Rajkot News | હાલ અમદાવાદ ખાતે રહેતી શિક્ષિકા પર રાજકોટનાં કાલાવડ રોડ જેવા પોશ એરીયામાં રહેતા તેના જેઠે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
ભોગ બનનાર શિક્ષિકાએ પોલીસને જણાવ્યું કે, 2011માં રાજકોટમાં રહેતા યુવાન સાથે તેના લગ્ન થયા હતાં. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસો પછીથી જ જેઠે તેને ખરાબ નજરથી જોવાનું શરૂ કર્યું હતું. રસોડામાં કામ કરતી હોય અને ઘરે કોઈ હાજર ન હોય ત્યારે જેઠ ત્યાં આવી અડપલા કરતો અને બળજબરી કરવાનો કોશીષ કરતો હતો.
જેથી સાસુને વાત કરતાં તેણે તેનો જ વાક છે તેમ કહી દીધું હતું. તેના નવા લગ્ન થયા હોવાથી ડરી ગઈ હતી. જેથી પતિને જાણ કરી ન હતી. પતિની ખરાબ આદતોને કારણે સાસરીયા તેને સંભળાવતા હતાં.
લગ્નના પાંચેક માસ બાદ તે પ્રેગ્નન્ટ થઈ હતી. 2013માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રનાં જન્મ બાદ જેઠ કોઈ કામ કરતી હોય ત્યારે તેની સાથે અડપલા કરતો હતો. તેનો પુત્ર નવ મહિનાનો થયા બાદ 2013માં મકાન બદલાવી નાખ્યું હતું. ત્યાં પણ તેનો જેઠ કોઈને કોઈ બહાને તે એકલી હોય ત્યારે આવી બળજબરી પુર્વક શારીરીક સબંધ બાંધતો હતો. એટલું જ નહીં આ બાબતની જાણ જો કોઈને કરીશ તો તમને ત્રણેયને હું ક્યાંયનાં નહી રહેવા દઉ એમ કહી ધમકી આપતો હતો.
તેના પતિ કોઈ ખાસ કામ ધંધો કરતો ન હોવાથી અને પુત્ર પણ નાનો હોવાથી તેને કોઈ નુકશાન ન પહોંચે તેવું વિચારી જેઠની તમામ માંગણી મુંગા મોઢે સહન કરી હતી.
પતિ અને બાળક ઘરે ન હોય ત્યારે જેઠ આવી બળજબરીથી શારીરીક સંબંધ બાંધતો હતો. તેણે અનેક વાર વિરોધ કર્યો હતો. પરંતુ જેઠ કોઈનું માનતો ન હતો. આખરે ચારેક વર્ષ પહેલા તે પતી સાથે અમદાવાદ રહેવા જતી રહી હતી, તો ત્યાં પણ જેઠ કોઈ પણ બહાને ઘરે આવી તેની સાથે અડપલા કરતો હતો.
ગત દિવાળીનાં વેકેશનમાં તે રાજકોટ આવી હતી. તે વખતે પણ જેઠે છેડતી કરી હતી. આખરે તેણે હિંમત કરીને જેઠનો વિરોધ કરતાં તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસ બોલાવી અને તે પૈસાની ખોટી માંગણી કરી ઝઘડો કરે છે, તેવો આક્ષેપ કર્યો હતો. જેને કારણે તેણે આખરે હિંમત કરી પતિને સાચી હકીકતની જાણ કર્યા બાદ પતિ સાથે પોલીસ મથકે આવી જેઠ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.