આણંદ નગરપાલિકાની ટીમ પંદર દિવસ અગાઉ વિદ્યાનગર રોડ ઉપર દબાણ હટાવવા માટે ગઈ હતી, તે વખતે પાલિકાના એક કર્મચારી ઉપર પટ્ટા વડે હુમલો કરી બે શખ્સો ભાગી ગયાં હતાં. આ બંને શખ્સોએ પંદર દિવસ બાદ કોર્ટમાં સરેન્ડર કરતાં, પોલીસે બંનેની અટકાયત કરી, આગળની કાર્યવાહી
.
આણંદ નગરપાલિકાની ટીમ ગત તારીખ 28-11-24 ના રોજ સાંજના સમયે જે.સી.બી મશીન, ટ્રેક્ટરો સાથે વિદ્યાનગર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે નીકળી હતી અને ઈન્ડીયન ઓઈલ પેટ્રોલપંપ આગળ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી-ગલ્લા તેમજ કેબિનો રૂપી દબાણો હટાવીને ટ્રેક્ટરોમાં ભરવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝખાન પઠાણ નામના શખ્સે પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલ સાથે બોલાચાલી કરી હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર બની હતી. દરમિયાન રોષે ભરાયેલા ફૈઝાન પઠાણે પટ્ટા વડે હુમલો કરી, પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલને ઈજા પહોંચાડી હતી. બીજી બાજુ આ ફૈયાઝ ઉર્ફે ડેનીનું ઉપરાણુ લઈ તેનો મિત્ર આદીલ વોહરા (રહે. આણંદ) આવી ગયો હતો અને તેણે પણ પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલને ગડદાપાટુનો મારમાર્યો હતો. આ અંગેની જાણ થતાં આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલ તુરંત જ સ્થળ પર પહોંચ્યા હતાં. તે વખતે આ ફૈયાઝ ઉર્ફે ડેની અને આદીલ વોહરાએ ચીફ ઓફિસરને પણ ધક્કા મારી, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.
આ અંગે પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલની ફરીયાદને આધારે આણંદ ટાઉન પોલીસે ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝખાન પઠાણ અને આદીલ વોહરા વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 121(1), 132, 221, 224, 352, 54 મુજબનો ગુનો નોંધ્યો હતો અને બંનેને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં. પરંતુ, આ બંને શખ્સો પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં. જોકે, 15 દિવસ બાદ આ બંને શખ્સોએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જેથી પોલીસે આ બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.