Ambaji News : ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર 3 દિવસ દર્શન અને રોપ વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. જેને લઈને કારણ એમ છે કે, ગત બે દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવ્યા હતા, ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આગામી 15થી 17 એપ્રિલ સુધી દર્શન અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે હવે મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરાશે.
આગામી ત્રણ દિવસ ગબ્બર દર્શન અને રોપ વે બંધ રહેશે
મળતી માહિતી મુજબ, અંબાજીમાં થોડા દિવસ પહેલા ગબ્બર દર્શન વખતે શ્રદ્ધાળુઓને ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ત્રણ દિવસ ગબ્બર દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર માર્ગ ઉપર અને પરિક્રમા માર્ગ ઉપર વિવિધ જગ્યા ઉપર અનેક લાગેલા મધપૂડા ઉડાડવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે.
અંબાજી ટ્રસ્ટ દ્વારા 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરૂ થશે.