પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રામનવમીથી શરૂ થયેલા આ ઉત્સવમાં ત્રણ દિવસ સુધી રાત્રે ભગવાનની વર્ણાગી નીકળી હતી.
.
ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાનની જાન રથમાં નીકળી હતી. માધવપુરના જંગલમાં ચોરમાહ્યારા ખાતે વિવાહ પ્રસંગ ભક્તિસભર વાતાવરણમાં ઉજવાયો. ચૈત્ર સુદ તેરસના દિવસે સવારે મધુવનના જંગલમાંથી ભગવાનને યુગલ સ્વરૂપે પાલખીમાં બિરાજમાન કરી નિજ મંદિર તરફ લઈ જવામાં આવ્યા.

ઢોલ-શરણાઈના સૂરે રાસ-ગરબાની રમઝટ જામી હતી. માધવપુરના માર્ગો અને શેરીઓમાં હજારો કિલો ગુલાલનો વરસાદ થયો. શહેરની શેરીઓમાં આભમાંથી ગુલાલ વરસતો હોય તેવા દૃશ્યો સર્જાયા. ધૂળેટી કરતાં પણ વધુ ગુલાલ ઉડ્યો હતો અને સમગ્ર માધવપુર ગુલાબી રંગે રંગાઈ ગયું.
અંતે ભગવાનને યુગલ સ્વરૂપે માધવરાય મંદિરે બિરાજમાન કરવામાં આવ્યા. ‘જય માધવ’ અને ‘જય માતા રુક્મિણી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. શ્રદ્ધાળુઓ હર્ષભેર આ ઉત્સવમાં જોડાયા અને ગુલાલના વરસાદ સાથે માધવરાયના નિજ મંદિર સુધી પહોંચ્યા.