દિવાળીના તહેવારોની શરૂઆત થઇ છે. ત્યારે સાબરકાંઠા પોલીસનો પણ નવો અભિગમ જોવા મળ્યો છે. વોકલ ફોર લોકલના પગલે પોલીસે જરૂરિયાત મંદોને વહારે આવી ખરીદી શરૂ કરી છે. આમ એક તરફ ખરીદી કરીને બીજી તરફ મદદ કરીને બંને તરફ મદદ કરી રહ્યા છે.
.
સાબરકાંઠા જિલ્લા પોલીસ અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ દ્વારા દિવાળીના તહેવારમાં નાના વેપારીઓ તેમજ લારીવાળા તેમજ ફેરીયાઓને મદદરૂપ થવાના હેતુથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ દ્રારા નાના વેપારીઓ તેમજ લારીવાળા તેમજ ફેરીયાઓની પાસેથી દિવાળીની ખરીદી કરેલ તેમજ જરૂરીયાતમંદ બાળકો તેમજ વડીલોને કપડા, બૂટ, ચપલ તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદી આપી તેવો પણ દિવાળી ખુશીથી ઉજવે તેવા હેતુથી માનવીય અભિગમ ખેડબ્રહ્મા પોલીસ દાખવ્યો છે. જેને લઈને હવે આ અભિગમને સાબરકાંઠા પોલીસે વધાવ્યો છે.

આ અંગે ઇન્ચાર્જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સ્મિત ગોહિલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર વોકલ ફોર લોકલ છે. જેને લઈને સાબરકાંઠા પોલીસના નવો અભિગમ સુત્રને સાકાર કરી રહ્યા છે. ખેડબ્રહ્મા પોલીસ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ આ અભિગમને પોલીસે વધાવ્યો છે. ઓનલાઈનના જમાનામાં વોકલ ફોર લોકલ બે રીતે મદદ થાય છે. એક તરફ જરૂરિયાત મંદો દિવાળી પર્વ ઉજવવામાં મદદરૂપ તો બીજી તરફ જરૂરિયાતમંદ નાના નાના વેપારીઓ પાસેથી ચીજ વસ્તુઓની ખરીદી પોલીસ કરી રહી છે.















