પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલાની સફળ સર્જરી કરવામાં આવી છે. સિદ્ધપુર નિવાસી આ મહિલા છેલ્લા એક મહિનાથી પેટમાં અસહ્ય દુખાવો અને કબજિયાતથી પીડાતા હતા.
.
સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દસ દિવસની સારવાર છતાં કોઈ રાહત ન મળી. આર્થિક રીતે નબળા પરિવારે બનાસ સિવિલનો સહારો લીધો. 25 માર્ચના રોજ દર્દીને પેટનો દુખાવો, ઉલટી, તાવ અને પેટ ફૂલી જવા જેવી સમસ્યાઓ સાથે ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા.
સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે પેટમાં ઇન્ફેક્શનના કારણે સોજો અને આંતરડામાં 10 સેન્ટિમીટરની મોટી પથરી છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ ડૉ. રાજેશ મજેઠીયા, ડૉ. ફોરમ મોઢ, ડૉ. સાગર અને એનેસ્થેસિયા ટીમે ત્રણ કલાક સુધી સર્જરી કરી.
ઓપરેશનમાં પિત્તાશયની થેલી કાઢી આંતરડાનું પુનઃજોડાણ કરવામાં આવ્યું. પંદર દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી. દર્દીના પરિવારે ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો છે.