Vadodara Vishwamitri River : વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પુરે તારાજી સર્જ્યા બાદ વડોદરાવાસીઓનો રોષ જોતા સફાળું જાગેલ વહીવટી તંત્ર હાલ વિશ્વામિત્રી નદીને ઊંડી તથા પહોળી કરવા યુદ્ધના ધોરણે કામે વળગ્યું છે. તો, બીજીતરફ કોર્પોરેશનના શાસકો વર્ષોથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટની વાતો કરે છે, પરંતુ દૂષિત વિશ્વામિત્રી નદીને શુદ્ધ પણ કરી શક્યા નથી.
શહેરના મધ્યેથી સર્પાકારે પસારથતી વિશ્વામિત્રી નદી શહેરમાં પ્રવેશતાની સાથે જ પ્રદુષિત બને છે. કોર્પોરેશન તથા નદીની આસપાસની વસાહતો દ્વારા ગટરના પાણી સીધા નદીમાં ઠાલવવામાં આવી રહ્યા છે. અને તેના લીધે નદી મચ્છરો અને ગંદકી પેદા કરતું મોટું કેન્દ્ર બની ગઈ છે. વિશ્વામિત્રીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા માછલી ,મગર અને અન્ય જળચર સંપત્તિને પણ મોટો ફટકો પડ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી ઠાલવવાનું બંધ કરવા નોટિસો પાઠવતું આવી રહ્યું છે. વડોદરા ભારતનું એકમાત્ર શહેર છે જ્યાં શહેરના મધ્યમાંથી પસાર થતી નદીમાં 400થી વધુ મગરો વસવાટ કરે છે. નદીમાં છોડવામાં આવતા દૂષિત ગટરના પાણી ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે? કરોડો રૂપિયા કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 428 MLD સુવેઝ જનરેશન સામે ટ્રીટમેન્ટ માટે 616 MLD કેપેસિટી ધરાવતા 13 એસટીપી પ્લાન્ટ કાર્યરતનો દાવો કોર્પોરેશન કરે છે. પરંતુ,મોટાભાગના પ્લાન્ટથી રાત્રે બિન્દાસ્ત ટ્રીટેડ વગરનું પાણી છોડાઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો કોર્પોરેશનના દાવા સામે સવાલો ઉભા કરે છે.
મહત્વના પ્રોજેક્ટ કાગળ પરથી જમીન પર ઉતર્યા જ નહિ
9 વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદીની આસપાસ ડેવલપમેન્ટ થકી રેવન્યુ જનરેટ કરવાની સાથે વિશ્વામિત્રી નદીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સ્પેશિયલ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોય 8 વર્ષ અગાઉ ક્રોકોડાઇલ પાર્કનું આયોજન કરી વડોદરાના વિકાસ માટે મહત્વનું સોપાન સાબિત થશે તેવા દાવા પોકળ સાબિત થયા છે.
રીયુઝ્ડ પાણી વેચીને કોર્પોરેશનને મહિને 62 લાખની આવક
રીયુઝ્ડ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી અંતર્ગત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 90 MLD પૈકી 30 MLD ગાર્ડન ઇરીગેશન, 70 MLD RIL , IOCLને સપ્લાય કરતા પાછલા એક વર્ષથી કોર્પોરેશનને 62 લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. તેમજ 67 MLD પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ હોય જે થકી 42 MLD GSFC ,GSCL , GIPCL અને 25 MLD નંદેશરીને આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
5 વર્ષ અગાઉ 100 MLD જેટલું દુષિત પાણી નદીમાં ઠલવાતું હતું. આજે ઘટીને હવે માંડ 15 MLD દુષિત પાણી કેટલાક સ્થળોએથી નદીમાં ઠલવાઇ રહ્યું હોય તે બંધ કરીશું. કારેલીબાગ ,અટલાદરા ખાતેથી દુષિત પાણી ડાયવર્ટ કર્યું છે, મુજમહુડા ખાતે નવો એસટીપી પ્લાન્ટ કાર્યરત થતા દુષિત પાણી નદીમાં ઠલવાતું બંધ થયું છે, થોડા ઘણા બાકી છે તે પણ બંધ કરીશું. દરજીપુરા, પરશુરામનગર કાંસ ,અકોટા ,પારસીઅગિયારી સહિતના સ્થળોએ ડ્રેનેજના પાણી ડાયવર્ટ કરવા પ્રેસર લાઈનની હંગામી તથા કાયમી કામગીરી પ્રગતિ હેઠળ છે. અગાઉ નદીમાં BOD (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ )નું પ્રમાણ 30 એમજી પ્રતિ લીટર હતું. આજે ઘટી 20 એમજી પ્રતિ લીટર છે. નદી ડેન્જર ઝોનમાંથી નીકળી હવે કેટેગરી ત્રણમાં આવી છે.