મહુધાના નાની ખડોલ ગામ પાસે
2018માં નાની ખડોલ ગામના બાઈક ચાલકને અડફેટે લેતા ઈજા પહોંચી હતી
નડિયાદ: મહુધાના નાની ખડોલ ગામ પાસે વર્ષ ૨૦૧૮માં કારની ટક્કરે બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. આ કેસમાં મહુધા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે કાર ચાલકને 10 મહિનાની કેદ અને રૂ.૨,૫૦૦નો દંડ ફટકાર્યો છે.
નાની ખડોલ ગામે રહેતા શૈલેષભાઈ ચંદુભાઈ પટેલ તા. ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે સરકારી દવાખાના આગળ કાર ચાલકે બાઈકને ટક્કર મારતા શૈલેષભાઈને ઈજા પહોંચી હતી. આ અંગે મહુધા પોલીસે કાર ચાલક સાજીદ ઉર્ફે લાલો રહેમાનભાઈ મલેક (રહે. ખૂંટજ) સામે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તાજેતરમાં આ કેસ મહુધા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં ન્યાયાધીશ એમ.બી. પરમારે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ અને વકીલની દલીલોને ધ્યાને લઈ શખ્સને તકસીરવાન ઠેરવ્યો હતો. તેમજ ત્રણ ગુનામાં કુલ ૧૦ મહિનાની સજા અને રૂ.૨,૫૦૦નો દંડનો હુકમ કર્યો હતો.