8 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રમિકોના બાળકો ઉડાડશે ડ્રોન
ક્યારેય ડ્રોન જોયું પણ ન હતું, પરંતુ હવે હાથમાં ડ્રોન અને રીમોટ લઈને તેને ઉડાવવાની અને હેન્ડલ કરવાની ક્ષમતાથી સરકારી શાળાની દીકરીઓ લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. ગુજરાતમાં પ્રથમવાર, સુરતની સરકારી શાળાની દીકરીઓ ભણતરના સાથે ડ્રોન કઈ રીતે ઉડાવી શકાય અને રોબોટ કેવી રીતે બનાવી શકાય, તેની ટ્રેનિંગ મેળવી રહી છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આજેઆજ સુધી જે સુવિધાઓ મોટી ફી ચૂકવ્યા બાદ પણ ખાનગી શાળાઓમાં મળતી નથી, તે હવે સુરતની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
પ્રેમસંબંધની શંકામાં મહિલા પર અમાનવીય અત્યાચાર
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર માર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
ગેસના સિલિન્ડર ચોરનારને સ્થાનિકોએ માર માર્યો
સુરત શહેરના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં 30 જાન્યુઆરીના રોજ ગેસ-સિલિનિડરની ચોરીની ઘટના બની હતી. જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો હતો અને ગેસ-સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ ગેસ-સિલિન્ડર ઊઠાવી ફરાર થઈ ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફૂટેજના આધારે આજે (31 જાન્યુઆરી) સ્થાનિક લોકોએ ચોર રિક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથીપાક ચખાડ્યો હતો.ગતરોજ થયેલી આ ચોરીની ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ટેમ્પોમાં ગેસ-સિલિન્ડર ભરેલા છે, ત્યારે એક રિક્ષાચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે. પહેલા તે તેની રિક્ષાને ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક પછી એક ત્રણ ગેસ-સિલિન્ડર ઊઠાવી રિક્ષામાં મૂકે છે. તે કોઈ ગભરાટ વિના આ આખી ચોરી અતિશય આરામથી કરે છે અને બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈને ફરાર થઈ જાય છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીને લઈ ભાજપે વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ અને પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.આ ઉપરાંત જ્યારે બોટાદ જિલ્લાની 1 નગરપાલિકાની સામાન્ય, 1 નગરપાલિકાની મધ્યસત્ર સહિત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની બે બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. સુરત મનપા, સુરત, ભરૂચ, નર્મદા, અરવલ્લી અને જિલ્લામાં ખાલી પડેલી બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે.
પ્રેમિકા માટે ચેઈન સ્નેચર બન્યો યુવક
શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદ એક ચેઇન સ્નેચર કોઇ રીઢો ગુનેગાર નહીં, પરતુ પ્રેમમાં આંધળો બનેલો પ્રેમી છે. પ્રેમિકાના મોજશોખ પુરા કરવા માટે યુવકે ચેઇન સ્નેચિંગ શરૂ કર્યુ જેમાં તે સફળ થાય તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. યુવકની પુછપરછ કર્યા બાદ તેની હકીકત સાંભણીને પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવક મધ્યપ્રદેશના કોગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. માતા પિતા અને ઘર છોડીને યુવક અમદાવાદ આવી ગયો હતો અને 15 હજાર રૂપિયામાં નોકરી કરવા લાગ્યો હતો. નોકરી દરમિયાન યુવકને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો જેમાં તેના મોજશોખ એટલા મોટા હતા કે તે પુરા કરી શક્યો નહીં અને અંતે ગુનાખોરીના રવાડે ચઢી ગયો છે.
રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા નહિવત્
ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે વહેલી સવારે અને રાત્રે જ ઠંડક લાગી રહી છે. જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં સાત દિવસ લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે તેમણે વરસાદ અંગે જણાવ્યું છે કે, રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા નહિવત્ છે. અમદાવાદ અને તેની આસપાસ 24 કલાક તાપમાન સ્વચ્છ રહેશે. આગામી 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવ તો, નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 12.5 ડિગ્રી, મહુવામાં 12.6, ડીસામાં 12.6, કેશોદમાં 13.4, અમદાવાદમાં 14.7, વડોદરામાં 16.8 ડિગ્રી અને સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગાઉના તાપમાન કરતા લધુતમ તાપમાનમાં 1.2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકન ક્રિકેટ ટીમે આણંદમાં કરી નેટપ્રેક્ટિસ
અમેરિકાની ક્રિકેટ ટીમે આણંદના જીટોડિયા ખાતે આવેલી ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં તેમની પ્રેક્ટિસ શરૂ કરી છે. આ ટીમ આગામી દિવસોમાં ઓમાન ખાતે યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે, જે પહેલા એશિયન પીચ પર અભ્યાસ કરવા માટે તેઓ આણંદ આવ્યા છે.ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સહિતની ત્રણ ટીમો હરાવીને સુપર-8 પ્રવેશ મેળનવાર USAની ટીમ આણંદ ચેલેન્જ ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. જેમાં 15 ખેલાડીઓ છે. તેમજ એક કોચ છે.ચેલેન્જ ક્રિકેટ એકેડેમીના હેડ કોચ પથિક પ્રજાપતિના જણાવ્યા મુજબ, એકેડેમી ખાતે નેશનલ લેવલની પીચ તૈયાર કરવામાં આવી છે, જ્યાં અમેરિકાની ટીમ તેમની તૈયારીઓ કરી રહી છે. ટીમના કેપ્ટન મોનાંક પટેલે જણાવ્યું કે અમેરિકામાં હાલ બરફ પડતો હોવાથી ત્યાં ઇન્ડોર મેદાનમાં જ પ્રેક્ટિસ થઈ શકે છે, જ્યારે ઓમાનમાં ખુલ્લા મેદાનમાં રમવાનું હોવાથી અહીં પ્રેક્ટિસ કરવી જરૂરી છે.ઉલ્લેખનીય છે કે મોનાંક પટેલનો જન્મ 1 મે, 1993ના રોજ આણંદમાં થયો હતો અને તેઓ ગુજરાત માટે અંડર-16 અને અંડર-18 સ્તરે રમી ચૂક્યા છે. અમેરિકા સ્થાયી થયા બાદ તેમણે યુએસએ ક્રિકેટ ટીમની કમાન સંભાળી છે. ગત ટી-20 વર્લ્ડકપમાં તેમના નેતૃત્વમાં અમેરિકાની ટીમે પ્રથમ વખત ક્વોલિફાય કરી સારું પ્રદર્શન કર્યું હતું.
વધુ એક ભરતીમાં ગોટાળાના યુવરાજસિંહના આક્ષેપ
ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોટાળો થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સિનિયર ક્લાર્કની પરીક્ષામાં એક ઉમેદવારને 210માંથી 210 માર્ક આવ્યાં હતા. નેગેટિવ માર્કિંગ છતા ખોટા જવાબમાં પણ પુરા માર્કસ આપવામાં આવ્યાં હોવાના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યાં છે. તેઓએ આ ઉમેદવારની પરીક્ષા પહેલા અને પછીનાં CDR ચેક કરવાની માંગણી કરી છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત સંલગ્ન ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત વનસેવા મહાવિદ્યાલય BRS કોલેજ, બીલપૂડી ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં બિન શૈક્ષણિક સંવર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સિનિયર ક્લાર્ક જગ્યાની ભરતી મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કરી પરીક્ષામાં 210માંથી 210 ગુણ હાંસલ કરનાર શંકાસ્પદ ઉમેદવારની પરીક્ષા પહેલા અને પછીનાં CDR ચેક કરવાની માંગણી કરાઈ છે. આજે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાના આજે એક આઠમી અજાયબી વિશે વાત કરવી છે. હવે આને દુનિયાની આઠમી અજાયબી કહેવું કે વર્તમાન સમયના આલ્બર્ટ આઈન્સ્ટાઈન તે નક્કી તમારે કરવાનું છે.
ભરુચ નગરપાલિકાની સભામાં હોબાળો
ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, મહાકુંભમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી સ્વ. શંભુભાઈ વસાવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સભા દરમિયાન વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલ, રોડ અને ડમ્પિંગ સાઈટના મુદ્દે શાસક પક્ષને ઘેર્યો હતો. કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો કરવાની ખાતરી આપી વાતાવરણ શાંત કર્યું હતું.
ડોક્ટરની કરતૂતો, યુવતીની આપવીતી
સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડો. પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ પર કિસ કરી છેડતી કરતાં હોબાળો મચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથીપાક ચખાડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની છે. પીડિતાએ કહ્યું હતું કે આ ઘટના ત્રીજીવાર બની અને મેં પોલીસ ફરિયાદ અને 181 મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી છે.આ અંગે પીડિતાએ જણાવ્યું કે, ડો. પ્રતીક માવાણી પહેલેથી જ મારી પાછળ લટ્ટુ બન્યો હતો. થોડાક દિવસ પહેલાં મને ગળે ભેટવાની કોશિશ કરી થાપાના ભાગે ટચ કર્યું હતું. 23મી ડિસેમ્બરે પણ પપ્પી બપ્પી નહીં થઇ જાય તેમ કહી હોઠ પર બટકું ભરી લીધું હતું. જો કે આ બંને વખતે મેં આ વાતને મસ્તી સમજી અવગણી હતી, પરંતુ બુધવારે કરેલી અશ્લીલ હરકતે તબીબની નિયતનો ભાંડો ફોડી નાંખ્યો હતો. ત્રીજી વાર આ પ્રકારની ઘટના બની છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરનો સ્વભાવ મસ્તી જેવો છે એ પણ મને પણ ખબર છે પણ આ હરકત લીગલી જોવા જાવ તો છેડતી જ છે. કેમકે હું તેની કોઈ સગી નથી કે તે આવીને મને બચકું ભરી જાય. આ બાબતે જ્યારે માલિકને જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ એવું કહ્યું હતું કે આવું શક્ય જ નથી. આ બધું તમે ખોટું બોલો છો અને પૈસા પડાવવા માટે આવું કરી રહ્યા છો. આ બધું પૈસા માટે નથી કર્યું અમારી આબરૂ નો સવાલ છે. અમે નાના માણસો છીએ અમારા માટે આબરૂ વધારે ઈમ્પોર્ટન્ટ હોય છે.