દીકરીને લઈને ઘરે આવી ગઈ હતી અને રીપલ કોફી પીવા ગયો હતો અને પછી ઘરે આવીને સૂઈ ગયો. ત્યારબાદ વહેલી સવારે નીકળ્યા બાદ આ ઘટના સર્જાઈ છે.’
ઉલ્લેખનીય છે કે રીપલની પત્નીએ એ પણ સ્વીકાર્યું છે કે ‘રીપલ દારૂનું સેવન કરે છે. પરંતુ જ્યારે આ ઘટના સર્જાઈ હતી ત્યારે તેણે નશો ન કર્યો હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેના મોંઢામાંથી કોઈ વાસ આવતી ન હતી.’
આ પણ વાંચો: નશેડી રીપલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાની કુટેવ ધરાવે છે, પોલીસ તપાસમાં ખુલી કુંડળી
બેશરમ આરોપી રીપલ પંચાલને અકસ્માતનો નથી અફસોસ
બોપલ-આંબલી વિસ્તારમાં અકસ્માત સર્જનાર આરોપી રીપલ પંચાલ હજુ પણ નશામાં ધૂત જોવા મળ્યો હતો. મીડિયા દ્વારા ઘટના અંગે સવાલ કરવામાં આવતાં તેણે રૌફ જમાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘મારો વકીલ જવાબ આપશે.’
આ દરમિયાન તેને વારંવાર સવાલ કરાયા હતા કે ‘તમને ખબર છે કે તમે અકસ્માત સર્જ્યો છે? તમે નશામાં છો?’ તો તેણે તેણે માથું હલાવીને ના પાડી હતી અને કહ્યું હતું કે ‘હું નોર્મલ છું.’
એટલું જ નહીં, તેને પૂછવામાં આવ્યું હતું કે ‘તમે અકસ્માત સર્જ્યો છે, તેનો તમને અફસોસ છે?’ તો તેણે ખૂબ જ નફ્ફટાઈપૂર્વક જણાવ્યું હતું કે ‘મને જરા પણ અફસોસ નથી.’
રીપલ પંચાલનું લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરાશે
અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ ACP ડી. એસ. પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ‘આરોપી રીપલ પંચાલનું લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હાલ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેણે આલ્કોહોલ કે અન્ય કોઈ પ્રકારના નશાનું સેવન કર્યું હતું. આરોપી રીપલ પંચાલ અગાઉ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ચૂક્યો છે, અગાઉ કરેલા અકસ્માતોની તપાસ ચાલુ છે.’
બે મહિના પહેલાં જ નોંધાયો હતો ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો કેસ
રીપલ પંચાલ પહેલાંથી જ નશાની કુટેવ ધરાવે છે. 16 નવેમ્બર 2024ના રોજ સાંજના 6:30 વાગે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે લાલ કલરની જીપ કમ્પાસ GJ-18-BJ-6780 નંબરની ગાડી સર્પાકાર રીતે હંકારાતાં જોઈ હતી. જેથી પોલીસે તેને ઊભી રાખી પૂછપરછ કરતાં તેના મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી. તે સ્થિર ઊભો પણ રહી શકતો ન હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ રીપલ મહેશભાઈ પંચાલ (ઉ.વ.42 ) મ. નં-એ/35 તુલીપ બંગ્લોઝ વિભાગ-01 સુરધારા સર્કલ પાસે થલતેજ હોવાનું જણાવ્યું હતું.’
આ દરમિયાન પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી હતી, જે રીપલે નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન ઍક્ટ કલમ 66 (1) બી અને એમ.વી. ઍક્ટ કલમ 185 અંતગર્ત ફરિયાદ દાખલ કરી હતી.