અમદાવાદ,શનિવાર
સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં માર્બલનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ મહિલા સાથે મિત્રતા કેળવીને મરજી વિરૂદ્ધ શારિરીક સબંધ બાંધીને ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. પરંતુ, હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં મેેડીકલ ચેકઅપના આધારે તબીબે રિપોર્ટ કર્યો હોવા છતાંય, પોલીસે રાજકીય દબાણમાં આવીને મહિલાની ફરિયાદ નહી નોંધીને તેને આખો દિવસ ધક્કે ચઢાવી હતી. આમ, મહિલાઓની સુરક્ષાની વાતો કરતી પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે અમદાવાદમાં રહેતી એક ૨૮ વર્ષીય મહિલા ટાઇલ્સની ખરીદી કરવા માટે હિંમતનગર સ્ટાર સીટી સિનેમા પાસે આવેલા સપના માર્બલમાં ગઇ હતી. ત્યારે તેનો પરિચય સપના માર્બલના માલિક રામનિવાસ કાબરા સાથે થયો હતો. ત્યારબાદ તેણે મહિલા સાથે મિત્રતા તેમજ પારિવારિક સંબધ કેળવ્યો હતો અને તે અમદાવાદ આવતો ત્યારે મહિલાનો સંપર્ક કરતો હતો. ગત ૨૧મી નવેમ્બરે મહિલા રામનિવાસ કાબરાને મળવા માટે ગઇ હતી. જ્યાં તેની ઓફિસમાં તેણે જમવાનું મંગાવ્યું હતુ અને બાદમાં રામનિવાસે તેને કારમાં ડઇવ માટે જવાનું કહ્યું હતું. બંને વચ્ચે મિત્રતા હોવાથી મહિલા તેની સાથે કારમાં ગઇ હતી અને જ્યાંથી તે હાઇવે પર આવેલી ઋષભ હોટલમાં લઇ ગયો હતો. જ્યા મહિલા તેની સાથે જવાની ના કહેતા તેણે થોડીવાર બેસવાની વાત કરી હતી. પરંતુ, હોટલના રૂમમાં રામનિવાસે મહિલા સાથે શારિરીક સંબધ બાંધવાની વાત કરી હતી. જો કે મહિલાએ તેને ના કહીને બહાર જવાનું કહેતા રામનિવાસે તેની સાથે બળજબરી કરીને સંબધ બાંધીને મહિલા મોતીપુરા બસ સ્ટેશન પર ઉતારી દીધી હતી. એટલુ જ રામનિવાસે મહિલાને ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મહિલાનું ગાયનેક તબીબ દ્વારા મેડીકલ ચેકઅપ પણ થયું હતું અને તબીબે રિપોર્ટના આધારે પોલીસને પત્ર લખ્યો હતો. ઋષભ હોટલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ, સ્થાનિક પોલીસે આ વાતની જાણ રામનિવાસ કાબરાને કરી દીધી હતી. જેથી તેણે ભાજપના સ્થાનિક નેતાઓની મદદ લઇને પ્રાંતિજ પોલીસ પર દબાણ લાવીને તેના વિરૂદ્ધ ગુનો ન નોંધાઇ તેવી રજૂઆત કરી હતી. ત્યારબાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પોલીસ મથકે ફરિયાદ લખાવવા માટે આવેલી મહિલાની રજૂઆત સાંભળવાને બદલે આખો દિવસ ટલ્લે ચઢાવી હતી અને મોડી સાંજ સુધી બેસાડી રાખ્યા બાદ પણ ફરિયાદ નોંધી નહોતી. આમ, મહિલા સુરક્ષાની વાત કરતી પોલીસે રાજકીય દબાણમાં આવીને રામનિવાસ કાબરા સામે કાર્યવાહી કરી નહોતી. જે અનુસંધાનમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે.